Abtak Media Google News

કુલ ધિરાણમાં 92.57 ટકા ખાતાઓમાં રૂ.10 લાખથી ઓછી રકમ, નાના માણસની મોટી બેંકનું બીરૂદ સાર્થક

રાજકોટ નાગરિક સહકારી બેંકની 70મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન

રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની 70મી વાર્ષિક સાધારણ સભા બેંકની હેડ ઓફિસ,  રાજકોટ ખાતે યોજાઇ હતી અને તેમાં બહોળી સંખ્યામાં ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યા હતા. બેંકના ચેરમેન શૈલેષભાઇ ઠાકરે અધ્યક્ષીય ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે, ‘સાત દાયકાથી જન વિશ્ર્વાસની આરાધના કરતી  બેંક, રૂા. 4890/-ની મામૂલી રકમથી શરૂ થઇ, આર્થિક પ્રવાહમાં આગળ વધતાં આજે રૂા. 9,142 કરોડની બેંક બની ગઇ છે.   અરવિંદભાઇ મણીઆરથી લઇ ત્યાર પછીના દરેક ચેરમેન, અત્રે ઉપસ્થિત જ્યોતીન્દ્રભાઇ મહેતા, કલ્પકભાઇ મણીઆર, નલીનભાઇ વસા સુધીના દરેકે પોત-પોતાની રીતે, એક વિચારધારાને ધ્યાને લઇ, વિવિધ કાર્યપદ્ધતિ મુજબ, સમય અને બેંકની તાસીર અનુસાર, કાયદાની મર્યાદામાં રહી બેંકના હિતમાં જે કાંઇ સારું હોય તે, બેકના વિકાસની અવિરત પ્રગતિ માટે દરેક બોર્ડ ઓફ ડિરેકટર્સ કામ કરતાં રહ્યા છે.

અગાઉના દરેક ચેરમેનોએ અને બોર્ડે અ ેટલો સરસ માર્ગ કંડારી, પારદર્શક વહીવટ દ્વારા બેંકને એક એવા મુકામે પહોંચાડી છે કે વિકાસને વેગ મળતો જ રહે. ખૂબ જ બારીકાઇથી અને ઝીણામાં ઝીણી બાબતોને ધ્યાને લઇ, વર્ષો સુધી તપસ્યા કરી તેઓએ આ બેંકને અહીં સુધી પહોંચાડી છે. થાપણ-ધિરાણ-નફામાં સતત વધારો, સીડી રેશિયો, ઝીરો નેટ એનપીએ વગેરે દ્વારા શ્રેષ્ઠ કાર્ય ર્ક્યું છે. આ વર્ષના અંતમાં  10 હજાર કરોડની બેંક બની જઇશું તેવો વિશ્ર્વાસ છે. નાના ધિરાણો જેવા કે, તત્કાલ અને સરલ ધિરાણમાં નોંધપાત્ર વધારો કરી શક્યા.  28 શાખામાં સોના ધિરાણ સુવિધા ઉપલબ્ધ કરાવી છે અને ગત વર્ષે રૂા. 280 કરોડનું ધિરાણ ર્ક્યું છે. ડિપોઝીટમાં સારો વધારો થયો છે તેવી જ રીતે બેંકિંગ વ્યવસાયમાં મહત્ત્વપૂર્ણ એવી લો-કોસ્ટ ડિપોઝીટમાં સારો વધારો કરી શક્યા છીએ.  18 ટકા ડિવિડન્ડ તથા  આગામી વર્ષે સભાસદ ભેટ આપવામાં આવશે.

બેંકના સીઇઓ-જનરલ મેનેજર વિનોદ શર્માએ પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા નાણાંકીય વર્ષ 2022-2023ની ઝલક રજુ કરતાં માહિતી આપી હતી કે, ‘તા. 31 માર્ચ 2023ની સ્થિતિએ બેંકની થાપણ રૂા. 5,783.32 કરોડ, ધિરાણ રૂા. 3,358.38, ઓપરેટીંગ પ્રોફિટ રૂા. 145.38 કરોડ, ઇન્વેસ્ટમેન્ટ રૂા. 2,845.75 કરોડ, સીડી રેશિયો 58.07 ટકા અને સભાસદની સંખ્યા 3,25,234 નોંધાયેલ છે. સ્વભંડોળ રૂા. 913.93 કરોડ છે. આર.બી.આઇ.ની માર્ગદર્શિકા મુજબ સીઆરએઆર લઘુત્તમ 12 ટકા હોવો જોઇએ તેની સામે આપણી બેંકે 19.30 ટકા જાળવી રાખેલ છે. જે ખૂબ જ સારી વાત છે. નેટ એનપીએ ઝીરો છે. નિયત માપદંડ મુજબ કુલ ધિરાણો પૈકી નાના ધિરાણો 50 ટકા હોવા જોઇએ તેની સામે આપણે 78 ટકા નાના ધિરાણો ર્ક્યા છે જે સારી સ્થિતિ દર્શાવે છે.

બેંકના પૂર્વ ચેરમેન અને વર્તમાન ડિરેકટર, નાફકબના અધ્યક્ષ જ્યોતીન્દ્રભાઇ મહેતાએ વિસ્તૃત માહિતી આપતાં જણાવ્યું હતું કે, ‘હાલમાં આર.બી.આઇ. સુધારો લાવી છે કે સહકારી ક્ષેત્રમાં 8 વર્ષ સુધી ડિરેકટર પદે રહી શકાય. દરેક ડિરેકટરને ચાર-ચાર વર્ષની બે ટર્મ મળશે. સભાની શરૂઆત ભારત માતા અને અરવિંદભાઇ મણીઆરની તસવીરને મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી થઇ હતી. બેંકના અધિકારી પ્રવીણસિંહ રાઠોડે સહકાર મંત્રનું પઠન ર્ક્યું હતું.

વાર્ષિક સાધારણ સભા બાદ બેંકના બોર્ડ ઓફ ડાયરેકટર્સની બેઠક યોજાઇ હતી. જેમાં ચેરમેનપદ માટે શૈલેષભાઇ ઠાકર અને વાઇસ ચેરમેનપદ માટે જીમ્મીભાઇ દક્ષીણીઆ બંને ડિરેકટરો સન 2023-2024ના વર્ષ માટે બિનહરીફ ચૂંટાયેલા થયેલા જાહેર કરાયા હતા.વાર્ષિક સાધારણ સભા બાદની પારિવારિક ગોષ્ઠિમાં બોલતાં સહકાર ભારતી ગુજરાતના ઉપાધ્યક્ષ અને સહકારી અગ્રણી નલિનભાઇ વસાએ જણાવ્યું હતું કે, ‘એકવાર એક પત્રકાર પરિષદમાં ગુરૂજીને પૂછ્યું કે, અત્યારની રાષ્ટ્રની સાંપ્રત સમસ્યાઓ છે તેમાં સંઘ શું શું કરશે ? ત્યારે ગુરૂજીએ એમને જવાબ આપ્યો કે સંઘ વ્યક્તિ નિર્માણ સિવાયનું કોઇ કામ નહિ કરે પરંતુ આ રીતે નિર્માણ થયેલા સ્વયંસેવકો આવશ્યકતા હશે એવું કોઇ કામ છોડશે નહિ. એટલે સંઘ ફક્ત શાખાઓ ચલાવશે અને શાખાઓમાંથી નિર્માણ થયેલા સ્વયંસેવકો-કાર્યકર્તાઓ દ્વારા સમાજની અંદર જે કંઇ આવશ્યકતાઓ હશે એવા દરેક ક્ષેત્રની અંદર જઇને આવશ્યકતા મુજબ કામ કરશે.

આ અવસરે બેંક પરિવારમાથી શૈલેષભાઇ ઠાકર (ચેરમેન), જીમ્મીભાઇ દક્ષીણી (વાઇસ ચેરમેન), ડિરેકટરગણમાંથી નલિનભાઇ વસા (પૂર્વ ચેરમેન), જ્યોતીન્દ્રભાઇ મહેતા (પૂર્વ ચેરમેન), સીએ. કલ્પકભાઇ મણીઆર (પૂર્વ ચેરમેન), ટપુભાઇ લીંબાસીયા (પૂર્વ વાઇસ ચેરમેન), ડાયાભાઇ ડેલાવાળા (પૂર્વ વાઇસ ચેરમેન), અર્જુનભાઇ શિંગાળા, દીપકભાઇ મકવાણા, હંસરાજભાઇ ગજેરા, રાજશ્રીબેન જાની, કાર્તિકેયભાઇ પારેખ, પ્રદીપભાઇ જૈન, કીર્તિદાબેન જાદવ, મંગેશજી જોષી, સીએ. ચંદ્રેશભાઇ ધોળકીયા, ડો. માધવભાઇ દવે, દિનેશભાઇ પાઠક, અશોકભાઇ ગાંધી, દીપકભાઇ બકરાણીયા, શૈલેષભાઇ મકવાણા, વિનોદ શર્મા (સીઇઓ-જનરલ મેનેજર), અમરભાઇ ભાલોડીયા (સદસ્ય-બોર્ડ ઓફ મેનેજમેન્ટ), યતીનભાઇ ગાંધી (સી.એફ.ઓ.), રજનીકાંત રાયચુરા (ડી.જી.એમ.), ડેલિગેટ્સ, શાખા વિકાસ સમિતિનાં સદસ્યો, આમંત્રિતો અને નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. વિશેષમાં રાજકોટનાં ચુંટાયેલા નવનિયુક્ત ધારાસભ્યો પૈકી ઉદયભાઇ કાનગડ અને ડો. દર્શિતાબેન શાહ ઉપરાંત  મુકેશભાઇ મલકાણ (સૌરાષ્ટ્ર પ્રાંત-સંઘચાલકજી-રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ), સુરેન્દ્રભાઇ પટેલ, સીએ. પી. આર. ધોળકીયા, નરેન્દ્રભાઇ દવે, મહેશભાઇ જીવાણી, અશોકભાઇ ખંધાર એ.જી.એમ. બાદની પરિવાર ગોષ્ઠિમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનુ આભારદર્શન જીમ્મીભાઇ દક્ષીણીએ અને  સંચાલન જયેશભાઇ છાટપારે ર્ક્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.