Abtak Media Google News

ખબર છે કે ગુનાને અંજામ આપ્યા બાદ છટકવાના ચાન્સ નથી, છતાં ગુનો કરવામાં ડર નથી

વિશ્વની સૌથી મોટી લોકશાહીનું માન ધરાવતા ભારતનું અર્થતંત્ર પણ હવે પાંચ અમેરિકન ડોલરનું વિરાટ રૂપ લેવા જઈ રહ્યું છે. મોટી લોકશાહી અને મોટું અર્થતંત્ર ધરાવતા દેશમાં સામાજિક શાંતિ અને ખાસ કરીને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પણ સંગીન હોય તેવી અપેક્ષા સ્વભાવિક છે.

રામરાજ્યનું સપનું પૂરું કરવા માટે કોઈ કચાસ રાખવામાં આવતી નથી ત્યારે સોનાની થાળીમાં લોઢાની મેખ હોય તેમ કોઈને નથી ગમતું છતાં દિવસે દિવસે સામાજિક અપરાધની ઘટનાઓ વધી રહી છે, જોકે એક વાત છે કે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિની જાળવણી અને દેશમાં અસામાજિક પ્રવૃત્તિઓ કરનારાઓ પર લગામ કસવામાં રાજ્ય અને કેન્દ્રના ગૃહ મંત્રાલય દ્વારા કોઈ કચાસ રાખવામાં આવતી નથી.

સુરક્ષા વ્યવસ્થાની સાથે સાથે ન્યાયતંત્રમાં પણ અન્યાયનો ભોગ બનેલાઓને ન્યાય અપાવવા માટે ઝડપી કાર્યવાહીથી લઇ આકરામાં આકરી સજાના અભિગમથી હવે દેશ અને સમાજમાં નાનામાં નાના ગુનેગારથી મોટામાં મોટો અપરાધી પણ ઝડપી કાનુની કાર્યવાહી અને આકરી સજાથી ગુનો કરતાં સાત વાર વિચારે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

તેમ છતાં સામાજિક અપરાધની ઘટનાઓ વારંવાર ન્યાયપ્રિય વર્ગ માટે ચિંતા નું કારણ બની જાય છે લોકતંત્રની સાચી ફળદાય પરિસ્થિતિનો લોકોને ત્યારે જ એહસાસ થાય જ્યારે સમાજમાં નિર્ભય વાતાવરણ પ્રવર્તતું હોય સમયની સાથે સાથે બદલાતા માહોલમાં સામાજિક અપરાધ માં ઘટાડો આવે તેવું નકર આયોજન કરવું હવે અનિવાર્ય બની ગયું છે.

સરકાર કડકાઈ રાખી રહી છે. પણ ગુનાખોરીની માનસિકતાનું પ્રમાણ વધી રહ્યું હોય, ગુનેગારો અંતે તો પકડાઈ જ જાય છે. તેઓનો બચવાનો ચાન્સ નહિવત જેવો હોય છે. તેમ છતાં તેઓ ડેરિંગથી ગુનાને અંજામ આપે જ છે. આ હકીકત છે.

જો કે આના માટે હવે બાળપણથી જ સંસ્કારોનું સિંચન કરવું જરૂરી બન્યું છે. મતલબ બાળકોને સાચું શુ છે અને ખોટું શું છે તેની ખબર પડતી થઈ જાય. તો મોટો થઈને તે સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના રાખે. નહિ કે સમાજમાં ગુના આચરવાની પ્રવૃતી કરે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.