Abtak Media Google News

સૌરાષ્ટ્રના અન્ય એસ.ટી. ડેપોની સરખામણીએ રાજકોટ એસ.ટી. બન્યું સૌથી વધુ નફો કરતું ડિવિઝન

રાજકોટ એસ.ટી. ડિવિઝનની ગાડી હાલ ટોપ ગીયર પર ચાલી રહી છે. છેલ્લા ઘણા સમયથી ખોટમાં ડુબેલી રાજકોટ એસ.ટી.ડેપો છેલ્લા પાંચ મહિના દરમિયાન આવકમાં તોતીંગ વધારો કર્યો છે. અને આ પાંચ મહિનાનો આંક આશરે ૨ કરોડે પહોંચ્યો છે અને ખાસ તો ઓગસ્ટ મહિનામાં જ રાજકોટ એસ.ટી.ડિવિઝનને ૫૧.૬૧ લાખ રૂપિયાનો તોતીંગ નફો થયો હતો.રાજકોટ એસ.ટી.ડિવિઝન છેલ્લા કેટલાક મહિનાઓથી મુસાફરોની સુવિધાઓમાં પણ વધારો કરતું રહ્યું છે. જેમાં નવા રૂટની બસો, વોલ્વો, બીજી અનેક અદ્યતન સુવિધાઓના કારણે મુસાફરો પણ એસ.ટી.માં જવા વધુ આકર્ષિત થયા છે. એપ્રિલથી ઓગસ્ટ ૨૦૧૭ દરમિયાન એસ.ટી. ડિવિઝનને કુલ ૧૫ કરોડ ૧૧ લાખની આવક થઈ હતી અને તેનો કુલ ખર્ચ ૧૩ કરોડ ૧૦ લાખનો થયો હતો. એટલે કે એસ.ટી.ડિવિઝનને ૨ કરોડનો ચોખ્ખો નફો થયો છે. જયારે છેલ્લા ઓગસ્ટ માસમાં રાજકોટ ડિવિઝને ૩ કરોડ ૨૪ લાખની આવક સામે બે કરોડ ૭૨ લાખનો ખર્ચ કર્યો છે. અને એક જ મહિનામાં ૫૧ લાખનો નફો કર્યો છે.રાજકોટ એસ.ટી.ડિવિઝનના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રભરમાં રાજકોટ એસ.ટી. ડિવિઝન અન્યની સરખામણીએ વધુ નફો કરતુ ડિવિઝન બન્યુ છે. જયાં મુસાફરની તમામ સુવિધા આપવામાં આવે છે. તદ્ઉપરાંત મહિનાના અંત સુધીમાં હંગામી બસ સ્ટેશન પણ કાર્યરત થઈ જશે. ત્યાં પણ જૂના એસ.ટી.બસ સ્ટેન્ડની જેમ જ મુસાફરોને તમામ સુવિધાઓ આપવામાં આવશે અને અંદાજીત ૨ વર્ષ સુધીમાં રાજકોટને એરપોર્ટ જેવું એસ.ટી. સ્ટેન્ડ મળશે. હાલમાં એસ.ટી.ના મુસાફરોને ઘણી બધી સવલતો આપવામાં આવી રહી છે. ભવિષ્યમાં મુસાફરોને કોઈ અગવડતા ન પડે તેનું ચોકકસ ધ્યાન રાખીને હજુ વધુ સુવિધા પ્રાપ્ત થાય તેવો પ્રયાસ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.