રાજકોટઃ અકસ્માત થતા યુવતીએ પોતે પોલીસ હોવાની ઓળખ આપી અને નીકળી હત્યારી !!

શહેરમાં ગુરૂવારે સાંજે ઢેબર રોડ પર અકસ્માતમાં ઘવાયેલી યુવતિએ પોતે પોલીસ હોવાનું 108ને તથા સિવિલ હોસ્પિટલના સ્ટાફને કહ્યું હતું. તેમજ પોલીસ તેનું નિવેદન નોંધે એ પહેલા હોસ્પિટલમાંથી નાશી ગઇ હતી. તપાસ થતાં આ યુવતિ અગાઉ હની ટ્રેપ વિથ મર્ડરના ગુનામાં સંડોવાઇ ચુકેલી મુળ વિરમગામના વંદના પરષોત્તમભાઇ વાઘેલા હોવાનું ખુલતાં અને તેણે એક યુવાનને ઠોકરે લઇ હું પોલીસ છું’ કહી ઉભા થઇ ભાગ્યાનું અને ભાગતી વખતે ફરીથી પડી ગયાનું સામે આવતાં પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે.

આ બનાવમાં ભકિતનગર પોલીસે તપાસને અંતે કોઠારીયા કોલોની નવરંગ ડેરીની પાછળ કવાર્ટર નં. 461માં રહેતાં અને છુટક મજૂરી કરતાં પાર્થ પિયુષભાઇ મહેતા (બ્રાહ્મણ) (ઉ.વ.23) નામના યુવાનની ફરિયાદ પરથી રાજકોટમાં રહેતી વંદના પરષોત્તમભાઇ વાઘેલા સામે આઇપીસી 279, 337, 170, એમવીએકટ 177, 184 મુજબ નંબર વગરનું એકટીવા ચલાવી પાર્થને ઠોકરે લઇ પછાડી દઇ અકસ્માત સર્જી ઇજા કરી તેમજ પોતે પોલીસ છે તેવી ખોટી ઓળખ આપી નાશી જવા અંગે ગુનો નોંધ્યો છે. પાર્થએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું તા. 4ના સાંજે સાડા આઠેક વાગ્યે ઢેબર રોડ પર બોમ્બે ગેરેજ પેટ્રોલ પંપ નજીક ચાલીને જતો હતો તયારે બ્લેક ગ્રે કલરના નંબર વગરના એકટીવા પર એક યુવતિ નાગરિક બેંક તરફથી મારંમાર ઝડપે આવી હતી અને સાવ મારી નજીક આવી મને હડફેટે લીધો હતો. પોતે પણ પડી ગઇ હતી. તેના એકટુવામાં આગળ પાછળ નંબર પ્લેટ નહોતી. પણ અંગ્રેજીમાં ’પી’ લખેલુ હતું.આ યુવતિને મેં વાહન જોઇને ચલાવવાનું કહેતાં તેણે ’હું પોલીસમાં છું’ તેમ કહ્યું હતું. તે નશામાં હોય તેવું લાગતું હતું. સારી સ્થિતિમાં ઉભી રહી શકતી નહોતી. મારી સાથે બોલાચાલી કરી એકટીવા ઉભુ કરી ચાલુ કરી એકદમ લીવર દઇ થોડે આગળ જતાં પેટ્રોલ પંપૂ સામે ફરીથી કાબુ ગુમાવતાં ત્યાં પડી ગઇ હતી. એ વખતે પંપના માણસો તથા બીજા લોકો ભેગા થઇ જતાં તેને પણ એ યુવતિએ પોતે પોલીસ હોવાની ઓળખ આપી હતી. ત્યારબાદ કોઇએ 108 બોલાવતાં તેણીને હોસ્પિટલે લઇ જવાઇ હતી. મને સામાન્ય મુંઢ ઇજા થઇ હોઇ મેં સારવાર લીધી નહોતી. યુવતિનો ડર લાગતાં અને મને હેરાન કરશે એવું લાગતાં મેં પોલીસને અરજી આપી હતી. એ પછી મને ખબર પડી હતી કે એ યુવતિ પોલીસમાં નોકરી કરતી નથી અને એકટીવામાં ખોટી રીતે પોલીસની પ્લેટ લગાડી હતી. તેણીનું નામ વંદના પરષોત્તમભાઇ વાઘેલા હોવાનું પણ જાણવા મળતાં મેં તેના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમ વધુમાં પાર્થએ પોલીસને જણાવ્યું હતું. પીઆઇ જે. ડી. ઝાલાની રાહબરીમાં ટીમે આ મહિલાની શોધખોળ હાથ ધરી છે. તે અગાઉ રાજકોટમાં હનીપ્ટેપ વીથ મર્ડરના ગુનામાં સંડોવાઇ ચુકી હોવાની વિગતો પોલીસને મળી છે. હાલ રાજકોટ રહેતી આ યુવતિ મુળ વિરમગામ શકિતનગર સોસાયટી ફાટક પાસેની વતની છે. તે નશામાં હતી કે કેમ? તે બાબતે તેની ધરપકડ બાદ પુછતાછ થશે અને મેડિકલ તપાસ કરાવવામાં આવશે. પાર્થની ફરિયાદ પીએસઆઈ ડી. એ. ધાંધલ્યા, નરેન્દ્રભાઇ ભદ્રેચાએ નોંધી હતી. એએસઆઇ હંસાબેન દાફડા વધુ તપાસ કરે છે.