Abtak Media Google News

ફ્રેસ એન્ડ પ્યોર દેશી ઘીમાં કલરની હાજરી મળી આવી: અંકુશ બ્રાન્ડ આયોડાઈઝડ સોલ્ટનો નમુનો મીસ બ્રાન્ડ જાહેર થતા વેપારીને રૂ.૮૫ હજારનો દંડ

રાજકોટ મહાનગર પાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર ઈસ્કોન મોલ બીગબજાર ફયુચ્યર રીટેલ લી.માંથી લેવામાં આવેલો ફ્રેસ એન્ડ પ્યોર દેશી ઘીનો નમુનો પરીક્ષણમાં નાપાસ જાહેર થયો છે. બીગબજારમાં દેશી ઘીના નામે વેચાતા ઘીમાં કલરની હાજરી જોવા મળી હતી. આ ઉપરાંત જય એન્ટરપ્રાઈઝમાંથી લેવામાં આવેલ દિવેલનું ઘી (લુઝ)ના નમુનામાં પણ વનસ્પતી ઘીની હાજરી જોવા મળતા નમુનો ફેઈલ ગયો હોવાનું જાહેર કરાયું છે.

આ અંગે વધુ માહિતી આપતા આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, બીગબજારમાંથી ફ્રેસ એન્ડ પ્યોર દેશી ઘીનો નમુનો આરોગ્ય શાખા દ્વારા લેવામાં આવ્યો હતો. પરીક્ષણમાં દેશી ઘીમાં કલરની હાજરી જોવા મળતા નમુનો ફેઈલ ગયો છે. જયારે ભગવતીપરા મેઈન રોડ પર શેરી નં.૨માં જય એન્ટરપ્રાઈઝમાંથી દિવેલનું ઘીનો નમુનો લેવાયો હતો જેમાં વનસ્પતિ ઘીની ભેળસેળ કરવામાં આવતી હોવાનું માલુમ પડતા નમુનો ફેઈલ ગયો છે. આરોગ્ય શાખા દ્વારા ગત વર્ષે ભાવનગર રોડ પર જી.ટી.સોલ્ટ સપ્લાયરમાંથી અંકુશ બ્રાન્ડ આયોડાઈઝડ સોલ્ટ ૧ કિલો પેકિંગનો નમુનો લેવામાં આવ્યો હતો. પરીક્ષણમાં આ નમુનો મીસમેચ જાહેર થતા વેપારી મોહિત તાજદીનભાઈ રાજાણીને રૂ.૮૫ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, મસાલાની સીઝન શરૂ થતા આરોગ્ય શાખા દ્વારા શહેરના અલગ-અલગ ૧૦ વિસ્તારોમાંથી મરચુ પાઉડર, હળદર પાઉડર અને ધાણાજીરું પાઉડરના નમુના લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

ચુનારાવાડ મેઈન રોડ પર માલધારી શોપીંગ સેન્ટરમાં આવેલા મધુરમ ટ્રેડર્સમાંથી રામદેવ ચીલી પાઉડર, રામદેવ હળદર પાઉડર અને રામદેવ ધાણાજીરું પાઉડરનો નમુનો લેવાયો હતો. જયારે મોચી બજાર કોર્ટ પાસે સિદ્ધિ વિનાયક કોમ્પ્લેક્ષમાં મે.સતનામ માર્કેટીંગમાંથી મોરઝરીયા ધાણાજીરું પાઉડર અને દિપ બ્રાન્ડ હળદર પાઉડરનો નમુનો લઈ પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યો છે.

ઉનાળાની સીઝનમાં ખોરાકજન્ય રોગચાળાની અટકાયત માટે હાથ ધરવામાં આવેલા ચેકિંગ દરમિયાન હાઈજેનિક કંડિશન સબબ ૫ આસામીઓને નોટીસ ફટકારવામાં આવી છે. રૈયા રોડ, સોરઠીયાવાડી સહિતના વિસ્તારોમાં રેકડીઓ, હોકર્સ ઝોનમાં હાથ ધરવામાં આવેલા ચેકિંગ દરમિયાન ૧૮ સ્થળે ચકાસણી કરવામાં આવી હતી અને ૫ કિલો જેટલી અખાદ્ય સામગ્રીનો નાશ કરાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.