રાષ્ટ્રસંત નમ્રમુનિનું પરેલની ધરા પર થશે કાલે મંગલ પદાર્પણ

પરમ ગુરુદેવના બ્રહ્મનાદે મહાપ્રભાવક શ્રી ઉવસગ્ગહર સ્તોત્રની જપ સાધના તેમજ “સફળતા પાછળનું સાઈન્સ” એક અનોખા ટોક-શોનું આયોજન

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ મુંબઈના અનેક ક્ષેત્રોની સ્પર્શના કરતાં કરતાં પરેલની ધરા પર મંગલ પદાર્પણ કરી રહ્યા છે ત્યારે પરેલના ભાવિકોના હૃદયમાં અનેરા આનંદ-ઉત્સાહ વર્તાઈ રહ્યાં છે.

તા.19 માર્ચ 2023, આવતીકાલે રવિવારના દિવસે પરમ ગુરુદેવના બ્રહ્મનાદે લયબદ્ધ સ્વરે પરમાત્મા પાર્શ્ર્વનાથની ઉત્કૃષ્ટ ભક્તિ સ્તવના સ્વરૂપ મહાપ્રભાવક ઉવસ્સગ્ગહરં સ્તોત્રની દિવ્ય જપ સાધનાનું પાવનકારી આયોજન કરવામાં આવ્યું છે.

આજના સમયમાં ફાસ્ટ ફૂડ, ફાસ્ટ મની સાથે ઇન્સ્ટન્ટ સફળતા પામવા માટે યુવાપેઢીના હૃદયમાં ઉઠતાં અનેક પ્રકારના પ્રશ્ર્નો અને જિજ્ઞાસાનું સમાધાન આપતાં અનોખા ટોક શોનું આયોજન પણ આ અવસરે કરવામાં આવ્યું છે. “સફળતા પાછળનું સાઈન્સ” અંતર્ગત પરમ ગુરુદેવ સાથેના આ ટોક શોમાં પરમ ગુરુદેવની વિઝનરી વિચારધારા અને લોજીક સાથેનું માર્ગદર્શન આપવામાં આવશે.

પરેલની ધરા પર પ્રથમવાર પધારી રહેલા પરમ ગુરુદેવના સાંનિધ્યે સમગ્ર કાર્યક્રમ સવારના 09:30 કલાકથી પરેલ સ્થિત રાજકમલ સ્ટુડિયો ખાતે આયોજિત કરવામાં આવ્યો છે. દરેક ધર્મપ્રેમી ભાવિકોને આ અવસરનો લાભ લેવા માટે પધારવા ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.