Abtak Media Google News

રેલવે વિભાગ દ્વારા જનરલ એરેન્જમેન્ટ ડ્રોઇંગને બહાલી અપાઇ: હવે એકાદ-બે દિવસમાં ડિઝાઇનને પણ મંજૂર કરી દેવાશે

શહેરના જામનગર રોડ પર હયાત સાંઢીયા પુલની જગ્યાએ કોર્પોરેશન દ્વારા અંદાજે 60 કરોડ રૂપિયાના ખર્ચે નવો ફોરલેન ઓવરબ્રિજ બનાવવામાં આવશે. આ માટે રેલવે વિભાગ સમક્ષ મહિનાઓ પહેલા ડિઝાઇન રજૂ કરી દેવામાં આવી છે. પરંતુ રેલવે દ્વારા ડિઝાઇનને મંજૂરી આપવામાં આવતી ન હતી. તાજેતરમાં જનરલ એરેન્જમેન્ટ ડ્રોઇંગને મંજૂરી આપી દેવામાં આવી છે. હવે ટૂંક સમયમાં ફાઇનલ ડિઝાઇનને પણ બહાલી આપવામાં આવશે. એક પખવાડીયામાં ટેન્ડર પ્રસિદ્વ કરી દેવામાં આવશે.

આ અંગે કોર્પોરેશનના ઇજનેરી સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ જામનગર રોડ પર સાંઢીયા પુલની જગ્યાએ અંદાજે 60 કરોડના ખર્ચે નવો ફોરલેન ઓવરબ્રિજ બનાવવામાં આવનાર છે. આ બ્રિજની પહોળાઇ 16.50 મીટર અને લંબાઇ 610 મીટરની છે. કોર્પોરેશન દ્વારા રેલવે વિભાગ સમક્ષ ઘણા સમય પહેલા ડિઝાઇન રજૂ કરી દેવામાં આવી હતી. જેને એક યા બીજા કારણોસર મંજૂરી આપવામાં આવતી ન હતી. દરમિયાન તાજેતરમાં જીએડી અર્થાત જનરલ એરેન્જમેન્ટ ડ્રોઇંગને બહાલી આપી દેવામાં આવી છે. જેનો સિધો મતલબએ થાય છે કે કોર્પોરેશને રજૂ કરેલી ડિઝાઇન 95% માન્ય રાખવામાં આવી છે. હવે માત્ર રેલવેના પોશનમાં હિસ્સો આવે છે તે ડિઝાઇનને મંજૂરી મળવાનું બાકી છે. દરમિયાન કોર્પોરેશનના ઇજનેરો દ્વારા રેલવે વિભાગ સમક્ષ ફરી સાંઢીયા પુલની ડિઝાઇનને મંજૂરી આપવામાં આવે તેવી ઉઘરાણી કરવામાં આવી હતી. જેમાં અધિકારીઓએ એવું જણાવ્યું હતું કે બે-ચાર દિવસમાં ડિઝાઇનને ફાઇનલ મંજૂરી આપી દેવાશે. ડિઝાઇન મંજૂર થયા બાદ 8 થી 10 દિવસમાં ટેન્ડર પણ પ્રસિદ્વ કરી દેવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ડિઝાઇનમાં અનેકવાર ફેરફાર કરવાની ફરજ ઉભી થઇ હતી. કારણ કે જ્યારે કોર્પોરેશને રેલવે પાસે તેના પોશનમાં આવતા બ્રિજના હિસ્સાનો ખર્ચ માંગ્યો ત્યારે રેલવે બ્રિજની લંબાઇ ઘટાડી દેવાનું સૂચન કર્યું હતું. જેના કારણે ખર્ચમાં પણ ઘટાડો થઇ જશે. રેલવે સૂચવેલી નવી ડિઝાઇન રજૂ કરી દેવાયાને મહિનાઓ વિતી ગયા હોવા છતા રેલવે દ્વારા અલગ-અલગ ટેકનિકલ કારણો રજૂ કરવામાં આવતા હતા અને ડિઝાઇનને મંજૂરીને આપવામાં આવતી ન હતી. દરમિયાન તાજેતરમાં જીએડીને મંજૂરી આપી દેવામાં આવતા હવે ફાઇનલ મંજૂરીના દ્વાર ખૂલ્યા છે. એકાદ-બે દિવસમાં સાંઢીયા પુલની ફાઇનલ ડિઝાઇન રેલવે મંજૂર કરી દે તેવી સંભાવના જણાઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.