શાંતિપ્રીય ગુજરાતીઓને સલામ: 89 બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન

voting
voting

એકાદ-બે સ્થળે સામાન્ય રકઝકને બાદ કરતા સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં પ્રથમ તબક્કાના મતદાનમાં શાંતિનો માહોલ: ચૂંટણી પંચ અને પોલીસ વિભાગને પણ રાહત: રાજકીય પક્ષના કાર્યકરોએ પણ ગજબનો સંયમ જાળવ્યો

ચૂંટણીના મેદાનને લોહિયાળ જંગથી ક્યારેય ઓછો આંકવામાં આવતો નથી. કારણ કે પોતાના પક્ષના ઉમેદવારો તરફી મતદાન કરાવવા માટે રાજકીય પક્ષોના કાર્યકરો એકબીજા સાથે વારંવાર ઝઘડી પડતાં હોય છે. ચૂંટણી પંચ દ્વારા પણ કેટલાંક મતદાન મથકોને સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવતા હોય છે. આજે પ્રથમ તબક્કાના મતદાનમાં ખરેખર સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની જનતાને સલામ કરવી પડે તેમ છે. કારણ કે આજે 89 બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું. છૂટા છવાયા સ્થળોએ સામાન્ય રકઝકને બાદ કરતા કોઇ મોટો અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. જેના કારણે ચૂંટણી પંચ, વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે રાહતનો શ્ર્વાસ લીધો હતો. મોટાભાગની બેઠકો અને મતદાન મથકો પર એકંદરે શાંતિ રહેવા પામી હતી. કાર્યકરોએ પણ ગજબનો સંયમ દાખવ્યો હતો. લોકશાહી મજબૂત બને તેવા માહોલનું આજે નિર્માણ થયું હોય તેવું લાગી રહ્યું હતું.

સામાન્ય રીતે ચૂંટણી દરમિયાન મતદાનના દિવસે રાજકીય પક્ષોના કાર્યકરો વચ્ચે, ચૂંટણી લડતા ઉમેદવારો અને સમાજના આગેવાનો વચ્ચે માથાકૂટ થતી હોય છે. ચૂંટણી દરમિયાન અનેકવાર ખૂન ખરાબા થતાં હોય છે અને લોહીયાળ જંગ પણ જોવા મળતાં હોય છે. જેના કારણે ચૂંટણ પંચ દ્વારા કેટલાંક મતદાન મથકોને સંવેદનશીલ અને કેટલાંક મતદાન મથકોને અતિ સંવેદનશીલની કેટેગરીમાં મૂકવામાં આવે છે. આજે સવારથી પ્રથમ તબક્કાના મતદાનમાં 89 બેઠકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી હતી પરંતુ સૌથી સુખદ બાબતએ રહેવા પામી હતી કે છૂટા છવાયા વિસ્તારોમાં સામાન્ય માથાકૂટને બાદ કરતા મતદાન શાંતિપૂર્ણ માહોલમાં ચાલ્યું હતું. ચૂંટણી બંદોબસ્તમાં રહેલા પોલીસ વિભાગના કર્મચારીઓ, પેરામીલીટરી ફોર્સના જવાનો અને જ્યાં વિશેષ બંદોબસ્ત મૂકવામાં આવેલો છે તે તમામે આજે શાંતિ અનુભવી હતી. ગુજરાતની જનતાને શાંતિપ્રિય માનવામાં આવે છે. આજે ચૂંટણીમાં એ પૂરવાર થઇ ગયું છે કે શા માટે ગુજરાતને શાંતિપ્રિય રાજ્ય ગણવામાં આવે છે.

મતદારોઓ તો ઠીક પરંતુ રાજકીય પક્ષોના કાર્યકરોએ પણ આજે ગજબનો સંયમ જાળવી રાખ્યો હતો. હરિફ પક્ષોના કાર્યકરો કે આગેવાન જ્યારે વિસ્તારમાં એકાબીજાને સામે મળતા હતા ત્યારે રાજકીય હરિફ હોવાનું ભૂલી એકબીજાને હસતાં મોંઢે મળતા પણ નજરે પડ્યા હતા. લોકશાહીમાં આ સૌથી મોટી ઘટના કહી શકાય કારણ કે મતદાનથી લોકશાહી મજબૂત બને છે અને જો આવામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તો તે ખરેખર વખાણવા લાયક ઘટના છે.