Abtak Media Google News

જન્મદિનની મીજબાનીમાં સામસામે બે પક્ષો હથિયાર વડે તૂટી પડ્યા: માતા-પુત્ર સહિત ત્રણ ઘાયલ

શહેરમાં નાના માવા મેઇન રોડ પર આવેલા કરણ પાર્કમાં બર્થડે પાર્ટીમાં દારૂના નશામાં પરિણીતાની પજવણી કરવા મુદ્દે બે પક્ષ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં બંને પક્ષે માતા પુત્ર સહિત ત્રણને ઇજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બાદમાં બંને પક્ષે સમાધાન થયું હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નાનામવા મેઇન રોડ પર આવેલા કરણ પાર્કમાં રહેતા મુકેશભાઈ જેઠાભાઇ મુછડીયા (ઉ.વ.40) અને તેની માતા રમાબેન જેઠાભાઈ મૂછડીયા (ઉ.વ.60) રાત્રિના પોતાના ઘર પાસે હતા ત્યારે પાડોશમાં રહેતા મનોજ, લાલો અને કુકો સહિતના શખ્સોએ ઝઘડો કરી પાઇપ વડે માર માર્યો હતો. જ્યારે વળતા પ્રહારમાં મનોજ નાનજીભાઈ સુરેલીયા (ઉ.વ.27) ઉપર રાજેશ અને મુકેશ સહિતના શખ્સોએ હુમલો કરી માર માર્યો હતો.

મારામારીમા બંને પક્ષે ઘવાયેલા માતા-પુત્ર સહિત ત્રણેયને ઈજાગ્રસ્ત હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરતા માલવીયાનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.આ અંગે મુકેશ મુછડીયાની પ્રાથમિક પૂછપરછમાં પાડોશમાં રહેતા હુમલાખોર કુકાની પુત્રીનો જન્મદિવસ હોવાથી બધા જન્મદિવસની ઉજવણીમાં ભેગા થયા હતા.

મનોજ સુરેલીયાએ દારૂના નશામાં મુકેશ મૂછડીયાની પત્નીનો હાથ પકડતા બોલાચાલી થઈ હતી. જે બોલાચાલી બાદ મારામારી થઈ હોવાનું અને બાદમાં સમાધાન પણ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે આ અંગે માલવિયાનગર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.