Abtak Media Google News

મહારાષ્ટ્ર વિધાનસભામાં શરદ પાસે 11 તો અજીતે 40નો દાવો કર્યો

ભારતીય રાજનીતીના ચાણક્ય મનાતા મહારાષ્ટ્રના કદાવર નેતા શરદ પવારનો પાવર દિનપ્રતિદીન સતત ઘટી રહ્યો છે. એક સમયે 54 ધારાસભ્યો સાથે મહારાષ્ટ્રમાં કિંગ મેકરની ભૂમિકામાં રહેલા શરદ પવાર પાસે હવે માત્ર 11 ધારાસભ્યોનું સમર્થન છે. આ વફાદારોના સહારે નૈયા પાર થઇ શકે તેવી કોઇ જ શક્યતા નથી. હાલ તેઓની પાસે હથિયાર હેઠા મૂકી દેવા સિવાય અન્ય કોઇ વિકલ્પ બચ્યો નથી. મહારાષ્ટ્રની રાજનીતીમાં કાકા કરતા ભત્રીજો વધુ શક્તિશાળી બની ગયો છે. શરદ પવારની હાલત પણ ઉદ્વવ ઠાકરે જેવી થઇ રહી છે.

Advertisement

મહારાષ્ટ્રની રાજનીતીમાં ગત રવિવારથી અચાનક ભૂકંપ આવી ગયો છે. અજીત પવાર કેટલાક ધારાસભ્યો સાથે શિવસેના-ભાજપની સરકારમાં જોડાઇ ગયા છે. એનસીપી અડીખમ હોવાના દાવા સાથે શરદ પવારે છેલ્લા ત્રણ દિવસમાં પોતાની તાકાત દેખાડવાના ઘણા પ્રયાસો કર્યા પરંતુ તેમાં તેઓ સફળ થઇ રહ્યા હોય તેવું હાલ લાગતું નથી. કારણ કે મહારાષ્ટ્રમાં એનસીપી પાસે કુલ 54 ધારાસભ્યોનું સભ્યસંખ્યાબળ છે. જે પૈકી 33 ધારાસભ્યો અજીત પવારના સમર્થનમાં છે.

જેમાં છગન ભુજબળ, ધનંજય મુંડે, દિલીપ પાટીલ, દિલીપ મોહિતે, અનિલ પાટીલ, નરહરિ જીરવાલ, ધર્મરાવ બાબા, માણેકરાવ ફોકાટે, નિલેશ લંકા, સંજય બનસોડે, પ્રકાશ સોલંકે, સુનિલ સેલકે, જશવંત માને, બબન શિંદે, દિપક ચૌહાણ, દિલીપ બંકર, ઇન્દ્રનીલ નાયીક, બાળા સાહેબ આશબે, સંગ્રામ જગતાપ, સુનિલ ટીંબરે, અન્ના બનસોડે, હસન મુસરીફ, રાજુ કરમોરે, બાબાસાહેબ પાટીલ, રાજેશ પાટીલ, શિખર નિકમ, નિતીન પરમાર અને મનોહર ચંદ્રીકાપુરે અજીત જૂથમાં હોવાનું મનાઇ રહ્યું છે. જ્યારે કિરણ લહમાટે, અશોક પવાર, રોહિત પવાર, અનિલ દેશમુખ, રાજેન્દ્ર શીંગણે, પ્રાજક્તા તાનપુરે, સુમન પાટીલ, જીતેન્દ્ર આવડ અને જયંત પાટીલ સહિત કુલ 11 ધારાસભ્યો શરદ પવાર જૂથમાં હોવાનું મનાઇ છે.

ભારતીય રાજનીતીમાં શરદ પવારને એક ચાણક્ય માનવામાં આવે છે. તેઓ પોતાના લાભ માટે કશુ પણ કરી છૂટે છે. જે રીતે અચાનક અજીત પવારે બળવો કરી શિવસેના અને ભાજપની સરકારમાં જોડાઇ ગયા તે વાત રાજકીય પંડિતોમાં મગજમાં ઉતરતી નથી. આ તમામ ઘટના પાછળ શરદ પવારનો હાથ હોવાની શક્યતા પણ નકારી શકાતી નથી. પરંતુ આ વખતે પ્રથમ વખત એવું બન્યું છે કે જ્યારે શરદ પવાર શક્તિશાળી બનવાના બદલે સતત નબળા પૂરવાર થઇ રહ્યા છે. તેઓ હવે રાજકારણમાં સક્રિય રહેવા માંગતા ન હોય તેવી પણ નિશાની મળી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.