સૌરાષ્ટ્રમાં સપ્તાહમાં પ્રિ-મોનસુન એકિટવીટી થશે: બફારો વધશે

43.7 ડિગ્રી સાથે રાજકોટ રહ્યું રાજયનું સૌથી ગરમ શહેર: હજી ત્રણ દિવસ ગરમીનું જોર રહેશે

અંદામાનમાં નૈઋત્યનું ચોમાસુ નિર્ધારિત સમય કરતા વહેલુ બેસી ગયું છે. દરમિયાન આગામી સપ્તાહથી સૌરાષ્ટ્રમાં પ્રિ-મોનસુન એકિટવીટીની અસર વર્તાવા લાગશે કાળઝાળ ગરમીનું જોર વધશે અને બફારાનું પ્રમાણે વધશે. હજી ત્રણેયક દિવસ હજી કાળઝાળ ગરમીથી લોકોને રાહત મળે તેવી કોઈજ સંભાવના દેખાતી નથી. પ્રિ-મોનસુન એકિટવીટીનો આરંભ થતા તાપમાનનો પારો થોડો નીચે પટકાશે અને પરસેવે રેબજેમ કરતા બફારો અનુભવાશે.

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યાનુસાર અંદામાનમાં નૈઋત્યનું ચોમાસુ નિર્ધારિત સમય કરતા વહેલી બેસી ગયું છે.રાજયમાં પણ આ વર્ષ પ્રિમોનસુન એકિટવીટી વહેલી શરૂ થઈ જશે આગામી સપ્તાહથી પ્રિ-મોનસુન એકિટવીટીનો આરંભ થઈ જશે તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રીસુધી નીચો પટકાશે ગરમીમાં રાહત અનુભવાશે પરંતુ બફારો પરસેવે રેબઝેબ કરી દેશે પવનની દિશામાં પણ ફેરફારથશે હાલ ઉતર-પશ્ર્ચિમના પવનનો ફૂંકાય રહ્યા છે.

જે દક્ષિણ પશ્ર્ચિમ કે પશ્ર્ચિમ પશ્ર્ચિમના થશે. સી.બી.ફોર્મેશનના કારણે અમૂક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પણ વરસી શકે છે.રવિવારે પણ સૂર્ય દેવતાએ આકાશમાંથી અગ્ની વરસાવવાનું ચાલુ રાખ્યુ હતુ રાજકોટ અને અમદાવાદ 43.7 ડિગ્રી સેલ્સીયસ સાથે રાજયના સૌથી ગરમ શહેર રહ્યા હતા. આ ઉપરાંત ડિસાનું તાપમાન 42.4 ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન 43 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 40.7 ડિગ્રી વડોદરાનું તાપમાન 40.8 ડિગ્રી ભૂજનું તાપમાન 40.4 ડિગ્રી, કંડલા એરપોર્ટ પરનું તાપમાન 42.9 ડિગ્રી, ભાવનગરનું તાપમાન 41.5 ડિગ્રી, રાજકોટનું તાપમાન 43.7 ડિગ્રી અને સુરેન્દ્રનગરનું તાપમાન 43.3 ડિગ્રી સેલ્સીયસ રહેવા પામ્યું હતુ.

આગામી ત્રણ દિવસ હજી ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. હિટવેવની આગાહી આપવામાં આવી છે. તાપમાન 40 થી 43 ડિગ્રી વચ્ચે રહેશે રવિવારે રાજયનાં 12 શહેરોમાં તાપમાનનો પારો 400 ડિગ્રીથી વધુ રહેવા પામ્યો હતો. રવિવારે કાળઝાળ ગરમી રહેતા રજાના દિવસે પણ બપોરનાં સમયે સન્નાટો જોવા મળતો હતો.