Abtak Media Google News

દોઢેક માસ પૂર્વે ડિમોલિશન કરીને ખુલ્લી કરવામાં આવેલી ૩૦૦૦ ચો.મી. ખરાબાની જમીન સરકારી ઉપયોગમાં લેવાનો નિર્ણય : સરકાર સમક્ષ વહીવટી તંત્રે મૂકી માંગણી

૨૦૦૦ ચો.મી.માં ૮ મામલતદારો માટે ક્વાર્ટર અને ૧૦૦૦ ચો.મી.માં પોલીસ ચોકી બનાવવાનું આયોજન

સાધુ વાસવાણી રોડ ઉપર પશ્ચિમ મામલતદારે ડિમોલિશન કરીને ખાલી કરાવેલી ખરાબાની ૩૦૦૦ ચો.મી. જમીન ઉપર મામલતદાર ક્વાર્ટર અને પોલીસ ચોકી બનાવવા વહીવટી તંત્ર દ્વારા દરખાસ્ત કરવામાં આવી છે. જેમાં ૨૦૦૦ ચો.મી.માં ૮ મામલતદારો માટે ક્વાર્ટર અને ૧૦૦૦ ચો.મી.માં પોલીસ ચોકી બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

સાધુ વાસવાણી રોડ ઉપર સીધેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં સાધુ વાસવાણી સ્કૂલ પાસે સર્વે નં..૩૧૮ના સરકારી ખરાબામાંથી દોઢેક માસ પૂર્વે પશ્ચિમ મામલતદાર દ્વારા કોમર્શિયલ દબાણો દૂર કરવા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ડિમોલિશનથી અંદાજે ૩૦૦૦ ચોરસ મિટર જેટલી સરકારી ખરાબાની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. હવે આ સરકારી જમીન મોકાની જગ્યામાં એમનમ વણવપરાયેલી પડી હોય વહીવટી તંત્ર દ્વારા તેનો સુચારુ ઉપયોગ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે.

વહીવટી તંત્ર દ્વારા આ જગ્યામાં મામલતદારના ક્વાર્ટર અને પોલીસ ચોકી બનાવવાનું પ્રાથમિક આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે. જેમાં ૨ હજાર ચો.મી. જેટલી જગ્યામાં ૮ મામલતદાર ક્વાર્ટર અને ૧ હજાર ચો.મી. જગ્યામાં પોલીસ ચોકીનું નિર્માણ કરવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં અંદાજે આઠેક જેટલા મામલતદાર કાર્યરત છે. જો આ નવા આવાસ બને તો તમામ મામલતદારને સારી રહેઠાણની સુવિધા મળી શકે તેમ છે. જેથી વહીવટી તંત્રએ આ માટે સરકારમાં દરખાસ્ત કરી છે. જે ટૂંક સમયમાં મંજુર થઈ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.