Abtak Media Google News
પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક એસીપી જે.બી.ગઢવીએ ખાસ ડ્રાઇવ યોજી: ૧૯ ટ્રક ડીટેઇન
રાજકોટ શહેરમાં વધતી જતી ટ્રાફિકની જટિલ સમસ્યાને લઇને પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક એસીપી જે.બી.ગઢવી સહિતના સ્ટાફે એક ખાસ ડ્રાઇવ યોજી હતી. જેમાં ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી બેફામ દોડતા ૧૯ ટ્રકને જપ્ત કર્યા હતા.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં વધતી જતી વસ્તી અને વાહનોના કારણે દિન પ્રતિદિન અકસ્માતનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. જેના નિયમન માટે સરકાર દ્વારા અંડર બ્રિજ, ઓવરબ્રિજ, પાથવે, ટ્રાફિક સિગ્નલ સીસીટીવી કેમેરા જેવી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
વાહનચાલકો માટે રાજ્ય સરકારે અમલી બનાવેલા ગતિ નિયંત્રણના નિયમો છતાં વધુ ઝડપને લીધે છાશવારે અકસ્માતો બનતા રહે છે. તાજેતરમાં કોઠારીયા રોડ ઉપર ડમ્પર ચાલકે એકટીવાને ઠોકરે લેતા તબીબી યુવતીનું અકસ્માતમાં મોત થયું હતું. જેથી અકસ્માતથી બચવા તથા આવા વાહન ચાલકો વિરુદ્ધ એક્શન લેવા માટે રાજકોટ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ડ્રાઇવ રાખવામાં આવી હતી. આ ટ્રાફિક ડ્રાઈવમાં કુલ ૧૯ ટ્રક ડિટેઇન કરવામાં આવ્યા હતા.
રાજકોટ શહેરના માર્ગે ચાલતા બેફામ ભારે ભરખમ વાહનોના કારણે છાશવારે અકસ્માતો સર્જાતા રહે છે. પરંતુ ટ્રાફિક પોલીસ દ્વારા આવી ડ્રાઇવ સતત ચાલુ રહેશે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ અભિયાન એસીપી ટ્રાફિક જે.બી.ગઢવી, પીઆઈ ભાર્ગવ ઝણકાટ, પીઆઈ વી.આર.રાઠોડ, પીઆઈ એન.જી.વાઘેલા અને પીએસઆઈ એન.કે.રાજપુરોહિત સહિત ટ્રાફિક સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.