Abtak Media Google News

ગુજરાતમાં ગ્રામ સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. આગામી 19મી ડિસેમ્બરના રોજ રાજ્યના 33 જિલ્લાની 10879 ગ્રામ પંચાયતો માટે મતદાન થનાર છે. ત્યારે ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા સ્થાનિક સ્તરે મેદાન મારવા તૈયારી શરૂ થઈ ગઈ છે.

ભાજપ વિકાસના નામે લોકમત મેળવવાના પ્રયાસમાં છે. ત્યારે હજુ ઘણા ગામો એવા છે જે વિકાસથી વંચિત છે. સાબરકાંઠાની ગ્રામ પંચાયતની પણ કઈક આવી હાલત છે. હિંમતનગરના ગઢા ગ્રામ પંચાયતમાં ગંદકી, રોડ રસ્તા તેમજ સ્ટ્રીટ લાઇટની મોટી સમસ્યા સામે આવી છે જેના પગલે સ્થાનિક ગ્રામજનોને મુશ્કેલી વેઠવી પડી રહી છે.

સાબરકાંઠાના હિંમતનગરના ગઢા ગામમાં રોડ રસ્તા, સ્ટ્રીટ લાઈટ સહિત ગંદકીના સામ્રાજ્યથી લોકો ત્રસ્ત થઈ ગયા છે. આ મામલે તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક ગ્રામ પંચાયતથી લઈ ગાંધીનગર સુધી મૌખિક તેમજ લેખિત રજુઆત કરવામાં આવતા છતાં કોઈ કાર્યવાહી હાથ ન ધરાતા સ્થાનિક લોકો રોષે ભરાયા છે. હાલના તબક્કે ગામમાં ૫૦ ટકાથી વધારે સ્ટ્રીટ લાઇટ બંધ છે. જેથી રાત્રિના સમયે ગામમાં અવરજવર કરવી પણ મુશ્કેલ બની છે.

વિકાસની મસમોટી વાતો કરનારા આગેવાનોને મતદાન વખતે જવાબ આપીશું

આશરે 4500ની વસ્તી ધરાવતા આ ગઢામાં ગ્રામ વચ્ચેથી પસાર થતી કેનાલના પગલે ગામમાં કાદવ-કીચડ સહિત માખી અને મચ્છરનો અસહ્ય ઉપદ્રવ યથાવત રહ્યો છે. ગામમાં અવરજવર માટે ચોમાસામાં રસ્તાની ખૂબ મોટી સમસ્યા સર્જાય છે. ગામના એક ફળિયામાંથી બીજા ફળિયામાં જવું પણ મુશ્કેલ બની જાય છે. ગામજનોનું કહેવું છે કે રોડ નહીં બને તો સ્થાનિક લોકો પણ આગામી સમયમાં યોજાનાર ચૂંટણીમાં વિકાસની મસમોટી વાતો કરનારા આગેવાનોને મતદાન વખતે જવાબ આપશે તે નક્કી બાબત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.