Abtak Media Google News

ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીને આગામી બે વર્ષ માટે ફરીથી કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આમ શાસ્ત્રીએ તેનું સ્થાન જાળવી રાખ્યું છે. સુપ્રીમ કોર્ટે રચેલી અને મહાન ક્રિકેટર કપિલદેવની આગેવાની હેઠળની સમિતિએ શુક્રવારે કોચ માટે કેટલાક ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લીધા બાદ ત્રણ નામને પ્રાથમિકતા આપી હતી જેમાં રવિ શાસ્ત્રીનું નામ મોખરે હતું.

આ ઉપરાંત ન્યૂઝીલેન્ડના માઇક હેસન અને ઓસ્ટ્રેલિયાના ટોમ મૂડીના નામની પણ વિચારણા કરવામાં આવી હતી. રવિ શાસ્ત્રીની ઉમેદવારીને ભારતીય ટીમના સુકાની વિરાટ કોહલીનો પણ ટેકો હતો. કપિલદેવ, અંશુમન ગાયકવાડ અને વિમેન્સ ક્રિકેટર શાંતા રંગાસ્વામીની બનેલી સમિતિએ શુક્રવારે તમામ ઉમેદવારના ઇન્ટરવ્યૂ લીધા બાદ પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો.આમ રવિ શાસ્ત્રી હવે આગામી બે વર્ષ સુધી ભારતીય ટીમના કોચ તરીકે રહેશે. તેમનો કાર્યકાળ ૨૦૨૧માં ભારતમાં યોજાનારા ટી૨૦ વર્લ્ડ કપ સુધીનો રહેશે.

રવિ શાસ્ત્રી ચોથી વાર ભારતીય ટીમ સાથે જોડાશે. અગાઉ ૨૦૦૭માં બાંગ્લાદેશના પ્રવાસ દરમિયાન તેઓ ભારતીય ટીમના ક્રિકેટ મેનેજર હતા જ્યારે ૨૦૧૪થી ૨૦૧૬ દરમિયાન તેમણે ટીમ ડાયરેક્ટર તરીકે સેવા આપી હતી અને ૨૦૧૭થી ૨૦૧૯ દરમિયાન રવિ શાસ્ત્રી ભારતીય ટીમના હેડ કોચ હતા. હવે ફરી વાર તેઓ હેડ કોચ તરીકે કામગીરી બજાવશે. ઇંગ્લેન્ડમાં યોજાયેલા વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ સાથે ભારતીય ટીમના સપોર્ટ સ્ટાફનો કાર્યકાળ પૂરો થતો હતો પરંતુ શાસ્ત્રી સહિત તમામને ૪૫ દિવસનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. શાસ્ત્રી અત્યારે ભારતીય ટીમ સાથે વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે છે જ્યાં ભારતે ટી૨૦ અને વન-ડે સિરીઝ જીતી લીધી છે અને ૨૨મી ઓગસ્ટથી ટેસ્ટ સિરીઝમાં રમશે.

ભારતીય ટીમના આગામી કોચની હરિફાઈમાં શાસ્ત્રી સામે ભારતના જ રોબિનસિંઘ અને લાલચંદ રાજપૂત હતા તો ન્યૂઝીલેન્ડના માઇક હેસન અને ઓસ્ટ્રેલિયાના ટોમ મૂડીનો પણ સમાવેશ થતો હતો. શુક્રવારે ઇન્ટરવ્યૂ શરૂ થાય તે અગાઉ વેસ્ટ ઇન્ડિઝના ભૂતપૂર્વ ટેસ્ટ ક્રિકેટર ફિલ સિમન્સે પોતાનું નામ પરત ખેંચી લીધું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.