દિવાળીના રંગમાં રંગ ભરતી રંગોળી…પણ શું તમે જાણો છો રંગોળી દોરવા પાછળનું આ વૈજ્ઞાનિક કારણ

હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી: અગિયારથી બેસતા વર્ષ સુધી સતત છ દિવસની ઉલ્લાસ અને આસ્થાસભર ઉજવણીમાં રંગોળીનું અનેરૂ મહત્વ છે

રંગોળી ભારતની પ્રાચીન સાંસ્કૃતિક પરંપરા અને લોકકલા છે: ભારતનાં વિવિધ રાજ્યોમાં રંગોળીના નામ અને તેની શૈલી જુદી છે પણ તેના પાછળની ભાવના અને સંસ્કૃતિમાં સમાનતા જોવા મળે છે

 

દિવાળી પર્વે રંગોળી બનાવવાની પ્રાચીન પરંપરા છે. સૌથી મોટા આ તહેવારોમાં ઘરમાં કે આંગણામાં કલરોના માધ્યમથી આપણે સૌ રંગોળી બનાવીએ છીએ. પ્રકાર પર્વે રંગો દ્વારા લાગણીની અભિવ્યક્તિ એટલે રંગોળી. અગિયારસ, બારસ, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ આ છ દિવસ આપણો ઉત્સાહ અનેરો હોય છે. આદીકાળથી ચાલી આવતી રંગોળીમાં પહેલા મીંડાના માધ્યમથી કરાતી કરાતી બાદમાં નવા જમાનામાં અત્યારે વિવિધ રીતે લોકો રંગોળી નિર્માણ કરે છે. રંગોળી આપણી લોકકલા છે. ભારતના વિવિધ રાજ્યોમાં રંગોળી નામ અને તેની શૈલી જુદી છે પણ તેની પાછળની ભાવના અને સંસ્કૃતિમાં સમાનતા જોવા મળે છે.

આપણે ત્યૌહાર, વ્રત, પૂજા, ઉત્સવ, વિવાહ જેવા શુભ અવસરે સુકા અને પ્રાકૃતિક રંગોથી રંગોળી બનાવીએ છીએ. આજે પૂજા કે આરતીની થાળીને પણ શણગારવામાં આવે છે. વિવિધ અનાજના દાણાના માધ્યમથી પણ ઘણા શ્રેષ્ઠ રંગોળી નિર્માણ કરે છે. રંગોળીનું એક નામ અલ્પના પણ છે. આ કલા આર્ય યુગ પહેલાની છે. ટૈગોરના શાંતિ નિકેતનમાં કલાભવનમાં અન્ય ચિત્રકલાના વિષયો સાથે રંગોલી કલાને પણ સામેલ કરી હતી. રંગોલી ધાર્મિક-સાંસ્કૃતિક અને આસ્થાનું પ્રતિક છે. સ્વસ્તિક, કમળનું ફૂલ, લક્ષ્મીજીના પગલા જેવું સમૃધ્ધિ અને મંગલ કામનાનું સુચક મનાય છે.

સમગ્ર દેશનાં વિવિધ પ્રાંતો અનુસાર શૈલી બદલાય પણ ઉત્સાહ અને ઉમંગ સૌનો એક જોવા મળે છે. લોક કથા અનુસાર રાવણ વધ બાદ રામ-સીતા સાથે અયોધ્યા પરત ફર્યા ત્યારે સમગ્ર પ્રજાએ પોતાના ઘરનાં આંગણે રંગોળી બનાવીને તેઓને સત્કાર્યા. અમુક ઇતિહાસકારો તેને મોહનજોદારો અને હડપ્પા સંસ્કૃતિ સાથે પણ જોડે છે. રંગોળીને કારણે દુષ્ટ આત્મા ઘરથી દૂર રહે અને પરિવારમાં સુખ-સમૃધ્ધિ અને ખુશી લાવે તેવી પણ માન્યતા છે.

ભારતીય વિવિધ પ્રાંતોની લોકકલાની પરંપરાનો ઇતિહાસ છે. હજારો વર્ષોથી ભારતીય ગૃહિણીઓ તહેવાર કે શુભ પ્રસંગે પ્રતિકસમા આંગણાનો શણગાર છે એક વાત દેવતાઓની આરાધના રૂપમાં પણ આંગણે રંગોળી કરીને રંગોના માધ્યમ વડે જીવન ઉત્સવમાં રંગો ભરે. રંગોળીમાં આપણી પ્રકૃતિ જોવા મળે છે. રંગોળીમાં ફૂલ, પાન, પક્ષીઓ સાથે વિવિધ ડિઝાઇન જોવા મળે છે. આપણા દેશનાં વિવિધ ભાગોમાં અલગ-અલગ રંગોળી જોવા મળે છે.

પૂર્વ ભારતમાં રંગોળીને ‘અલ્પના’ તો કેરળ જેવા દક્ષિણ ભારતના શહેરોમાં ‘કોલમ’ નામે ઓળખાય છે. આજે તો ચિરોડી સાથે સિંથેટીક રંગોના ઉપયોગથી રંગોળી ચમકતી જોવા મળે છે. કેટલાક ત્રિ-આયામી તો કેટલાક પાણીમાં કે અનાજ અને દાણાના સહાયથી આખી રંગોળી બનાવે છે. દિપોત્સવ પર્વે આંગણે દોરાતી રંગોળીનું મહત્વ છે.

પ્રવેશ દ્વારને પ્રકાર પર્વે રૂપકડું રંગોળીથી સજાવાય છે. આ શબ્દ સંસ્કૃતનો છે, જેનો અર્થ રંગો દ્વારા લાગણીની અભિવ્યક્તિ કરવી. આપણાં ધાર્મિક અને સામાજીક પ્રસંગે રંગોળી હવે જોડાઇ ગઇ છે. તેને ધાર્મિક અને સંસ્કૃતિક માન્યતા મળી ચૂકી છે. આજે આ પર્વે તેની સ્પર્ધાઓ પણ થાય છે. કલાકારો આખો દિવસ રંગોળી સ્કેચ કરીને વાસ્તવિકતા સભર સુંદર ચિત્ર નિર્માણ કરે છે. વર્ષો પહેલા મીંડાના માધ્યમથી રેખાઓ જોડીને વિવિધ રંગોળી બનતી હતી.

દિવાળીની તૈયારી એક વીક અગાઉ જ શરૂ થઇ જાય છે. ઘર સજાવટ, તોરણ, હાર, દિવડા, ફટાકડા, મુખવાસ, લાભ-શુભનાં સાથીયા, લક્ષ્મીજીના પગલા વિગેરેની ખરીદી સાથે બજારોની રોનક જોવા પણ પરિવાર જાય છે પણ આ વર્ષે કોરોનાને કારણે તે ઓછું જોવા મળ્યું છે પણ છેલ્લા એક-બે દિવસથી પગાર-બોનસ મળતા લોકો ખરીદી માટે બજારોમાં ઉમટી પડ્યા છે.

નવલા વર્ષે આંગણે આવતાં મહેમાનોને મિઠાઇ સાથે રામ-રામ, સાલ મુબારક, નૂતન વર્ષાભિનંદન કરાય છે. નીત નવા મુખવાસ પણ અપાય છે. નવલા વર્ષે મુખવાસનું અનેરૂ મહત્વ છે. હાલ બજારોમાં 50થી વધુ પ્રકારના મુખવાસ જોવા મળ્યા છે જેમાં ખારા-મીઠા ગુલકંદ, કલકત્તી, કાજુ-બદામ જેવા ડ્રાયફ્રૂટ પણ મુખવાસ સાથે જોડાયા છે.

નવલા વર્ષે એકબીજાના ઘેર મળવા જવાની આપણી પરંપરા છે. વડિલોના આર્શિવાદ લેવાનો રિવાજ છે. નવલા વર્ષે પ્રભાતિયા મહેમાન આવી જાય, અમુક તો તમારા રંગોળીના વખાણ કરતા જ ઘરમાં પ્રવેશ કરે છે. પરિવારનાં વિવિધ સંબંધો પણ આ દિવસે અવશ્ય સાલ મુબારક કરે જ છે.

નવા રંગરૂપ સાથે સંસ્કૃતિની ધરોહર, મહેમાનગતિ, નવલા વર્ષે સવારથી સાંજ જોવા મળે છે. આ પ્રકાર પર્વે સમગ્ર લોકો જીવન આનંદ સાથે એકબીજાને મળે છે, જેમાં “મુખવાસ” અનેરૂ મહત્વ આદીકાળથી ચાલતું આવે છે.

દિપોત્સવી પર્વે કલરફૂલ કપડાં, રંગોળી અને રંગ-બેરંગી ઘર સજાવટનો ત્રિવેણી સંગમ જોવા મળે છે. લોકોના મુખ ઉપર આનંદ-ઉલ્લાસ જોવા મળે છે. આપણો આ સૌથી પ્રાચીન તહેવાર છે. ભારત સિવાય વિશ્ર્વનાં અડધા ઉપરના દેશો પણ દિપોત્સવી રંગે રંગાય છે. જીવનનાં વિવિધ રંગો, કલરફૂલ જીવન સાથે ફટાકડા, રંગોળીને મુખવાસ, મીઠાઇનો સંગમ થાય છે ને આપણું જીવન ધબકતું રહે છે. આપણી ધરોહરમાં વિવિધ તહેવારોમાં સૌથી મોટો તહેવાર દિવાળી છે.

દિવાળીનાં પાંચ દિવસ આપણી સંસ્કૃતિની ઝલક સાથે મહેમાનગતીનો સત્કાર જોવા મળે છે. સમગ્ર લોકો આ દિવસોમાં વેપાર, ધંધા બંધ કરીને ઉત્સવમાં જોડાય છે. બાળથી મોટેરાનો આનંદ છલકાય ઉઠે છે. જૂના વિચારો ત્યજીને ઘરની પણ સાફ-સફાઇ કરીને નવી-નવી વસ્તુઓ નવો રોમાંચ સાથે જીવનનો અંધકાર આ પ્રકાર પર્વ ઉલેચે છે. નવલા વર્ષે નવા સંકલ્પ સાથે માનવી નવજીવન શરૂ કરે છે.

અરસ-પરસ બધુ સરસ-સરસ નવું વર્ષ જશે….સરસ-સરસ….

કલરફૂલ રંગોળી અને વિજ્ઞાન

હિન્દુ તહેવારોમાં સૌથી મોટો તહેવાર એટલે દિવાળી. સતત છ દિવસના આ પ્રકાશ પર્વે થતી આંગણાની રંગોળીનો સંબંધ વિજ્ઞાન સાથે છે. ‘સાથીયા’ થી શરૂ થયેલ ગુજરાતી પરંપરામાં આજે અવનવી વિવિધ કલરફૂલ રંગોળીએ સ્થાન લીધું છે. તે બનાવવાથી એકાગ્રતા વધે છે. આંગળી અને અંગૂઠાની મદદથી બનાવાતી રંગોળી આપણામાં સાયકોલોજી અસર કરે છે. રંગોળી નિર્માણ બાદ ખુશી, આનંદ આપણને પોઝીટીવ અસર કરે છે. ચિરોળા કલરમાં સુક્ષ્મ ક્રીસ્ટલમાં એનર્જી હોવાથી તે અંગૂઠા અને આંગળી વચ્ચે સ્પર્શ થતાં તેની અસર સમગ્ર શરીરને થાય છે. આજે તો રંગોળીની આસપાસ દિવડાઓ ફૂલો કે વિવિધ શુભ પ્રતિકો દોરવામાં આવે છે. રંગોળીના વિવિધ નવરંગી કલરોને કારણે આપણું મન પ્રફૂલ્લિત રહે છે.

ભારતની સાંસ્કૃતિક પરંપરાઓમાં રંગોળી સૌથી પ્રાચીન લોક ચિત્રકલા છે

આપણી સૌથી પ્રાચીન લોક ચિત્રકલામાં રંગોળીનું સ્થાન છે. તેના ત્રણ સ્વરૂપો છે જેમાં ભૂમિ રેખાંકન, ભિંત ચિત્રો અને કાગળ તથા વસ્ત્રો ઉપરનું ચિત્રાંકન, જૈ પૈકી ભૂમિ રેખાંકન એટલે રંગોળી સૌથી લોકપ્રિય છે. સમય બદલાતા રંગોળીના રંગરૂપ પણ બદલાયાને સાદા કલરમાંથી ચિરોળી કલરને હવે તો ચમકતા કલરો પણ આવવા લાગ્યા છે. તેની વિવિધ સ્પર્ધા પણ થાય છે. આજે કલાકારના ફોટા પણ બનાવાય છે. પાણીમાં તરતી રંગોળી પણ કલાકારો બનાવે છે. રેડીમેઇડ રંગોળીનું સ્ટીકર પણ બજારમાં મળે છે. રંગોળીના બે પ્રકારમાં એક સૂકી અને બીજી ભીની બનાવાય છે. હેન્ડસ ફ્રી રંગોળી સીધી જમીન ઉપર જ બનાવાય છે. આજે તો રંગોળી કલાકારો આખો દિવસ મહેનત કરીને ખૂબ જ શ્રેષ્ઠ રંગોળી નિર્માણ કરે છે. સૌ પરિવાર સાથે મળીને આનંદોત્સવ સાથે ઘરનાં આંગણે રંગોળી નિર્માણ કરતો હોય જે તહેવારોનો આનંદોત્સવ છે. આ દિવસોમાં સારા ચિત્રકારોની ડિમાન્ડ વધી જતી હોય છે.