Abtak Media Google News

કોરોનાનો ભરડો વધતા કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા દિનપ્રતિદિન વધી જઈ રહી છે. કોરોનાને નાથવામાં ઉપયોગી અસ્ત્ર હાલ રેમડેસિવિર ઈન્જેક્શન અને રસી જ મનાઈ રહી છે. એવામાં હાલ રેમડેસિવિરની પણ અછત ઉભી થઈ છે. હાલ આ ઈન્જેકશન મેળવવા અમદાવાદ સ્થિત ઝાયડસ હોસ્પિટલે સ્ટોક ખૂટી પડ્યા બાદ ફરી અવેલેબલનું બોર્ડ મારતા જ વહેલી સવારથી લાંબી કતારો લાગી ગઈ છે. ઇન્જેક્શન (remdesivir injection)નું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. ટોકન મેળવ્યા બાદ ઇન્જેક્શન મેળવવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી છે. રાજકોટ, મહેસાણા, સુરત, આણંદ, પાટણ જેવા શહેરોમાંથી લોકો કોરોનાના કહેર વચ્ચે ઈન્જેક્શન મેળવવા માટે ઉમટી પડ્યા છે.

આ  હાલના સમયમાં રામબાણ સમાન આ ઈન્જેકશન મેળવવામાં જ ક્યાંક કોરોના થઈ જાય એવી સ્થિતિ ઉભી થઇ છે. ગઈકાલે રવિવારે ઝાયડસ હોસ્પિટલ બહાર 400 કરતા વધારે લોકોની લાંબી કતાર લાગી હતી. લાઈનમાં ઉભેલા 1 વ્યક્તિ 1 દર્દી માટેના ઇન્જેક્શનનો ડોઝ મેળવી શકે છે. રેમડેસિવિર ઇન્જેક્શન મેળવવા માટે કોરોના પોઝિટિવ દર્દીનું આધાર કાર્ડ,  પોઝિટિવ રિપોર્ટ અને ડોક્ટરે લખેલા લખાણ સહિતના ડોક્યુમેન્ટ જરૂરી છે. ઝાયડસ કેડિલા દ્વારા બનાવેલા રેમડેસિવિર ઇન્જેક્શનની કિંમત 899 રૂપિયા છે, જે ટેક્સ સાથે 950 માં મળે છે. એક કોરોના પોઝિટિવ દર્દીને 6 ઇન્જેક્શનની જરૂર હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.