Abtak Media Google News
મેયર ડૉ. પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને વિવિધ સંસ્થાઓ સાથે બેઠક યોજાઈ

રાજકોટમાં યોજાનાર નેશનલ ગેઇમ્સની હોકી અને સ્વિમિંગ ઈવેન્ટ્સ અનુસંધાને મેયર ડૉ. પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને વિવિધ સંસ્થાઓ સાથે બેઠક યોજાઈ.

તા. ૨૭ સપ્ટેમ્બરથી તા. ૧૦ ઓક્ટોબર દરમ્યાન ગુજરાતમાં યોજાનાર ૩૬મી નેશનલ ગેઇમ્સ ગુજરાત-૨૦૨૨ પૂર્વે રાજકોટમાં લોકોમાં સ્પોર્ટસ અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ કેળવવા અને અનેરો માહોલ અને લોક ઉત્સાહ સર્જવા તા.૧૫ થી ૧૮ સપ્ટેમ્બર દરમ્યાન સ્પોર્ટસ કાર્નિવલનું આયોજન થશે.

નેશનલ ગેઇમ્સ, ગુજરાત ૨૦૨૨માં રાજકોટ ખાતે યોજાનાર હોકી અને સ્વિમિંગ ઈવેન્ટ્સને અભૂતપૂર્વ સફળતા મળે તે માટે રાજ્યના સ્પોર્ટસ વિભાગની સાથોસાથ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તા. ૨૭-સપ્ટેમ્બરથી તા. ૧૦ ઓક્ટોબર દરમ્યાન ગુજરાતમાં યોજાનાર નેશનલ ગેઇમ્સ, ગુજરાત-૨૦૨૨ પૂર્વે રાજકોટમાં લોકોમાં સ્પોર્ટસ અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ કેળવવા અને અનેરો માહોલ અને લોકઉત્સાહ સર્જવા તા.૧૫ થી ૧૮ સપ્ટેમ્બર દરમ્યાન સ્પોર્ટસ કાર્નિવલનું ભવ્ય આયોજન થશે. આ આયોજન અનુસંધાને રાજકોટના મેયર ડૉ. પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને વિવિધ સ્પોર્ટસ સંસ્થાઓના હોદેદારો સાથે એક ખાસ બેઠક યોજવામાં આવી હતી.

જેમાં ડેપ્યુટી મેયર ડૉ. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, સમાજ કલ્યાણ સમિતિનાં ચેરમેન પરેશભાઈ પીપળીયા, ડેપ્યુટી કમિશનર આશિષ કુમાર અને ચેતન નંદાણી, સહાયક કમિશનર એચ. કે. કગથરા, આસીસ્ટન્ટ મેનેજર દિપેન ડોડિયા, તેમજ તમામ સ્પોર્ટસ એસોસિએશનના હોદેદારો, રોટરી ક્લબ, ફ્ન સ્ટ્રીટ, ડી.એલ.એસ.એસ. કોચિંગ, શાળા કોલેજોના પ્રતિનિધિઓ, જિલ્લા રમતગમત અધિકારીની કચેરીના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહયા હતાં.

આ અવસરે મેયર ડૉ. પ્રદિપ ડવે સૌને આવકારતા જણાવ્યું હતું કે, ૩૬મી નેશનલ ગેઇમ્સ, ગુજરાત -૨૦૨૨ની વિવિધ સ્પોર્ટસ સ્પર્ધાઓ ગુજરાતના જુદાજુદા શહેરોમાં યોજાનાર છે, જેમાં બે સ્પોર્ટસ હોકી અને સ્વિમિંગની સ્પર્ધાઓનું યજમાન રાજકોટ બનશે. જે અંતર્ગત રેસકોર્સ ખાતે હોકી મેચ અને કોઠારિયા રોડ પર સ્થિત સ્વિમિંગ પૂલ ખાતે સ્વિમિંગ ઈવેન્ટ્સ યોજાશે. નેશનલ ગેઈમ્સના યજમાન બનવાનો અવસર રાજકોટ શહેરને મળ્યો છે એ હકિકત રાજકોટ માટે ગૌરવપૂર્ણ છે. રાજકોટનાં આંગણે આવો રૂડો અને ગૌરવવંતો અવસર આવી રહયો છે ત્યારે રાજકોટના નાગરિકો પણ તેમાં હોંશે હોંશે સામેલ થઇ આ આયોજનને ગરિમાપૂર્ણ ઇવેન્ટ બનાવે તેવા શાનદાર આયોજન માટે જુદી જુદી સ્પોર્ટસ સંસ્થાઓનો સહયોગ જરૂરી બની રહે છે. આજની મીટિંગમાં ઉપસ્થિત વિવિધ સ્પોર્ટસ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સભ્યો રાજકોટના નેશનલ ગેઇમ્સની બે સ્પોર્ટસ ઈવેન્ટ્સના આયોજનમાં સામેલ થઇ રાજકોટવાસીઓમાં અનેરો ઉત્સાહ સર્જવામાં સહભાગી બનશે એવો મને વિશ્વાસ છે.

મેયરએ વધુમાં કહ્યું હતું કે, યુવા વર્ગમાં સ્પોર્ટસ અને ફિટનેસ પ્રત્યે વધુ ને વધુ જાગૃતિ કેળવવામાં નેશનલ ગેઇમ્સ મહત્વપૂર્ણ ઇવેન્ટ બની રહેશે. છેલ્લા દોઢ બે દાયકામાં ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં સ્પોર્ટસને જબરદસ્ત પ્રોત્સાહન મળે તે માટે દર વરસે ખેલકૂદ મહોત્સવ યોજાય છે અને “રમશે ગુજરાત-જીતશે ગુજરાત”ના સૂત્રને ચરિતાર્થ પણ કરવામાં આવે છે. રાજ્ય કક્ષાના ખેલકૂદ મહોત્સવે ગુજરાતના યુવા વર્ગમાં સ્પોર્ટસ પ્રત્યે જબરદસ્ત રૂચિ પેદા કરી છે. નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ ગુજરાતના રમતવીરો વિજેતા બની રહયા છે અને તેઓ ગુજરાતનું નામ રોશન કરી રહયા છે. તાજેતરમાં બ્રિટનમાં યોજાયેલ કોમનવેલ્થ ગેઇમ્સમાં ગુજરાતના ખેલાડીઓએ વિજેતા બની આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતને ગૌરવ અપાવ્યું છે. ગુજરાતમાં સ્પોર્ટસ પ્રત્યે ખુબ જ જાગૃતિ અને રૂચિ વધતી દેખાય છે. આ સિલસિલો સતત આગળ ધપાવવામાં નેશનલ ગેઇમ્સ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. રાજકોટના આંગણે નેશનલ ગેઇમ્સની બે સ્પોર્ટસ ઈવેન્ટ્સ ફાળવવામાં આવી છે ત્યારે રાજકોટવાસીઓમાં આ આયોજન આતે અનેરો ઉત્સાહ સર્જવા માટે અન્ય વિવિધ ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવનાર છે, જેમાં રાજકોટની જુદીજુદી સ્પોર્ટસ સંસ્થાઓની ભૂમિકા પણ મહત્વપૂર્ણ બનનાર છે.

મેયર ડૉ. પ્રદિપ ડવે વધુમાં એમ ઉમેર્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાએ રાજકોટમાં સ્પોર્ટસ એક્ટીવીટીઝને પ્રોત્સાહન મળી રહે તે માટે વિવિધ સ્પોર્ટસ ફેસિલિટીઝ રાજકોટવાસીઓ માટે ઉપલબ્ધ બનાવી છે, જેમાં ક્રિકેટ, હોકી, ફૂટબોલ, ટેનિસ, બેડમિન્ટન, સ્વિમિંગ, એથ્લેટિક ટ્રેક, સહિતની રમતો માટે સ્ટેડિયમ અને મેદાનો બનાવેલ છે. આગામી સમયમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મવડી એરીયામાં એક નવું સ્પોર્ટસ કોમ્પ્લેક્સનું પણ નિર્માણ કરવામાં આવનાર છે. નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ યોજાતી જુદી જુદી સ્પોર્ટસ ઈવેન્ટ્સમાં રાજકોટના યુવા રમતવીરો પણ ઝળકે તેવી આશા સાથે મહાનગરપાલિકા દ્વારા જુદી જુદી સ્પોર્ટસ ફેસિલિટીઝ ઉભી કરવામાં આવી છે. રાજકોટવાસીઓ આ અગાઉ પણ મેરેથોન, સાઈકલોથોન, રાજ્ય કક્ષાની સ્પોર્ટસ સ્પર્ધાઓ, સ્વિમિંગ કોમ્પિટિશન વગેરેમાં ઉત્સાહભેર સામેલ થઇ ચુક્યા છે ત્યારે હવે આગામી સમયમાં યોજાનાર નેશનલ ગેઇમ્સની બે સ્પોર્ટસ ઈવેન્ટ્સના આયોજનને પણ યાદગાર બનાવવામાં સંપૂર્ણ સહયોગ આપશે તેવો મને વિશ્વાસ છે.

આ તકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે એમ કહ્યું હતું કે, નેશનલ ગેઇમ્સ, ગુજરાત-૨૦૨૨ પૂર્વે રાજકોટમાં લોકોમાં સ્પોર્ટસ અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ કેળવવા અને અનેરો માહોલ અને લોક ઉત્સાહ સર્જવા તા.૧૫ થી ૧૮ સપ્ટેમ્બર દરમ્યાન સ્પોર્ટસ કાર્નિવલનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે. જેમાં અનેકવિધ થીમેટીક સ્પોર્ટસ ઈવેન્ટ્સ, કલ્ચરલ ઇવેન્ટસ, તેમજ નાગરિકોની સહભાગિતા માટે જુદી જુદી ઈવેન્ટ્સનું આયોજન અલગઅલગ સંસ્થાઓના સહયોગ સાથે થશે. જેમાં જુદીજુદી સંસ્થાઓ અલગ અલગ ઈવેન્ટ્સની જવાબદારી નિભાવી આ આયોજન સફળતાપૂર્વક પાર પડે તે માટે સંસ્થાઓના પ્રતિનિધિઓને અપીલ કરૂ છું.

આ મીટિંગની શરૂઆતમાં મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ ઉપસ્થિત મહાનુભાવો સહિત સૌનું શાબ્દિક સ્વાગત કરી સમગ્ર આયોજનની રૂપરેખા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ઘણા વર્ષો બાદ નેશનલ ગેઇમ્સ-૨૦૨૨નાં યજમાન બનવાનો અવસર ગુજરાતને મળ્યો છે, અને તેમાં રાજકોટમાં હોકી અને સ્વિમિંગની ઈવેન્ટ્સ યોજાનાર છે ત્યારે સ્વાભાવિક રીતે તેનો ઉત્સાહ હોય જ. નેશનલ ગેઇમ્સની બે સ્પોર્ટસના યજમાન તરીકે રહેનાર રાજકોટમાં પણ આ આયોજન અનુસંધાને લોકોમાં જબરદસ્ત ઉત્સાહ અને અભૂતપૂર્વ માહોલ સર્જવા, તેમજ સ્પોર્ટસ અને ફિટનેસ પ્રત્યે વધુને વધુ જાગૃતિ કેળવવા માટે વિવિધ આયોજન કરવામાં આવનાર છે.

જેમાં તા.૧૫ થી ૧૮ સપ્ટેમ્બર દરમ્યાન રોજ જુદી જુદી થીમેટીક સ્પોર્ટસ ઈવેન્ટ્સ જેવી કે ફાસ્ટ વોકિંગ, પબ્લિક માટે હોકી ગોલ ચેલેન્જ અને ફૂટબોલ ગોલ ચેલેન્જ, બાસ્કેટ બોલ અને ક્રિકેટ બોલ આઉટ ઈવેન્ટ્સ અને કલ્ચરલ ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવશે. મેઈન સ્ટેજ ઈવેન્ટ્સમાં જુદી જુદી રમતો જેવી કે જુડૉ, કરાટે, યોગા ડેમોન્સ્ટ્રેશન, મોર્નિંગ ઇવેન્ટ્સમાં ફ્ન રન, સાઈક્લોથોન, ઝુમ્બા, સ્કેટિંગ વગેરે, ઉપરાંત બ્રાન્ડિંગ અને ઇવેન્ટ પ્રમોશન, ઉપરાંત સબ સ્ટેજ ફન ઈવેન્ટ્સમાં કોથળા દોડ, લીંબુ ચમચી દોડ, ટગ ઓફ વોર (દોરડા ખેંચ), આર્મ રેસલિંગ, બેલેન્સિંગ એક્ટ વગેરેનું આયોજન થશે. આ ઉપરાંત લોકો માટે જુદાજુદા રાજ્યોના ફૂડ સ્ટોલ્સ, સેલ્ફી ઝોન પણ ઉભા કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.