Abtak Media Google News

રાજકોટની ભાગોળે આકાર લઈ રહેલા હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના ફેઝ-1નું 80 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. હવે બાકીનું કામ 1 મહિનામાં પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

રાજકોટ-અમદાવાદ હાઈ-વે પર હીરાસર ગ્રીનફિલ્ડ ઈન્ટર નેશનલ એરપોર્ટ આકાર લઈ રહ્યું છે. રૂા.1400 કરોડના અંદાજિત ખર્ચવાળો આ પ્રોજેકટ ચૂંટણી જાહેર થાય તે પહેલાં પૂર્ણ કરી દેવાનો આદેશ છુટતા કામમાં  ઝડપ વધારી દેવામાં આવી છે.

80 ટકા કામ પૂર્ણ : હવે ગામનું સ્થળાંતર તેમજ ટાવર અને વિન્ડમિલ સિફટિંગનું કામ બાકી 

આ પ્રોજેકટમાં પ્રથમ ફેઝનું કામ અંદાજે 670 કરોડનુ છે, જે 80 ટકા પૂર્ણ થઈ ગયું છે.  ટર્મીનલ બિલ્ડીંગ સહિતનું કામ બીજા ફેઝમાં આવશે. ફેઝ-1નું બાકી રહેલું કામ 1 મહિનામાં પૂર્ણ કરી દેવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. બાકી રહેલા કામમાં ગામનું સ્થળાંતર તેમજ ટાવર અને વિન્ડમિલ સિફટિંગના કામનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે મેં એરપોર્ટમાં  ’ઈ’ કેટેગરીના મોટાં એરક્રાફટને અનુરૂપ રન-વે પ્રત્યેક કલાકમાં 12 એરક્રાફટ લેન્ડ કરાવી શકનારો હશે, એરપોર્ટમાં એક સાથે 14 વિમાન ઉભાં રાખી શકાય એવો વિશાળ એપ્રન એરિયા રાખવામાં આવશે. દર કલાકે 1800 મુસાફરોનું હેન્ડલિંગ કરી શકે એવું વિશાળ ટર્મિનલ બિલ્ડિંગ બનાવાશે.

એઇમ્સનું કામ પૂર્ણ થવાના હજુ દશેક મહિના થઈ જશે

રાજકોટની ભાગોળે પરાપીપળીયા નજીક 120 એકર જમીનમાં એઇમ્સ નિર્માણ કાર્ય હાલ પુર જોશમાં ચાલી રહ્યું છે. આ કામ દશેક મહિનામાં પૂર્ણ થશે તેવો અંદાજ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ વ્યક્ત કર્યો છે. વધુમાં આજે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને આ મુદ્દે બેઠક મળવાની છે. એઇમ્સમાં હાલ ઓપીડી ચાલુ થઈ ગઈ છે. આઇપીડી ક્યારે ચાલુ થશે, ખંઢેરી રેલવે સ્ટેશનથી એઇમ્સ સુધીના રોડના કામ સહિતના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવનાર છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.