Abtak Media Google News

એક જ સ્થળે વીવીંગ, જીનીંગથી માંડીને એક્સપોર્ટ સુધીની સુવિધા ઉપલબ્ધ કરાવવા સરકાર સજ્જ : દેશના ટેક્સટાઈલ ક્ષેત્રને 2030 સુધીમાં 20 લાખ કરોડ સુધી લઈ જવાનો લક્ષ્યાંક

સૌરાષ્ટ્ર કપાસ ઉત્પાદનમાં નંબર વન છે. હવે ટેકસટાઇલમાં પણ આગળ લઇ આવવાનું આયોજન સરકાર કરી રહી છે.  એક જ સ્થળે વીવીંગ, જીનીંગથી માંડીને એક્સપોર્ટ સુધીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેન કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે રાજકોટમાં જણાવ્યું હતું.

રાજકોટ આવેલા કેન્દ્રીય કાપડ, વાણિજ્ય-ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે શનિવારે ટેક્સટાઈલ્સ ઈન્ડસ્ટ્રીઝ ચિંતન શિબિર બાદ પત્રકારો સાથે વાતચીત કરી હતી. જેમાં તેઓએ કહ્યુ કે ઈ.સ. 2030 સુધીમાં ટેક્સટાઈલ્સ ક્ષેત્રને 20 લાખ કરોડ સુધી લઈ જવાનો લક્ષ્યાંક છે ત્યારે કપાસ જ્યાં પેદા થાય છે ત્યાં જ તેનું વીવીંગ, જીનીંગથી માંડીને એક્સપોર્ટ એટલે કે ફાર્મીંગ, ફાઈબર, ફેક્ટરી, ફેશન અને ફોરેન એ પાંચ એફ મૂજબ સરકાર આગળ વધી રહી છે.

પિયુષ ગોયલે કહ્યું કે નવી ટેક્સટાઈલ નીતિથી આ ઉદ્યોગોને નવી ટેકનોલોજી માટે માતબર રકમની પ્રોત્સાહક સહાય અપાય છે, ટેક્સટાઈલ પરાક સ્થાપિત કરવા ડેવલપરને સો ટકા સ્ટેમ્પડયુટી પરત કરાય છે, સરકારના આ અભિગમથી દેશના તમામ રાજ્યોને ફાયદો થશે પરંતુ, ગુજરાત અને તમિલનાડુમાં ટેક્સટાઈલનું આઉટપૂટ વધારે છે ત્યારે ગુજરાતને વિશેષ ફાયદો થશે. તેમણે કહ્યું કે એક સ્થળે પાકે, તેનું જીનીંગ,વીવીંગ બીજે થાય, કપડાં અન્યત્ર બને અને એક્સપોર્ટ જુદી જગ્યાએથી થાય તેનાથી પડતર કિંમત વધે છે અને સ્પર્ધામાં પાછળ રહી જાય છે તેથી પ્રધાનમંત્રીએ ઉપરોક્ત પાંચ એફની જે કલ્પના કરી છે તેના આધારે દક્ષિણ ગુજરાતના નવસારી સહિત દેશમાં 7 સ્થળોએ મેગા ટેક્સટાઈલ પાર્કને મંજુરી આપવામાં આવી છે.

મંત્રી પિયુષ ગોયલને જ્યારે પુછાયું કે ગુજરાત સમગ્ર દેશમાં કોટનના ઉત્પાદનમાં નં.1 ઉપર આવેલ છે, ગત વર્ષમાં 92 લાખ ગાંસડીનું રેકોર્ડ ઉત્પાદન થયું છે છતાં ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કાપડ ઉદ્યોગ કેમ વિકસાવ્યો નથી? ત્યારે તેમણે જણાવ્યું કે સૌરાષ્ટ્રમાં કાપડ ઉદ્યોગ આવે તે માટે આયોજન થયું છે અને આ અંગે પરામર્શ પણ કરવામાં આવ્યો છે. આ અંગે ભાજપના આગેવાન ભરત બોઘરાએ ઉમેર્યું કે સૌરાષ્ટ્રમાં કપાસ બન્યા પછી જીનીંગ, વીવીંગથી આગળ પ્રક્રિયા થતી નથી, કપડાં બનવા બીજા રાજ્યોમાં જાય છે અને તે સ્થિતિ દૂર કરવા પ્રોત્સાહક નીતિ આવશે.

સૌરાષ્ટ્રના કપાસની બોલબાલા: તમિલ સંગમથી કપાસ માટે મોટું માર્કેટ ઉભું થશે

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે સૌરાષ્ટ્રના કપાસની બોલબાલા છે. વિશ્વના અનેક દેશોમાં તેની માંગ છે. આ કપાસ ગુણવત્તા યુક્ત હોય છે. તેઓએ ઉમેર્યું કે સૌરાષ્ટ્ર તમિલ સંગમથી બન્ને રાજ્યો વચ્ચે વ્યાપારી સંબંધો પણ વિકસવાના છે. જેથી તામિલનાડુના ઉદ્યોગો કપાસ માટે સૌરાષ્ટ્ર તરફ વળશે જેથી સૌરાષ્ટ્રના કપાસના ભાવ વધુ આવશે. આમ ખેડૂતોને પણ અનેક ફાયદાઓ થશે.

રૂપિયો વૈશ્વિક બનવાના માર્ગે, અનેક નવા દેશો સાથે રૂપિયામાં થશે વ્યાપાર

ભારતીય રૂપિયો વૈશ્વિક ચલણ બનવાના માર્ગ પર આગળ વધી રહ્યો છે.  વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે  આશા વ્યક્ત કરી હતી કે ઉદ્યોગપતિઓ ટૂંક સમયમાં વિદેશી વેપારને રૂપિયામાં સેટલ કરી શકશે. તેમણે કહ્યું કે વિવિધ દેશોની ઘણી બેંકો ભારતીય બેંકો સાથે ખાસ વોસ્ટ્રો એકાઉન્ટ ખોલી રહી છે.ભારતીય રિઝર્વ બેંકએ બ્રિટેન, સિંગાપોર અને ન્યુઝીલેન્ડ સહિત 18 દેશોની સંબંધિત બેંકો સાથે સ્પેશિયલ રુપી વોસ્ટ્રો એકાઉન્ટ્સ ખોલવા માટેની 60 વિનંતીઓને મંજૂરી આપી છે. તેમણે કહ્યું કે કેન્દ્રીય બેંક વિવિધ દેશોમાં તેના સમકક્ષો સાથે આ મુદ્દે ચર્ચા કરી રહી છે.ગોયલે રાજકોટમાં જણાવ્યું હતું કે, અમે ટૂંક સમયમાં ઘણા દેશો સાથે રૂપિયામાં આંતરરાષ્ટ્રીય વેપાર જોઈશું. તેમણે એમ પણ કહ્યું કે યુરોપિયન યુનિયન, યુકે અને કેનેડા જેવા વિકસિત પ્રદેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ માટેની વાતચીત એડવાન્સ તબક્કામાં છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સમગ્ર વિશ્વ ભારત સાથે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કરવા માંગે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.