Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકાનાં વર્ષ 2021-2022 માટે રૂા.2275.80 કરોડનું બજેટ આજે સવારે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા દરખાસ્ત સ્વરૂપે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજુ કરવામાં આવ્યું હતું. કદની દ્રષ્ટિએ ઐતિહાસિક એવા બજેટમાં કોરોના કાળમાં રાજકોટવાસીઓ માટે સૌથી મોટા રાહતના સમાચાર એ છે કે નવો એકપણ રૂપિયાનો કરબોજ લાદવામાં આવ્યો નથી. આ ઉપરાંત મહાપાલિકાની હદમાં ભળેલા નવા વિસ્તારોના વિકાસ માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આજથી જ બજેટનો અભ્યાસ શરૂ કરી દેવામાં આવ્યો છે.

આજે સવારે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા વર્ષ 2020-2021નું રૂા.1544.32 કરોડનું રીવાઈઝડ બજેટ અને વર્ષ 2021-2022નું રૂા.2275.80 કરોડનું અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજુ કરવામાં આવ્યું છે જેમાં પાણી વેરો, મિલકત વેરો, ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન ચાર્જ અને વાહન વેરાના દરમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી. તાજેતરમાં રાજય સરકાર દ્વારા રાજયના 6 શહેરોમાં મેટ્રો રેલ દોડાવવાની ઘોષણા કરવામાં આવી હોય મ્યુનિસિપલ કમિશનર દ્વારા પણ મેટ્રો રેલ ફિઝીબીલીટી સ્ટડી માટે બજેટમાં 10 લાખની જોગવાઈ કરવામાં આવી છે.

શહેરમાં બે નવા સ્પોર્ટસ સંકુલ, પર્યાવરણની સુરક્ષા માટે વધુ ઈ-બસની ખરીદી, સાંઢીયાપુલનું નવિનીકરણ, પબ્લીક બાઈસીકલ શેરીંગ પ્રોજેકટનું વિસ્તૃતિકરણ, નાકરાવાડી નવો સોલાર પાવર પ્લાન્ટ, ત્રણ નવા ફાયર સ્ટેશન, સ્ટ્રીટ ફોર પીપલ, નેચરીંગ નેબલ હુડ અને સાયકલ ફોર ચેન્જ જેવા પ્રોજેકટનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ગત વર્ષે મહાપાલિકાની હદમાં જે નવા ચાર ગામો ભળ્યા છે ત્યાં પ્રાથમિક સુવિધાના કામો માટે બજેટમાં રૂા.72 કરોડની જોગવાઈ કરવામાં આવી છે તો ટેકસનો ટાર્ગેટ 340 કરોડ અંદાજવામાં આવ્યો છે.

આગામી વર્ષે મહાપાલિકા 300 કરોડની જમીન વેચશે અને 175 કરોડની એફએસઆઈનું પણ વેચાણ કરશે તેવો અંદાજ રાખવામાં આવ્યો છે. રાજકોટ ખરાઅર્થમાં ગ્રીન સીટી બને તે માટે વૃક્ષનાં સર્વે માટે પણ જીયો ટેગીંગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

  • વેસ્ટ અને ઈસ્ટ ઝોનમાં નવા સ્પોર્ટ્સ સંકુલનુ નિર્માણ કરવાની જાહેરાત
  • સ્માર્ટ સીટી રાજકોટને પ્રદુષણરહિત કરવા બજેટમાં જોગવાઈ વધુ ૧૦૦ નવી ઈલેક્ટ્રિક બસો દોડાવાશે
  • જામનગર રોડના ઓવરબ્રિજનું નવીનીકરણ કરાશે
  • રાજકોટને ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા બજેટમાં પહેલ નાકરાવાડી ખાતે સ્થપાશે ૪ મેગાવોટનો પ્લાન્ટ
  • શહેરભરમાં ઈ-બાઈક શેરિંગ પ્રોજેકટ શરૂ કરાશે
  • રાજકોટમાં ફાયર સેફ્ટી વધુ મજબૂત બનાવવા બજેટમાં જોગવાઈ નવા 3 ફાયર સ્ટેશનો ઉભા થશે
  • વિકાસની સાથે પર્યાવરણને પણ બચાવવા રાજકોટ મનપાની પહેલ વૃક્ષોનું ટેગીંગ કરીને નિકંદન થતા અટકાવાશે
  • પીવાના પાણીના પ્રશ્નો દૂર કરવા રાજકોટ મનપા બજેટમાં મુકાયો ભાર ૧૫૦ એમ.એલ.ડી.ના સંપ બનાવાશે
  • ગત વર્ષ કરતા 150 કરોડનું વધુનું ભંડોળ ફાળવાયું
  • નવો વેરો નહીં પણ બાકી વેરાની વસુલાત પર બજેટમાં ભાર મુકાયો કર વસૂલીના લક્ષ્યાંકને પહોંચી વળવા રિકવરી સેલ બનાવાશે
  • રાજકોટ: ઈ-વ્હિકલ માટે રૂ.5000 સબસિડી અપાશે પ્રદુષણરહિત વાહનો દોડાવવા પર બજેટમાં ભાર મુકતી મહાપાલિકા
  • સાયકલ પ્રમોશન યોજના હેઠળ હવે, રૂપિયા 1000ની સબસીડી મળશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.