Abtak Media Google News

મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા રૂા.2334.94 કરોડના ડ્રાફ્ટ બજેટ પર વિસ્તૃત અભ્યાસ કર્યા બાદ યોજનાઓનો ઉમેરો કરાશે: વાહન વેરામાં વધારો મંજૂર કરાઇ તેવી પ્રબળ સંભાવના

રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ-2022-23નું રૂા.2334.94 કરોડનું બજેટ ગઇકાલે મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા દ્વારા દરખાસ્ત સ્વરૂપે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. ગઇકાલ સાંજથી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બજેટનો અભ્યાસ શરૂ કરી દેવામાં આવ્યો છે. આવતા સપ્તાહે ખડી સમિતિ દ્વારા બજેટને બહાલી આપી આખરી મંજૂરી માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરી દેવામાં આવશે. વાહન વેરામાં સૂચવવામાં આવેલો વધારો મંજૂર કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાઇ રહી છે. ગઇકાલે મ્યુનિ.કમિશનર દ્વારા વર્ષ 2021-22નું રિવાઇઝ બજેટ અને વર્ષ-2022-23નું અંદાજપત્ર દરખાસ્ત સ્વરૂપે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું.

કદની દ્રષ્ટિએ ઐતિહાસિક એવા બજેટમાં મિલકત વેરો, પાણી વેરો, ડોર ટુ ડોર ગાર્બેજ ચાર્જ સહિતના તમામ વેરા યથાવત રાખવામાં આવ્યા છે. વાહન વેરાના દરમાં 1.50 થી 3 ટકા સુધીનો વધારો સૂચવવામાં આવ્યો છે. 15 કરોડનું કરબોજ રાજકોટવાસીઓ પર લાદવામાં આવ્યો છે. જો કે આ નવો બોજ તમામ શહેરીજનો પર લાદવામાં આવ્યો નથી. વાહનની ખરીદી કરે તો તેને વધારો બોજ લાગૂ પડશે અન્યથા લાગૂ પડશે નહીં. ગઇકાલે બપોર બાદ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બજેટનો અભ્યાસ શરૂ કરી દેવામાં આવ્યો છે.

કાલે સતત 4 કલાક સુધી બજેટનો વિસ્તૃત અભ્યાસ કરાયા બાદ આજે સવારથી જ સ્ટેન્ડિંગના તમામ સભ્યો દ્વારા બજેટનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. શાખા વાઇઝ અધિકારીઓને બોલાવી વિસ્તૃત માહિતી મેળવવામાં આવી રહી છે. ચાલુ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોય મતદારોને આકર્ષવા માટે શાસકો દ્વારા બજેટમાં કેટલીક યોજનાઓ મૂકવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાઇ રહી છે.

સંભવત: 9 કે 10 ફેબ્રુઆરી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બજેટને બહાલી આપી દેવામાં આવશે અને આખરી મંજૂરી માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા જનરલ બોર્ડ સમક્ષ રજૂ કરી દેવામાં આવશે. નિયમાનુસાર 20મી ફેબુ્રઆરી સુધીમાં બજેટ જનરલ બોર્ડમાં મંજૂર કરી રાજ્ય સરકારમાં મોકલી દેવાનું રહે છે.

મ્યુનિ.કમિશનર દ્વારા વાહન વેરાના દરમાં વધારો કરી 15 કરોડનો બોજ ઝીંકવામાં આવ્યો છે તે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂર કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.