Abtak Media Google News

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના 15માં યુવક મહોત્સવને વર્ચ્યુલી ખુલ્લો મુકતા શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણી: દેશના પ્રથમ સીડીએસ સ્ટાફ  અને જનરલ બિપિન રાવતને મૌન પાળી શ્રધ્ધાંજલી અપાઇ

 

અબતક, અતુલ કોટેચા, વેરાવળ

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના 15માં યુવક મહોત્સવને વર્ચ્યુલી ખુલ્લો મૂકતા શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, સંસ્કાર અને સંસ્કૃતિની આધારશીલા સંસ્કૃત ભાષા છે. સંસ્કૃત ભાષા કાયમ માટે સમાજ-રાષ્ટ્રનો હિસ્સો રહેવાની છે. ત્યારે મનોબળ-આત્મવિશ્ર્વાસ અને આયોજન સાથે કામ કરવાથી સંસ્કૃત ભાષાને પુન: ઉચિત સ્થાન પર પહોચાડી શકાશે. આશાવાદી અને આત્મવિશ્વાસથી ભરપૂર સમાજ નિર્માણમાં સંસ્કૃત-સંસ્કૃતિની પાયાની ભૂમિકા છે. ઉપરાંત સંસ્કૃત ભાષાના સંવર્ધન વિકાસ માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પરિસરમાં ત્રિ-દિવસીય યોજાઈ રહેલા 15માં યુવક મહોત્સવમાં યુનિવર્સિટી સંલગ્ન 26 કોલેજના 316 સ્પર્ધકો 44 જેટલી સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. આ મહોત્સવમાં રાષ્ટ્રીય શિક્ષા નીતિ-2020, સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસી, પીએચ. ડી – સંશોધન વિષય પર કાર્યશાળા યોજાશે.

આ પ્રસંગે તમિલનાડુના કૂન્નુરમાં હોલિકોપ્ટર દુર્ઘટનામાં શહિદ થયેલા દેશના પ્રથમ ઈઉજ  અને જનરલ બિપિન રાવતને મૌન પાળી શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીએ ગઅઅઈ દ્વારા થયેલા મૂલ્યાંકનમાં અ+ રેન્કિંગ પ્રાપ્ત કરવા માટે અભિનંદન આપતા શિક્ષણ મંત્રી વાઘાણીએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી નેતૃત્વમાં ઘડાયેલા રાષ્ટ્રીય શિક્ષા નીતિ ભિન્ન ભિન્ન વિધારધારાના લોકોમાં પણ સ્વીકૃત બની છે. આ શિક્ષણ નીતિ પ્રવર્તમાન પ્રવાહોને ધ્યાનમાં રાખી બનાવવામાં આવે છે. જેથી યુવાનોને નવી તાકાત મળવાની સાથે સમય સાથે તાલ મિલાવી શકાશે. આમ, યુવાનો-વિદ્યાર્થીઓ નવાચારથી આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવામાં અગ્રેસર રહેશે. આ માટે વિદ્યા સંસ્થાઓ પણ જવાબદારી પણ ઘણી અગત્યની છે. મંત્રીએ ઉમેર્યું કે, આ યુવક મહોત્સવ ખરા રૂપમાં યુવાઓની આંતરિક-સુશુપ્ત શક્તિને ઉજાગર કરવાનો માધ્યમ બની રહેશે.

આ પ્રસંગે સંસ્કૃત ભાષાના સંવર્ધક-વિદ્વાન જે. ડી પરમારને સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા સન્માનતિ કરવામાં આવ્યા હતા. ઉપરાંત સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર માટે ઉત્કૃષ્ટ સેવા કરતા રાજ્યભરના 18 જેટલા સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટીના બ્રાંડ એમ્બેસેડર અને સંસ્કૃત અનુરાગીઓનું પ્રમાણપત્ર અને પુસ્તક એનાયત કરીને મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા તૈયાર કરવામાં આવેલા ચાર ગ્રંથોનુ વિમોચન કરવામાં આવ્યું હતું.

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર લલિતકુમાર પટેલે સ્વાગત પ્રવચન કરતા સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીની નોંધપાત્ર સિદ્ધિઓ તેમજ ગતિવિધિઓની જાણકારી આપી હતી. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતન ત્રિવેદી, ગુજરાત સંસ્કૃત બોર્ડના ચેરમેન જયશંકર રાવલે પ્રસાંગિક ઉદ્બોધન અને કુલસચિવ દશરથ જાદવે આભારવિધિ કરી હતી.

આ સમારોહમાં સાહિત્ય અકાદમીના મહામાત્ર જયેન્દ્રસિંહ જાવદ, વેરાવળ-પ્રભાસ પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ પીયુષ ફોફંડી, ઉપરાંત સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સંલગ્ન કોલેજના પ્રાધ્યાપક-કર્મચારીગણ, વિદ્યાર્થીઓ-સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.

સંસ્કૃત ભાષાના સંવર્ધક-વિદ્વાન જે.ડી. પરમારનું વિશેષ સન્માન કરાયું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.