Abtak Media Google News

કોઈ જન્મથી ગાંધીવાદી હોતું નથી, ગાંધીજીના વિચારો અનુસાર જે જીવનભર કામ કરે તે ગાંધીવાદી થઈ જાય છે : આચાર્ય દેવવ્રત

કુલપતિ   આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં ગુજરાત વિદ્યાપીઠ મંડળની બેઠક  યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળમાં ચાર નવા ટ્રસ્ટીઓની સર્વાનુમતે નિયુક્તિ કરવામાં આવી હતી. ચાર નવા ટ્રસ્ટીઓમાં પદ્મશ્રી ગફૂરભાઈ મોહમ્મદભાઈ બિલખિયા, પદ્મભૂષણ શ્રીમતી રાજશ્રી બિરલા, શિક્ષણ ક્ષેત્રના અગ્રણી ડો. હર્ષદ એ. પટેલ અને  દિલીપ પી. ઠાકરની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. કુલપતિ   આચાર્ય દેવવ્રતજીએ નવા ટ્રસ્ટીઓની વરણીને આવકારી હતી અને કહ્યું હતું કે, પૂજ્ય ગાંધીબાપુના ઉદ્દેશ્યને ફળીભૂત કરવા સૌ સાથે મળીને પરસ્પર પારિવારિક સહયોગથી મિશનની માફક કામ કરીશું. તેમણે કહ્યું હતું કે, કોઈ વ્યક્તિ જન્મથી ગાંધીવાદી હોતો નથી. ગાંધીજીના વિચારો અનુસાર જે વ્યક્તિ જીવનભર કામ કરે તે ગાંધીવાદી થઈ જાય છે. કુલપતિ શ્રી આચાર્ય દેવવ્રત જીએ જે ટ્રસ્ટીઓએ વિદાય લીધી એ ટ્રસ્ટીઓએ પોતાના કાર્યકાળ દરમિયાન ગુજરાત વિદ્યાપીઠની પ્રગતિ અને ઉન્નતિમાં આપેલા યોગદાન માટે  આભારની લાગણી વ્યક્ત કરી હતી.

કુલપતિપદ સંભાળ્યા પછી ગુજરાત વિદ્યાપીઠ મંડળની પહેલી બેઠકમાં સંબોધન કરતાં શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ઈશ્વરે જે જવાબદારી આપી છે એને ઈમાનદારીથી નિભાવવાની છે. પૂજ્ય બાપુના આદર્શો માટે સૌએ સાથે મળીને કામ કરવાનું છે.હું બાળપણથી પૂજ્ય ગાંધીબાપુની વિચારસરણી સાથે ઉછર્યો છું. સ્વામી દયાનંદ સરસ્વતીજીના સમાજ સુધારણા, સ્વદેશી, ભારતીયતા, જ્ઞાતિ-જાતિના ભેદભાવથી દૂર એવી વિચારસરણી સાથે પૂજ્ય બાપુને સમાંતર વિચારો સાથે કામ કરતો આવ્યો છું,

એમ કહીને શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ગાંધી વિચારોને વધુ સશક્ત બનાવીશું અને ગુજરાત વિદ્યાપીઠની ગરિમા અને યશ-કીર્તિમાં અભિવૃદ્ધિ માટે મહત્તમ યોગદાન આપીશું.આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિધાપીઠ મંડળની બેઠકમાં સંબોધન કરતા કહ્યું હતું કે, બાળકોમાં સમાજસેવા અને રાષ્ટ્રસેવાની ભાવના વધુ બળવત્તર બને એવા પ્રયત્નો પર ભાર મુકીશું. તેમણે વિદ્યાપીઠના તમામ છાત્રો રમતગમતના મેદાનમાં સારો એવો સમય વિતાવે એ માટેના પ્રયત્નો કરવા પર પણ ભાર મૂક્યો હતો. ગુજરાત વિદ્યાપીઠના રમતગમતના મેદાનમાં વધુ સારી સુવિધાઓ વિકસાવવા તેમણે અનુરોધ કર્યો હતો. સમગ્ર સંકુલ અને છાત્ર આવાસની સ્વચ્છતા પર ધ્યાન કેન્દ્રિત કરવા સૌને અનુરોધ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.