શ્રાવણ સ્પેશ્યલ: રાયગઢ ગામે માત્ર 3 પેન-2 કલરના ઉપયોગથી ભગવાન શિવની 500થી વધુ કલાકૃતિઓ આલેખાઈ..!!

હિતેશ રાવલ, સાબરકાંઠા:

પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભગવાન શિવના દર્શનનો મહિમા તદન અનોખો જ હોય છે. શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટે છે. મંદિર હર હાર મહાદેના નાદથી ગુંજી ઊઠે છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક રાયગઢ ગામે શિવ દર્શનનું ત્રણ દિવસ માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદના શિવભક્ત હસમુખભાઈ પટેલ દ્વારા માત્ર ત્રણ પેનનો ઉપયોગ કરી ભગવાન શિવની 500થી વધુ કલાકૃતિઓ પ્રદર્શિત કરાઈ છે. જેને નિહાળવા લોકો ઉમટી રહ્યા છે.

અમદાવાદના હસમુખ પટેલ ભગવાન શિવના અનોખા ભક્ત છે. જોધપુર વિસ્તારમાં પાન પાર્લર ચલાવતાં હસમુખભાઈ છેલ્લાં 18 વર્ષથી ભગવાન શિવના ચિત્રો બનાવી રહ્યાં છે તેમજ અત્યાર સુધીમાં 500 જેટલા ચિત્રો તેમણે બનાવ્યા છે. માત્ર 10 ધોરણ સુધી ભણેલા હસમુખભાઈએ ચિત્રો બનાવવાની તાલીમ લીધી નથી.

જો કે સ્વયં સ્ફુર્ણાથી તેઓએ તમામ ભગવાન શંકરના વિવિધ પ્રંસગો જેવા કે શિવ તાંડવ, ગંગા અવતરણ, ભસ્માસુર વધ જેવા પ્રસંગોને આવરી લઈને ચિત્રો દોર્યા છે. આ સાથોસાથ બાર જ્યોર્તિલિંગની કથાઓને આવરી લઈને બનાવેલા ચિત્રોનું પ્રદર્શન પણ તમામ જ્યોર્તિલિંગના મંદિરોમાં આયોજિત કર્યા છે.

છેવાડાના ગ્રામજનોને ભગવાન શિવની વિવિધ પ્રતિમા તેમજ કલાકૃતિઓના દર્શન કરાવવા હસમુખભાઈએ આ અભિયાનની શરૂઆત કરી છે. જે અંતર્ગત સાબરકાંઠાના હિંમતનગરના રાયગઢ પાસે માત્ર લાલ અને કાળા રંગનો ઉપયોગ કરી છે કરાયેલા ભગવાન શિવના પ્રદર્શનને શિવ દર્શન તરીકે ઓળખાવે છે. તેમના મતે ભગવાન શિવના ચિત્રો તેઓ માત્ર દર્શનાર્થે જ રાખે છે.

વર્ષ 2006માં સોમનાથ મહાદેવથી શરૂ કરેલી શિવ દર્શન યાત્રા 2018માં ધૃષ્ણેશ્વર મહાદેવ ખાતે પુરી કરી છે. જો કે હવે તેઓ ગુજરાતના શિવ મંદિરોમાં શ્રાવણ પર્વ નિમિત્તે શિવ દર્શનનું આયોજન કરી દરેક વ્યક્તિ સુધી સામાજિક ક્રાંતિ લાવવા વિશેષ પ્રયાસ કરાયો છે.

હિંમતનગરના રાયગઢ ખાતે આ પ્રદર્શન આગામી ત્રણ દિવસ સુધી યોજાનાર છે જેમાં સવારે 11 વાગ્યાથી વૈજનાથ મહાદેવ રાયગઢ ખાતે ભાવિક ભક્તજનો માટે ખુલ્લો મુકવામાં આવ્યું છે. લોકો પણ ખુબ મોટી સંખ્યામાં આવી રહ્યા છે ત્યારે અમદાવાદથી આવેલા યુગલે રાયગઢમાં શિવ દર્શનને પોતાના જીવનની ધન્યતા ગણાવી હતી સાથે સાથે શિવ દર્શનના પગલે રોમાંચિત થઇ પોતાના જીવનમાં શિવને સ્થાન આપી જીવન ધન્ય બનાવવા અપીલ કરી હતી.