રાજકોટ: શિક્ષણ સમિતિની શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયોનો સર્વે કરવા આદેશ

રૈયાધારમાં કોર્પોરેશનની શાળામાં મ્યુનિ.કમિશનર અમિત અરોરાની સરપ્રાઇઝ વિઝીટ: ધોરણ-7 અને 8 બાદ શાળા છોડનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધુ

મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ આજે સવારે વોર્ડ નં.1માં રૈયાધાર વિસ્તારમાં આવેલી મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની શાળાની સરપ્રાઇઝ વિઝીટ લીધી હતી. તેઓએ ડ્રોપ આઉટ રેશિયો અંગે સર્વે કરવા માટે શિક્ષણાધિકારીને આદેશ આપ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ અંગે પત્રકારો સાથેની વાતચિત દરમિયાન મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે આજે તેઓએ કોર્પોરેશનની શાળાની સરપ્રાઇઝ વિઝીટ લીધી હતી. કોર્પોરેશનની 84 ગુજરાતી માધ્યમની શાળા અને ત્રણ અંગ્રેજી માધ્યમની શાળામાં આશરે 35 હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. એક વાત ધ્યાનમાં આવી છે કે ધોરણ-7 અને 8 બાદ શાળા છોડીને જતા રહેનારા વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ વધુ પ્રમાણમાં છે. ભરવાડ સમાજમાં ડ્રોપ આઉટ રેશિયોનું પ્રમાણ ખૂબ જ વધુ છે. જો કે, શિક્ષણ સમિતિની શાળા છોડી અન્ય સ્કૂલમાં જતા હોય તેવા વિદ્યાર્થીઓએ અભ્યાસ બંધ કરી દીધો હોય તેવું કહી શકાય નહીં. ડ્રોપ આઉટ રેશિયો જાણવો ખૂબ જ અઘરો છે. છતાં શાસનાધિકારીને એવી સૂચના આપવામાં આવી છે કે ડ્રોપ આઉટ રેશિયો અંગે સર્વે કરવામાં આવે, હાલ ધો.7 અને 8 બાદ ડ્રોપ આઉટ રેશિયાનું પ્રમાણ લગભગ ચાર થી પાંચ ટકા જેટલું છે તેનો નીચો લાવવાનો પ્રયાસ કરવામાં આવશે. તેઓએ ઉમેર્યું હતું કે સમિતિની શાળાઓમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના નિયમ મુજબ દર ત્રણ મહિને વાલી મિટીંગ બોલાવવામાં આવે છે. જે શક્ય હોય તો દર મહિને બોલાવવામાં આવશે. સાથોસાથ વાલી સંપર્ક અભિયાનને વધુ વેગવંતુ બનાવવામાં આવશે. તમામ બાળકો અભ્યાસ પૂર્ણ કરે અધુરો અભ્યાસ ન છોડે તે માટે પૂરતી તકેદારી લેવામાં આવી રહી છે. હવે આ અભિયાનને આંદોલન સ્વરૂપે ઉપાડવામાં આવશે.