Abtak Media Google News
  • પોરબંદરનું 59.05 ટકા સૌથી ઓછું પરિણામ: રાજકોટના 1561 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો જ્યારે 4562 વિદ્યાર્થીઓએ એ-2 ગ્રેડ મેળવ્યો
  • સૌરાષ્ટ્રના 4582 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો જ્યારે 17118 વિદ્યાર્થીઓ એ-2 ગ્રેડ મેળવ્યો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.10નું પરિણામ બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું હતું. રાજ્યભરનું પરિણામ 65.18 ટકા આવ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રનું 68.05 ટકા પરિણામ આવ્યું છે. સૌરાષ્ટ્રમાં મોરબી જિલ્લો અવ્વલ રહ્યો છે. મોરબી જિલ્લાનું 76.79 ટકા પરિણામ આવ્યું છે. આ ઉપરાંત સૌથી વધુ પરિણામ પોરબંદર જિલ્લાનું 59.05 ટકા રહ્યું છે. રાજ્યભરમાં રાજકોટના રૂપાવટી કેન્દ્રનું સૌથી વધુ પરિણામ 94.80 ટકા જેટલું રહ્યું છે. આ ઉપરાંત વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં 4582 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 17118 વિદ્યાર્થીઓએ એ-2 ગ્રેડ મેળવ્યો છે. ધો.10નું પરિણામ છેલ્લા પાંચ વર્ષની સાપેક્ષે ખૂબ જ સારૂં આવ્યું છે. આજે પરિણામ આવતાની સાથે જ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને રાજ્યભરમાં સ્કૂલોમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં ભારે આનંદનો માહોલ છવાયો છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ એકબીજાના મોં મીઠા કરીને પરિણામની ઉજવણી કરી હતી અને રાસ-ગરબે ઘૂમ્યા હતા.

Advertisement

સૌરાષ્ટ્રના 11 જિલ્લાની વાત કરીએ તો અમરેલીનું 68.26 ટકા, ભાવનગરનું 67.58 ટકા, બોટાદનું 67.61 ટકા, દ્વારકાનું 64.61 ટકા, ગીર સોમનાથનું 68.11 ટકા, જામનગરનું 69.68 ટકા, જૂનાગઢનું 66.25 ટકા, મોરબીનું 73.79 ટકા, પોરબંદરનું 69.05 ટકા, રાજકોટનું 72.86 ટકા અને સુરેન્દ્રનગરનું 70.79 ટકા પરિણામ આવ્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં એ-1 ગ્રેડની વાત કરીએ તો અમરેલીમાં 275, ભાવનગરમાં 814, બોટાદમાં 111, દ્વારકામાં 91, ગીર સોમનાથમાં 160, જામનગરમાં 420, જૂનાગઢમાં 486, મોરબીમાં 304, પોરબંદરમાં 39, રાજકોટમાં 1561 અને સુરેન્દ્રનગરમાં 300 વિદ્યાર્થીઓ નોંધાયા છે.  એ-2 ગ્રેડની વાત કરીએ તો અમરેલીમાં 1289, ભાવનગરમાં 2928, બોટાદમાં 695, દ્વારકામાં 589, ગીર સોમનાથમાં 1087, જામનગરમાં 1436, જૂનાગઢમાં 1694, મોરબીમાં 1226, પોરબંદરમાં 373, રાજકોટમાં 4562 અને સુરેન્દ્રનગરમાં 1239 વિદ્યાર્થીઓ નોંધાયા છે.

કુલ 7,81,702 નિયમિત વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા જે પૈકી 7,72,771 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા. 5,03,726 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બનતા નિયમિત પરીક્ષાર્થીઓનું પરિણામ 65.18% આવ્યું છે. રિપીટર પરીક્ષાર્થીઓ તરીકે 1,40,485 પરીક્ષાર્થીએ ફોર્મ ભર્યા હતા જે પૈકી 1,33,520 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા. જેમાંથી 41,063 પરીક્ષાર્થીઓ સફળ થતા તેઓનું પરિણામ 30.75% આવ્યું છે. આ ઉપરાંત ખાનગી પરીક્ષાર્થી તરીકે નોંધાયેલ કુલ 17,944 પરીક્ષાર્થીઓ પૈકી 15,007 પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા. જેમાંથી 2,557 પરીક્ષાર્થીઓ પ્રમાણપત્રને પાત્ર બન્યા છે. તેઓનું પરિણામ 17.04% આવ્યું છે.

ગુજરાતી માધ્યમમાંથી ધોરણ-10ની પરીક્ષા આપવા માટે કુલ 6,73,162 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા જેમાંથી 4,19,562 વિદ્યાર્થીઓ પાસ થયા છે અને તેની ટકાવારી 63.13% થાય છે. જ્યારે અંગ્રેજી માધ્યમમાં બીજા નંબરે સૌથી વધુ 87,136 ફોર્મ ભરાયા હતા જેમાંથી 70,906 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જેની ટકાવારી 81.50% થાય છે. આ સિવાય હિન્દી માધ્યમમાં બેઠેલા વિદ્યાર્થીઓનું પરિણામ 63.96% આવ્યું છે અને તે પણ ગુજરાતી માધ્યમ કરતા સામાન્ય વધુ છે. આ પછી મરાઠી માધ્યમનું 58.78% અને ઉર્દુ માધ્મયનું 50.93% પરિણામ આવ્યું છે. હિન્દી માધ્યમ માટે કુલ 16,429 વિદ્યાર્થીઓએ ફોર્મ ફર્યા હતા જેમાંથી 10,400 વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ થયા હતા. આ જ રીતે ઉર્દુ માધ્યમમાં 1196 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા હતા તેમાંથી માત્ર 603 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી

આજે રાજ્યના શિક્ષક વિભાગ દ્વારા ધો.10નું બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. 65.18 ટકા પરિણામ આવતા ચોમેરથી વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ મળી રહી છે ત્યારે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે શિક્ષણ મંત્રીએ ટ્વીટ કર્યું હતું અને વિદ્યાર્થીઓને લાખેણી શુભકામનાઓ પાઠવી હતી. શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ધો.10 બોર્ડના વિદ્યાર્થીઓને શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે વ્હાલા વિદ્યાર્થીઓ મિત્રો દરેક સફળતામાં એક નવી સફળતાની ક્ષિતિજ છૂપાયેલી હોય છે અને દરેક નિરાશામાં એક નવી આશ છૂપાયેલી હોય છે ત્યારે આજને ઉત્તમ તક સમજી ઉજ્જવળ આવતીકાલની તૈયારી કરીએ, આપ સૌને આપના ઉજ્જવળ ભવિષ્ય માટે અનેકાનેક શુભેચ્છાઓ. અને વિદ્યાર્થીઓ જીવનમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે અને પરિવાર, જિલ્લા અને રાજ્યનું નામ રોશન કરે તેમ પણ તેઓએ અંતમાં જણાવ્યું હતું.

રાજકોટ જિલ્લાના રૂપાવટી કેન્દ્રનું 94.80 ટકા સૌથી વધુ પરિણામ

રાજકોટ જિલ્લાનું 72.86 ટકા 5રિણામ આવ્યું છે. જિલ્લામાં સૌથી વધુ રૂપાવટી કેન્દ્રનું 94.80 ટકા પરિણામ આવ્યું છે. જે રાજ્યમાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર છે. રાજકોટ જિલ્લામાં ઝીરો ટકાવારી 6 સ્કૂલ અને 100 ટકા પરિણામ ધરાવતી સ્કૂલની સંખ્યા 30 છે. 2020માં રાજકોટ જિલ્લાનું 64.08 ટકા પરિણામ હતું. આથી 2022માં 8.78 ટકા વધુ પરિણામ આવ્યું છે. રાજકોટ જિલ્લામાં એ-1 ગ્રેડમાં 1561, એ-2 ગ્રેડમાં 4562, બી-1 ગ્રેડમાં 6637, બી-2 ગ્રેડમાં 7293, સી-1 ગ્રેડમાં 6110, સી-2 ગ્રેડમાં 2263, ડી-ગે્રડમાં 73 અને ઇ-1 ગ્રેડમાં 5446 અને ઇ-2 ગ્રેડમાં 5170 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. રાજકોટ જિલ્લામાં 30 ટકાથી ઓછા પરિણામ વાળી સ્કૂલની સંખ્યા 69 છે.

રાજકોટ જિલ્લામાં ઝીરો ટકાવાળી 6 સ્કૂલ અને 100 ટકા પરિણામ ધરાવતી 30 સ્કૂલ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ ધો.10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ જિલ્લાનું રૂપાવટી કેન્દ્રનું સૌથી વધુ પરિણામ આવ્યું છે. આ ઉપરાંત બીજી બાજુ રાજકોટ જિલ્લામાં કુલ 6 સ્કૂલ એવી છે કે જેનું પરિણામ શૂન્ય આવ્યું છે. જ્યારે 100 ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 30 જેટલી નોંધાઇ છે.

રાજકોટ જિલ્લામાં 30 ટકાથી ઓછું પરિણામ ધરાવતી 69 સ્કૂલ

આજે ધો.10નું પરિણામ સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં 30 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળા રાજકોટમાં 69 જેટલી નોંધાઇ છે. 2020ની સાપેક્ષે વાત કરવામાં આવે તો ચાલુ વર્ષે 30 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓ વધી છે. સામે બાજુ રાજકોટના રૂપાવટી કેન્દ્રનું રાજ્યભરમાં શ્રેષ્ઠ પરિણામ આવતા રાજકોટનો ડંકો વાગ્યો છે.

રાજકોટનું કેન્દ્રવાઈઝ પરિણામ

Whatsapp Image 2022 06 06 At 1.05.31 Pm

સૌરાષ્ટ્રનું ધો.10નું ઉડતી નજરે પરિણામ

Whatsapp Image 2022 06 06 At 1.05.31 Pm 1

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.