Abtak Media Google News

ગત વર્ષે કોરોનાના સંક્રમણના કારણે રાવણ દહન થયું ન હતું વિશ્ર્વ હિન્દુ પરિષદને રાવણ દહન માટે રેસકોર્સ ગ્રાઉન્ડ ફાળવાયું

છેલ્લા પોણા બે વર્ષથી હાહાકાર મચાવી રહેલા કોરોનાનું સંક્રમણ હવે ધીમે ધીમે ઘટી રહ્યું છે. કોરોનાકાળે ઉત્સવોની રોનક છીનવી લીધી હતી. છેલ્લા બે વર્ષથી નવરાત્રી મહોત્સવની ઉજવણીમાં પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. ગત વર્ષે નવરાત્રી મહોત્સવ ઉજવવા માટે છુટછાટ આપવામાં આવી ન હતી. આ વર્ષે કોરોનાની ગાઈડ લાઈન સાથે શેરી ગરબા યોજવા માટે મંજૂરી ચોક્કસ મળી છે. ગત વર્ષે દશેરાના તહેવારમાં પરંપરાગત રાવણ દહનનો કાર્યક્રમ યોજી શકાયો ન હતો. દરમિયાન આ વર્ષે વિશ્ર્વ હિન્દુ પરિષદને કોર્પોરેશન દ્વારા રાવણ દહન માટે રેસકોર્સનું ગ્રાઉન્ડ ફાળવવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. આગામી 15મી ઓકટોબરના રોજ સાંજે 8 કલાકે રેસકોર્સમાં રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે.

‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન વિશ્ર્વ હિન્દુ પરિષદના રાજકોટ મહાનગરના અધ્યક્ષ શાંતુભાઈ રૂપારેલીયાએ જણાવ્યું હતું કે, રાવણ દહન માટે કોર્પોરેશન પાસે 2 દિવસ રેસકોર્સ ગ્રાઉન્ડની માંગણી વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવી હતી અને જેને મંજૂરી આપવામાં આવી છે. હાલ રાધેશ્યામ ગૌશાળા ખાતે રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પુતળા બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. 15મી ઓકટોબર એટલે કે દશેરાના દિવસે એટલે કે, 15મી ઓકટોબરે સાંજે 6 થી રાત્રીના 9 વાગ્યા સુધી રેસકોર્સ ગ્રાઉન્ડમાં પરંપરાગત રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે. જેમાં સરકાર દ્વારા આપવામાં આવેલી કોરોનાની ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવશે.

કોરોનાનું સંક્રમણ ધીમે ધીમે ઘટતા હવે તહેવારોની રોનક ધીમે ધીમે પરત ફરી રહી છે. નવરાત્રી મહોત્સવ માટે શેરી ગરબાની છુટછાટ અપાયા બાદ હવે એક વર્ષના વિરામ બાદ ફરી રાવણ દહન સહિતના કાર્યક્રમો યોજાશે. જો કે બીજી તરફ સંક્રમણ ન ફેલાય તે માટે રાજ્ય સરકાર દ્વારા રાજકોટ સહિત રાજ્યની 8 મહાપાલિકા વિસ્તારમાં રાત્રી કરફયુ 10મી નવેમ્બર સુધી લંબાવી દેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.