Abtak Media Google News

સરગમ કલબના સહયોગથી કેન્દ્ર અને રાજય સરકારના વિવિધ વિભાગોનું સફળ આયોજન: ગુજરાત સહિતના ૮ રાજયોના ૧૦ લોક નૃત્યો રજૂ થયા

ભારતના વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરતા વિશિષ્ટ કાર્યક્રમ રાષ્ટ્રીય સંસ્કૃતિ મહોત્સવને નિહાળી રાજકોટની કલાપ્રેમી જનતા આફરીન પોકારી ગઈ હતી. હેમુ ગઢવી હોલ ખાતે યોજાયેલા આ રાષ્ટ્રીય સાંસ્કૃતિક મહોત્સવમાં જુદા જુદા રાજ્યોના લોક કલાકારોની કલા રજૂ થઈ હતી.

ભારત સરકારના સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, વેસ્ટ ઝોન કલચર સેન્ટર (ઉદયપુર), રાજયના રમત ગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા સરગમ કલબના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં દેશના વિવિધ રાજયોની આગવી ઓળખ રજૂ કરતી સાંસ્કૃતિક કૃતિઓ ૧૬૦ જેટલા કલાકારો દ્વારા દર્શાવવામાં આવી હતી. જેમાં ગુજરાતની કૃતિઓ તરીકે કચ્છી ભજન, સીદી ધમાલ, મેર રાસ, છત્તીસગઢની કર્મા અને સઈલા, પ.બંગાળની નટુઆ, જમ્મુ અને કાશ્મીરની રઉફ, મણિપુરની સ્ટીક ચોલમ, કર્ણાટકની પુજા કુનિઠા, ઓરિસ્સાની ગોટીપુઆ, ઉત્તર પ્રદેશની મયુર વગેરે કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું દીપ પ્રગટાવીને ઉદઘાટન વેસ્ટઝોન કલચરલ સેન્ટર ઉદયપુરના ડાયરેકટર ફુરકાનખાને કર્યું હતું. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે નરેન્દ્રસિંહ (અલ્હાબાદ), બાન લેબના મૌલેશભાઈ પટેલ, રસિકભાઈ મહેતા, જીતુભાઈ પટેલ, નટુભાઈ ઉકાણી, નરેશભાઈ લોટિયા અને સુરેશભાઈ નંદવાણા ઉપસ્થિત રહ્યાં હતા.

આ પ્રસંગે ફુરકાનખાને કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક ભારત, શ્રેષ્ઠ ભારતનું સપનું સેવ્યું છે અને તેના એક ભાગરૂપે બે વર્ષથી આ પ્રકારના કાર્યક્રમો યોજાય છે. જુદા જુદા રાજયોના રહીશો એકબીજાની કલાની પરિચિત થાય તેવો હેતુ સાર્થક થતો જાય છે. પ્રારંભમાં સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.

કાર્યક્રમ માટે વેસ્ટ ઝોન કલ્ચરલ સેન્ટર, ઉદયપુરના નિર્દેશક ફુરકાનખાન અને પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર રાકેશ મહેતા દ્વારા માર્ગદર્શન મળ્યું હતું. આ કાર્યક્રમને યુ ટયુબ પર લાઈવ પણ જોઈ શકાયો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ ભરતભાઈ સોલંકી, રાજેન્દ્રભાઈ શેઠ, અલકાબેન કામદાર, જયશ્રીબેન મહેતા, છાયાબેન દવે, ભાવનાબેન મહેતા, જસ્મિતા શાહ જહેમત ઉઠાવી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.