રાજકોટ : એબીવીપીના કાર્યકરોની ચાલુ સિન્ડીકેટે તડાપીટ: પોલીસ સાથે ઘર્ષણ-તોડફોડ

કરાર આધારિત અધ્યાપકોની તાત્કાલીક ભરતી કરવા અને ડોડીયાને પરીક્ષામાંથી ડિબાર્ડ કરવાની માંગ: સેન્ટ્રલાઈઝ એડમિશન, વિરાણી કોલેજના વિદ્યાર્થીઓને અટકેલી ડિગ્રી આપવા રજૂઆત

એબીવીપીના કાર્યકરોએ સિન્ડીકેટના દરવાજામાં હાથ પછાડી અંદર જવા પ્રયત્ન કર્યો: તોડફોડના સીસીટીવી જોઈ જરૂર જણાશે તો પોલીસ ફરિયાદ પણ કરાશે: કુલપતિ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદોના વમણમાં ફરી ફસાઈ હોય તેમ એક બાદ એક વિવાદો સર્જાતા જાય છે. આજે દોઢ માસ બાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સિન્ડીકેટની સભા મળી હતી. જેમાં એબીવીપીએ ચાલુ સિન્ડીકેટે તડાપીટ બોલાવી હતી અને પોલીસ સાથે ઘર્ષણ ર્ક્યું હતું તેમજ વીસી, પીવીસીની ઓફિસ બહાર આવેલ વેઈટીંગ લોન્ચમાં ટીપોઈનું કાચ તોડી નાખ્યો હતો અને મુદ્દો વધુ ગંભીર બન્યો હતો.

ત્યારબાદ ભાજપના સિનીયર સિન્ડીકેટ સભ્ય નેહલ શુકલ અને મેહુલ રૂપાણી સિન્ડીકેટની બહાર આવી એબીવીપીની રજૂઆત સાંભળી હતી. જેમાં યુનિવર્સિટીમાં સેન્ટ્રલાઈઝ એડમીશન કરવા અને વિરાણી કોલેજના વિદ્યાર્થીની અટકેલી ડિગ્રી તાકીદે આપવા રજૂઆત કરી હતી. સિન્ડીકેટની બેઠક ચાલી રહી હતી તે સમયે એબીવીપીના કાર્યકર્તાઓએ ભરતી પ્રક્રિયા મામલે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

જ્યાં સિન્ડીકેટના હોલના દરવાજામાં હાથ પછાડી અંદર જવા કાર્યકરો આક્રમક બન્યા હતા. આ ઘર્ષણમાં કાચ ફૂટ્યા અને ટેબલો પણ તૂટ્યા હતા તેમજ પોલીસ સાથે ઘર્ષણ થયો હતો પરંતુ કાર્યકર્તાનો ઉગ્ર દેખાવ શમ્યો ન હતો.

ઉલ્લેખનીય છે કે, આ બાબતે યુનિવર્સિટીના કુલપતિ ડો.નીતિન પેથાણીએ જણાવ્યું હતું કે, ભરતી પ્રક્રિયા વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. હાલ પુરતી કોઈપણ ભવનમાં ભરતી શક્ય નથી. પરંતુ ફાર્મસી ભવન સહિતના ભવનો કે જેમાં શિક્ષકોની જરૂરીયાત છે તેમાં એક મહિના પુરતા અધ્યાપકોને એક્ષટેશન અપાશે. આ ઉપરાંત એબીવીપીના કાર્યકર્તાઓ દ્વારા જે તડાપીટ બોલાવવામાં આવી છે.

તેના સીસીટીવી ફૂટેજ જોઈને એવું કાંઈ જણાશે તો ચોક્કસથી પોલીસ ફરિયાદ કરવામાં આવશે. આ ઉપરાંત સિન્ડીકેટની બેઠકમાં જયાં સુધી નવી ભરતી પ્રક્રિયા ન થાય ત્યાં સુધી જૂના કરારી અધ્યાપકોને ચાલુ રાખવા અને એક બે માસ માટે કરાર રિન્યુ કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ આ એવા જ અધ્યાપકો કે જે ભવનમાં અધ્યાપકોની વધુ જરૂરિયાત હોય. વિદ્યાર્થીનું હિત થાય અને અભ્યાસક્રમ ન બગડે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.