Abtak Media Google News

જુના સ્ટેમ્પ પેપર ઉપર જૂની જંત્રી મુજબ દસ્તાવેજ કરાવવા ભારે ધસારો : સાંજે જ્યાં સુધી સ્લોટ પુરા ન થાય ત્યાં સુધી કચેરી કાર્યરત રાખવા ઉપરથી આદેશ : ઝોન-2માં સૌથી વધુ 86 સ્લોટનું બુકીંગ

રાજકોટ જિલ્લામાં આજે રેકોર્ડબ્રેક 725 દસ્તાવેજોની નોંધણી થઈ છે. જેની પાછળનું કારણ એ છે કે આજે જુના સ્ટેમ્પ પેપરને આધારે જૂની જંત્રીનો લાભ મેળવવાનો છેલ્લો દિવસ છે. જેને કારણે તમામ સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે અરજદારોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.

ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 32- કના અસરકારક અમલ માટે રાજયની જમીનો સ્થાવર મિલકતોના જંત્રી (એન્યુઅલ સ્ટેટમેન્ટ ઓફ રેટસ) 2011ના ભાવોમાં તા.15/04/2023 થી વધારો અમલમાં આવ્યો છે. જેથી, તા.15/04/203 કે તે પછી નોંધણી અર્થે રજુ થતા દસ્તાવેજો માટે કરાયેલી સ્પષ્ટતા અનુસાર તા.15/04/2023 પહેલા (તા.14/04/2023 સુધીમાં) પક્ષકારોની સહી થઈ નોંધણી માટે તૈયાર હશે અને આવા દસ્તાવેજ ઉપર પક્ષકારીની સહી થયાની તારીખ પહેલાં અથવા સહી થયાની તારીખના પછીના તરતના કામકાજના દિવસ સુધીમાં જરૂરી હોય તે રકમનો પુરેપુરો સ્ટેમ્પ લગાડેલ હશે તો આવો દસ્તાવેજ સહી કર્યાની તારીખથી ચાર માસમાં નોંધણી માટે રજૂ થશે તો તેવા દસ્તાવેજમાં તા.15/04/2023થી વધારેલ જંત્રી ભાવ લાગુ પડશે નહીં. પરંતુ, તે પહેલાના ભાવ વધારા સિવાયના અમલી જંત્રી ભાવ (જૂની જંત્રીના ભાવ) મુજબ દસ્તાવેજમાં મિલકતની બજાર કિંમત તથા સ્ટેમ્પ ડ્યુટી ગણવામાં આવશે.

તેમજ તા.15/04/2023 પહેલાં સહી થયેલ અને યોગ્ય સ્ટેમ્પ વાપરેલ લેખ તા.15/04/2023થી ચાર માસ એટલે કે તા.14/08/2013 સુધી દસ્તાવેજની નોંધણી કરાવવામાં આવશે તો જુની જંત્રીનો લાભ આપવામાં આવશે. જે ચાર માસની સમય મર્યાદા પૂર્ણ થવામાં થોડાક જ દિવસ બાકી છે. તો જેના દસ્તાવેજમાં તા.15/04/2023 પહેલાં સહી થયેલ હોય અને યોગ્ય સ્ટેમ્પ વાપરેલ હોય તેવા લેખો નોંધણી અધિનિયમ મુજબ ચાર માસની સમયમર્યાદામાં તા.14/08/2023 સુધી નોંધણી કરાવી લેવાનું જણાવાયું હતું.

જે પક્ષકારોને કોઈ પણ કારણોસર દસ્તાવેજ નોંધણી કરાવવાની ન હોય અથવા સ્ટેમ્પનો ઉપયોગ કરવાનો ન હોય તો, સ્ટેમ્પ ખરીદ્યા તારીખથી છ માસની સમય મર્યાદામાં રીફંડ માટે સક્ષમ અધિકારીને અરજી કરવાની રહેશે.તેમ નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન તંત્ર વિભાગ -2 (ગ્રામ્ય) રાજકોટની યાદીમાં જણાવાયું હતું.

આજ રોજ જુના સ્ટેમ્પ પેપરને આધારે જૂની જંત્રીનો લાભ મેળવવાનો છેલ્લો દિવસ હોય, જિલ્લાભરની સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે મોટા પ્રમાણમાં અરજદારો જોવા મળ્યા હતા. સામાન્ય રીતે એક કચેરીમાં 35થી 50 સુધીના સ્લોટનું બુકીંગ થતું હોય છે. પણ આજે તમામ કચેરીઓમાં ખૂબ મોટા પ્રમાણમાં સ્લોટ બુક થયા છે. સૌથી વધુ ઝોન-2માં 86 સ્લોટનું બુકીંગ નોંધાયુ છે. આખા જિલ્લામાં 725 સ્લોટ બુક થયા છે. આમ એક જ દિવસમાં જિલ્લામાં 725 જેટલા દસ્તાવેજની નોંધણી સાંજ સુધીમાં થવાની છે.

બીજી તરફ આજે સબ રજીસ્ટ્રાર કચેરીમાં સ્ટાફમાં પણ ભારે દોડધામ મચી છે. ઉપરથી ખાસ સૂચના પણ મળી છે કે આજના બુક થયેલા સ્લોટ મુજબ જ્યાં સુધી દસ્તાવેજની નોંધણી પૂર્ણ ન થાય ત્યાં સુધી કચેરીને કાર્યરત રાખવાની રહેશે. આમ અમુક કચેરી રાત સુધી પણ ચાલુ રહે તો નવાઈ નહિ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.