Abtak Media Google News

પેરોલ પર છુટી ચોટીલાના કુંભારી ગામની હોસ્ટેલમાં રોકાયા બાદ યુવતીઓને નોકરી અપાવવાની ગેરેન્ટી આપી એક યુવતીને ફસાવી અપહરણ કર્યું

લંપટ શિક્ષકને ઝડપી લેવા પોલીસની દોડધામ: ટેન પરફેકટ વુમન પુસ્તક લખવા વધુ એક યુવતીની જીંદગી બરબાદ કર્યું અપહરણ

પડધરીની ગાર્ડી સ્કુલની બે વિદ્યાર્થીનીઓને અપહરણ-બળાત્કારના ગુનામાં બે વર્ષ બાદ સીઆઈડી ક્રાઈમના હાથે ઝડપાયા બાદ જેને અદાલતે આજીવન કેદની સજા ફટકારી છે તે લંપટ જેલમાંથી પેરોલ પર છુટયા બાદ આ બદનામ બળાત્કારી ચોટીલાથી ૧૮ વર્ષની છાત્રાને ફસાવીને રફુચકકર થઈ જતાં ખળભળાટ મચી ગયો છે. નાની એવી દુકાન ચલાવી ગુજરાન ચલાવતાં દંપતિની એકની એક યુવાન દિકરી આ રીઢા ગુનેગારની ચુંગાલમાં સપડાઈ જતા દંપતિ ચોધાર આંસુ વહાવી રહ્યું છે. આ લંપટને અગાઉ પકડવામાં આવ્યો ત્યારે તેણે એવું કહ્યું હતું કે, ‘હું દસ છોકરીઓને ફસાવીને બાદમાં ટેન પરફેકટ વુમન નામે પુસ્તક લખવાનો છું’ પોતાનો આ ટાર્ગેટ પુરો કરવાનો ભયાનક ઈરાદો ધરાવતો આ શખ્સ તાબડતોબ પકડાઈ જાય તે માટે ડીઆઈજી સંદિપસિંઘ સમક્ષ વાત પહોંચાડવામાં આવતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

અનેક ભાષાઓનું જ્ઞાન ધરાવતો અને લંપટગીરીમાં જેને કદાચ કોઈ ન પહોંચી શકે તેવો અને પોતાને શિક્ષક તરીકે ઓળખાવતો મુળ વડોદરાના ધવલ હરિશ્ર્ચંદ્ર ત્રિવેદી (ઉ.વ.૫૦) નામનો ઢગો વર્ષ ૨૦૧૨માં પડધરીની ગાર્ડી ઈન્ટરનેશનલ સ્કુલમાં પ્રિન્સીપાલ હતો ત્યારે ત્યાંની બે છાત્રાને મોહજાળમાં ફસાવી ભગાડી ગયો હતો. આ બંને છાત્રાને અલગ-અલગ રાજયોમાં સતત બે વર્ષ સુધી ફેરવી પોતાની ઓળખ સતત બદલીને બંને છાત્રા સાથે શરીર સંબંધો બાંધી સર્વસ્વ લુંટી લેનારો આ શખ્સ જેલમાંથી પેરોલ પર છુટયા બાદ વધુ એક યુવતીને લઈને ભાગી ગયો છે.

ચોટીલામાં એક નાનકડી દુકાન રાખી ગુજરાન ચલાવતા પ્રૌઢ તેમના પત્નિ સાથે રહે છે. તેને સંતાનમાં એક માત્ર અઢાર વર્ષની દિકરી છે. આ દિકરી કોલેજમાં અભ્યાસ કરે છે. આર્થિક હાલત સારી ન હોવા છતાં દિકરી પોતાની કારકિર્દી ઘડી શકે તે માટે પિતા તેને ગમે તેમ કરીને ભણાવતા હતા. આ દિકરી ગયા શનિવારે તા.૧૧/૮ના રોજ સવારે ૬:૫૦ કલાકે નિત્યક્રમ મુજબ કોલેજ જવા ઘરેથી નિકળી હતી. તેના માતા દરરોજ સવારે દસ વાગ્યે રિશેષ પડે ત્યારે દિકરીને ફોન કરી વાતચીત કરતા હતા. શનિવારે પણ તેમણે એમ જ કર્યું હતું પરંતુ દિકરીનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો.

દરરોજ દિકરી બપોરે દોઢ સુધીમાં ઘરે આવી જતી હોય ત્યાં સુધી રાહ જોઈ હતી પણ તે ઘરે ન પહોંચતા તેની બહેનપણીનો સંપર્ક કરવામાં આવતા તેણી કોલેજમાં ગેરહાજર હોવાનું જણાતા માતા-પિતા ચિંતામાં મુકાઈ ગયા હતા. સગા-સંબંધીઓ અને આગેવાનોની મદદ લઈ શોધખોળ શરૂ કરી હતી પણ કયાંય પત્તો મળ્યો નહોતો. અંતે પોલીસને જાણ કરી અરજી કરવામાં આવતા તેણે સૌપ્રથમ જેને ફોન કર્યો હતો અને નંબર કોનો ? તે અંગે તપાસ થતા સો કોઈ ચોંકી ગયા હતા. કારણ એ આ નંબર બીજા કોઈનો નહીં પણ બબ્બે છાત્રાના એક સાથે અપહરણ કરી બળાત્કાર ગુજારવાના ગુનામાં સજા ભોગવતા અને હાલ પેરોલ પર છુટેલા લંપટ પ્રૌઢ ધવલ હરિશ્ર્ચંદ્ર ત્રિવેદીના હતા.

૨૦૧૨માં આ વાસનાખોર ધવલ ત્રિવેદી પડધરી ગાર્ડી સ્કુલમાં પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવતો હતો ત્યારે તે એક સાથે બબ્બે છાત્રાને ભગાડી ગયો હતો. આ બનાવથી જે તે વખતે ખળભળાટ મચી ગયો હતો. બબ્બે વર્ષ સુધી પડધરી પોલીસે મહેનત કરવા છતાં ધવલનો કે અપહત બંને બાળાઓનો પતો ન મળતા તેના સ્વજનો આકુળ વ્યાકુળ થયા હતા. બાદમાં આ તપાસનો દોર સીઆઈડી ક્રાઈમને સોંપવામાં આવતા ૨૦૧૪માં આ હવસખોર ધવલને બે છાત્રા સાથે પંજાબના લુધીયાણાથી દબોચી લીધો હતો તેની સામે કોર્ટમાં કેસ ચાલી જતા ગયા વર્ષે જ તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી ત્યારથી તે રાજકોટ જેલમાં સજા કાપતો હતો.

ધવલ ત્રિવેદીએ કોર્ટમાં પોતાના વિરુઘ્ધનો કેસ ચાલુ થયો ત્યારે વકિલ રાખ્યા નહોતા અને તે જાતે જ પોતાનો કેસ લડયો હતો. દરમિયાન રાજકોટ જેલમાંથી ગયા મહિને જ તેને પેરોલ મળતા તે જેલમાંથી બહાર આવ્યો હતો. ચોટીલાથી ૧૮ વર્ષની યુવતીને લઈ નાસી ગયો છે. ધવલે પેરોલ પર છુટયા બાદ જેલમાં જ પોતાની સાથે રહેલા કોઈ શખ્સની મદદથી ચોટીલા પંથકમાં બે-ત્રણ સ્કુલોમાં શિક્ષક તરીકે નોકરી મેળવવા પ્રયાસો શરૂ કર્યા હતા. ચોટીલા પંથકમાં નોકરી ન મળે ત્યાં સુધી કુંભારા ગામે આવેલી હોસ્ટેલમાં રોકાણ કરવામાં સફળ થઈ ગયો હતો.

તે દસ જ દિવસ માટે ચોટીલાના કુંભારામાં રોકાયો હતો અને ચોટીલા ખાતે અંગ્રેજીના ટયુશન કલાસ શરૂ કરી દીધા હતા. આ કલાસીસમાં આવનાર છાત્રાઓને તે સો ટકા નોકરી અપાવી દેશે તેવી વાત વહેતી કરી હતી. આ કારણે કોલેજની સાત-આઠ છોકરીઓએ તેના કલાસીસમાં જવાનું શર કર્યું હતું. તે સાથે જ ધવલે પોતાના શૈતાની દિમાગને કામે લગાડી દીધું હતું અને ચાર-પાંચ દિવસમાં જ એક ૧૮ વર્ષીય યુવતીને માઈન્ડ વોશ કરી પોતાની જાળમાં ફસાવવામાં સફળ થઈ ગયો હતો. તેના પેરોલ ૧૨-૮-૧૮ના રોજ પુરા થવાના હતા. એ પહેલા શનિવારે ૧૧મીએ જ તે યુવતીને લઈને ભાગી ગયો હતો.

૧૦ યુવતીઓને ફસાવવાનો શિકાર કરવાનો ટાર્ગેટ પુરો કરવાના ઈરાદા સાથે ભાગી છુટેલા આ લંપટને શોધવા ચોટીલાથી દિકરીના પરીવારજનો અને આગેવાનોની ટીમે દોડધામ કરી મુકતા તે પહેલા મોરબી તરફ ગયાનું અને ત્યાંથી શનિવારે સાંજે જ અમદાવાદ પહોંચ્યાની માહિતી મળી હતી. અમદાવાદના રતનપોળમાં એઅ.આર.આંગડિયામાં તેણે ભાવનગરમાં રૂ.૧૦ હજારનું આંગડિયા પેઢી મંગાવ્યાની માહિતી પણ મળી હતી. આ આંગડિયા પેઢીમાં શનિવારે સાંજે ૫:૫૪ કલાકે હાજરી હોવાના સીસીટીવી ફુટેજ મળ્યા હતા. આ શખ્સ હવે રાજય બહાર જતો રહ્યાની દ્રઢ શંકા છે. છોકરીઓને ફસાવીને ભગાડી જવાની ગુનાખોરીમાં ગજબનાક તરકીબો અજમાવવામાં પાવરઘો ધવલ વધુ એક દિકરીની જિંદગી બરબાદ કરી નાખવાના ઈરાદા સાથે ભાગી છુટયો છે. આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.