Abtak Media Google News

સરદારના શરીરને અગ્નિ બાળી તો રહ્યો છે, પણ તેમની પ્રસિદ્ધિને વિશ્વનો કોઈ અગ્નિ બાળી શકશે નહીં. : ડો. રાજેન્દ્ર પ્રસાદ

સરદાર વલ્લભભાઈ પટેલ, ભારતના અગ્રણી રાજકીય તથા સામાજિક નેતા.એક એવા લોખંડી પુરુષ કે જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો અને સ્વતંત્ર ભારતના રજવાડાઓના એકીકરણનું નેતૃત્વ કર્યું. વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનો જન્મ ઈ.સ. 1875માં 31 ઓક્ટોબરના રોજ થયો હતો તેમજ તેમનું અવસાન ઈ.સ. 1950માં 15 ડિસેમ્બરના રોજ થયું હતું.

Advertisement

ઈ.સ. 1950 ના સમયગાળામાં સરદાર પટેલની તબિયત લથડતી ગઈ. ત્યારે તેમના પુત્રી મણિબેને તેમની મંત્રણાઓ તેમજ કામ કરવાના કલાકોમાં ઘટાડો કરાવ્યો હતો. 21 નવેમ્બર, 1950 ના રોજ મણિબેને સરદાર પટેલની પથારી પર લોહીના ધાબાં જોયા. તેમણે તરત જ સરદારના સ્વાસ્થ્યની સાર-સંભાળ રાખવા માટે 24 કલાક માટે નર્સની વ્યવસ્થા કરી હતી. તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદ 6 નવેમ્બરે સરદારને મળવા આવ્યા હતા પણ સરદાર એટલા બીમાર હતા કે તેમના મોંમાંથી એક પણ શબ્દ નીકળી ન શક્યો.

સરદાર પટેલને 12 ડિસેમ્બર, 1950 ના રોજ વેલિંગ્ટન ઍરસ્ટ્રિપ ખાતે લઈ જવામાં આવ્યા હતા. વેલિંગ્ટન ઍરસ્ટ્રિપ પર ભારતીય હવાઈદળનું વિમાન તેમને મુંબઈ લઈ જવા તૈયાર હતું. સાડા ચાર કલાકની ઉડાન બાદ સરદાર પટેલનું વિમાન મુંબઈના જુહૂ ઍરપોર્ટ પર ઊતર્યું હતું. મુંબઈ આવ્યા બાદ તેમનું સ્વાસ્થ વધારે કથળતું જતું હતું. 15 ડિસેમ્બર, 1950ના મળસ્કે ત્રણ વાગ્યે સરદારને હૃદય રોગનો હુમલો આવ્યો અને તેઓ બેભાન થઈ ગયા. ચાર કલાક બાદ તેઓ થોડા ભાનમાં આવ્યા ત્યારે તેમણે પાણી માગ્યું. મણિબેને તેમને મધ મેળવેલું ગંગાજળ ચમચીથી પીવડાવ્યું. ત્યારબાદ સરદાર પટેલે અંતિમ શ્વાસ લીધા હતા.

સરદાર પટેલના દેહાંત બાદ ડો. રાજેન્દ્રપ્રસાદે કહ્યું હતું કે “સરદારના શરીરને અગ્નિ બાળી તો રહ્યો છે, પણ તેમની પ્રસિદ્ધિને વિશ્વનો કોઈ અગ્નિ બાળી શકશે નહીં.” દેશની સ્વતંત્રતા ખાતર જીવનના અમૂલ્ય વર્ષો પ્રદાન કરનાર સરદાર પટેલ માત્ર ગુજરાતીઓ માટે નહીં, પરંતુ તમામ ભારતવાસીઓનું ગૌરવ છે.

દ્રઢ નિશ્ચયબળ અને પ્રામાણિક ચારિત્ર્ય

મોટું ટાલવાળું માથું, બેઠા ઘાટનો દેહ, ધીર ગંભીર ચહેરો, બાંધી દડીનું શરીર, અંગ પર સફેદ ખાદીનું ધોતિયું અને સફેદ ખાદીનું પહેરણ. કોઇ સાધુ જેવી ગંભીર દ્રષ્ટિ, ચહેરા પર દ્રઢ નિશ્ચયબળ અને પ્રામાણિક ચારિત્ર્ય. આ બધાનો સરવાળો કરીએ એટલે સામે જે ચિત્ર ઉપસે તે છે આપણા પોતીકા સરદાર વલ્લભભાઇ પટેલ. વલ્લભભાઇએ પ્રાથમિક શિક્ષણ તેમના વતન કરમસદની પ્રાથમિક વિદ્યાલયમાંથી જ મેળવ્યું હતું. પિતા ઝવેરભાઇ વલ્લભભાઇને ભણાવવામાં ખૂબ જ રસ ધરાવતા હતા. તે પુત્ર વલ્લભને ભણાવી-ગણાવી એટલો હોશિયાર બનાવવા માંગતા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.