Abtak Media Google News

કમોસમી વરસાદથી રાજ્યમાં થયેલા પાક નુકસાનીનો સર્વે શરૂ કરાયો છે.એસડીઆરએફના ધોરણો મુજબ ખેડૂતોને સહાય ચૂકવાશે.

છેલ્લા 9 વર્ષમાં રાજ્ય સરકારે કુદરતી આપત્તિઓમાં ખેડૂતોને રૂ.10,700 કરોડની સહાય ચૂકવી છે.તેમ મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું.

કમોસમી વરસાદ બાદ રાજ્ય સરકાર દ્રારા સર્વે શરૂ: ટૂંક સમયમાં રિપોર્ટ આવતા સહાય ચૂકવાશે

પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં 26 તથા 27મી નવેમ્બરના રોજ 1 મી.મી.  થી લઈને 151 મી.મી. કમોસમી વરસાદ વરસ્યો છે.

હવામાન ખાતા દ્વારા જારી થયેલી વરસાદની સચોટ આગાહીના પગલે ખેતીવાડી ખાતા દ્વારા અગાઉથી જ ખેડૂતોને ખેતરમાં કાપણી કરીને પડેલા પાક તથા માર્કેટિંગ યાર્ડોને જણસીઓના જતન તથા પલળે નહીં તેવી વ્યવસ્થા કરવા સૂચના અપાઈ હતી. જેના કારણે મોટાભાગના પાકની નુકસાની બચાવી શક્યા છીએ.

રાજ્યમાં ખરીફ પાકોનું આશરે 86 લાખ હેક્ટરમાં વાવેતર થયેલું હતું. જેમાં કપાસ, એરંડા, તુવેર મુખ્યત્વે છે. જો કે મોટાભાગના પાકની કાપણી પૂર્ણ થઈ ગઈ છે. હજુ રાજ્યમાં 10 થી 15 લાખ હેક્ટરમાં કપાસનો પાક ઊભો હોવાનો અંદાજ છે. જેમાં મુખ્ય ફાલ વીણાઈ ગયો છે જ્યારે છેલ્લો થોડો ફાલ વીણવાનો બાકી છે. કુલ મળીને અંદાજે 20થી 25 લાખ હેક્ટરમાં કપાસ, એરંડા, તુવેરના પાકનું વાવેતર થયેલું હતું.

જો કે પાકની મુખ્ય કાપણી, વીણવાનું કામ પૂર્ણ થઈ ગયું હોવાથી માવઠાની નુકસાનીની શક્યતા ઓછી છે. આમ છતાં રાજ્યમાં ત્રણથી ચાર લાખ હેક્ટરમાં કપાસ, દિવેલા, તુવેરના ઊભા પાકને અસર થયાનો પ્રાથમિક અંદાજ છે.

મંત્રીએ કહ્યું હતું કે, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ ચોખ્ખું થવા લાગ્યું છે.

કમોસમી વરસાદી વાદળાઓ દૂર થવા લાગ્યા છે.

કૃષિ ખાતા દ્વારા ખેતીવાડી વિભાગના અધિકારીઓને જિલ્લાવાર પાકની નુકસાનો સર્વે કરવા તથા આ કામગીરી વહેલાસર પૂર્ણ કરવા સૂચના આપી છે.

પાકમાં નુકસાનીનો અહેવાલ આવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા એસડીઆરાએફના ઘોરણો મુજબ ખેડૂતોને માવઠાની આપદામાં સહાય ચૂકવાશે.

છેલ્લા 9 વર્ષમાં રાજ્ય સરકારે અતિવૃષ્ટિ, માવઠા કે કુદરતી આપત્તિઓમાં ખેતી પાકને થયેલા નુકસાન સામે રાજ્યના 89 લાખ ખેડૂત લાભાર્થીઓને નિયમો પ્રમાણે રૂ. 7777.8 કરોડ ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી રૂ. 2966.9 કરોડ આમ કુલ રૂ. 10,740 કરોડની સહાય ચૂકવી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં રવિ સિઝનમાં 45 લાખ હેક્ટરમાં વાવેતર થાય છે. અત્યાર સુધીમાં 15થી 16 લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. જેમાં ઘઉં, ચણા, શેરડી, ધાણા, જીરૂ, વરિયાળી, શાકભાજી સહિતના પાક હજુ ઉગતી અવસ્થામાં છે.

આથી બે દિવસના માવઠામાં તેમાં નુકસાનીની શક્યતા નહિવત છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ વાઇબ્રન્ટ ગુજરાત સંદર્ભે વિદેશ પ્રવાસે છે.

તેઓ ખેડૂતો માટે સતત ચિતિંત છે અને જાપાનથી ફોન કરીને મુખ્યમંત્રીએ માવઠાથી નુકસાનીની વિગતો જાણી હતી.

ગુજરાતમાં બે દિવસ સુધી પડેલા કમોસમી વરસાદના કારણે ખેતીને પારાવાર નુકસાન પહોંચવા પામ્યું છે.

આ વખતે ચોમાસામાં પણ સંતોષકારક વરસાદ નથી પડયો. આવામાં માવઠાથી ખેડુતોની સ્થિતી પડયા પર પાટા જેવી થવન પામી છે. માવઠાએ મોઢા સુધી આવેલો કોળીયો છીનવી લીધો છે. સ્થિતીને પારખી રાજય સરકાર દ્વારા તાબડતોબ સર્વેની કામગીરી શરૂ કરી દેવમાં આવી છે. ટૂંક સમયમાં સર્વેનો રિપોર્ટ આવતાની સાથે સહાયની પણ ચુકવણી કરવામાં આવશે હાલ રાજય સરકારના અધિકારીઓ દ્વારા સર્વેની પુરજોશમાં કામગીરી ચાલી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.