Abtak Media Google News

ઓલ રાઉન્ડ પ્રદર્શન કરનાર ધર્મેન્દ્રસિંહ જાડેજાને મેન ઓફ ધી મેચ જાહેર કરાયો

મુંબઇના શરદ પવાર ક્રિકેટ એકેડમી ગ્રાઉન્ડ ખાતે રમાય રહેલી મેચમાં સૌરાષ્ટ્રની ટીમનો મુંબઇ સામે 48 રને શાનદાર વિજય થયો છે. મેચમાં 6 વિકેટો ઝડપનાર અને 90 રન બનાવી જીતમાં સિંહફાળો આપનાર ધર્મેન્દ્રસિંહ જાડેજાને મેન ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યા છે.

ચાર દિવસીય રણજી ટ્રોફી મેચમાં સૌરાષ્ટ્રના સુકાની અર્પિત વસાવડાએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. સૌરાષ્ટ્રે પ્રથમ દાવમાં 289 રન બનાવ્યા હતા. જેની સામે મુંબઇની ટીમ પ્રથમ દાવમાં માત્ર 230 રનમાં ઓલ આઉટ થઇ જતા સૌરાષ્ટ્રને 59 રનની મહત્વપૂર્ણ લીડ મળી હતી.

બીજા દાવમાં સૌરાષ્ટ્રે ધર્મેન્દ્રસિંહ જાડેજાના 90 રનની મદદથી 220 રન બનાવ્યા હતાં અને મુંબઇને મેચ જીતવા માટે 280 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. ત્રીજા દિવસની રમતના અંતે મુંબઇની આઠ વિકેટો માત્ર 218 રનમાં ધરાશાયી થઇ જતા સૌરાષ્ટ્રની જીત નિશ્ર્ચિત બની જવા પામી હતી. આજે મેચના ચોથા અને અંતિમ દિવસે મુંબઇની ટીમ પોતાના ગઇકાલના સ્કોરમાં માત્ર 13 રન ઉમેરી 231 રનમાં ઓલ આઉટ થઇ જતા સૌરાષ્ટ્રનો 48 રને શાનદાર વિજય થયો હતો. યુવરાજસિંહ ડોડીયાએ 86 રનમાં ચાર વિકેટો સાથે પોતાની પ્રથમ રણજી ટ્રોફી મેચમાં આઠ વિકેટો ખેડવી હતી.

જ્યારે ધર્મેન્દ્રસિંહ જાડેજાએ બે વિકેટો ખેડવી હતી. મેચમાં કુલ છ વિકેટો ઝડપનાર અને 90 રન બનાવી જીતમાં સિંહફાળો આપનાર ધર્મેન્દ્રસિંહ જાડેજાને મેન ઓફ ધી મેચ જાહેર કરાયો છે. સૌરાષ્ટ્રની ટીમને કુલ 6 પોઇન્ટ પ્રાપ્ત થયા છે. પોઇન્ટ ટેબલમાં સૌરાષ્ટ્ર ત્રીજા સ્થાને આવી ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.