Abtak Media Google News

આજથી શરૂ થતું દ્વિતિય શૈક્ષણીક સત્ર ૧૪૦ દિવસનું રહેશે

રાજકોટ સહિત સમગ્ર રાજયની પ્રાથમિક અને માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ગત ૧૪મી ઓકટોબરે શનિવારે પ્રથમ શિક્ષણ સત્રના અંતે દિવાળી વેકેશનનો પ્રારંભ થયો હતો. ૨૧ દિવસના દિવાળી વેકેશન બાદ આજથી દ્વિતિય સત્રના શિક્ષણ કાર્યનો પ્રારંભ થઈ ચૂકયો છે. દિવાળી વેકેશન દરમિયાન ૨૧ દિવસ સુધી શાંત રહેલા સ્કુલોનાં કેમ્પસો આજથી ફરીથી ધમધમતા થશે. ૨૧ દિવસના દિવાળી વેકેશન બાદ સોમવારથી સ્કૂલોમાં બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે.

Advertisement

આ સાથે જ સ્કૂલો વિદ્યાર્થીઓના કલરવથી ફરી એકવાર ગુંજી ઊઠશે.

મોટાભાગની સ્કૂલોમાં પ્રથમ દિવસે કોઈ પણ જાતનું શૈક્ષણિક કાર્ય કરવામાં આવતું ન હોઈ ઘણા વિદ્યાર્થીઓ મંગળવારથી સ્કૂલે જવાનું મન બનાવી બેઠા છે. જેના પગલે સ્કૂલોમાં શરૂઆતના એક-બે દિવસ ખૂબ જ પાંખી હાજરી જોવા મળશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

પ્રથમ દિવસે સ્કૂલોમાં માત્ર વિદ્યાર્થીઓ પોતાના વર્ગોમાં બેસી શિક્ષકોને તથા સાથી મિત્રોને મળી છૂટા પડશે.

સ્કૂલોમાં પણ બીજા શૈક્ષણિક સત્રના પ્રારંભ બાદ ફીનો કકળાટ જોવા મળશે તેવી શક્યતા વર્તાઈ રહી છે. જેના પગલે સ્કૂલોએ પણ હાલમાં ફી માત્ર ચેકથી જ સ્વીકારવામાં આવશે તેવા મેસેજ વાલીઓને મોકલી પોતાની સાઈડ સેફ કરી લીધી છે.

નોંધનીય છે કે, શહેરમાં કેટલીક સ્કૂલો વહેલી શરૂ કરી દેવાઈ હતી. જોકે આ સ્કૂલો દ્વારા ડિસેમ્બરમાં ક્રિસમસનું એક સપ્તાહનું વેકેશન અપાતું હોઈ તેઓ દિવાળી વેકેશનમાં પાંચ દિવસ ઘટાડી દેતા હોય છે. જેથી ક્રિસમસ વખતે તે વેકેશનને એડજસ્ટ કરી શકાય. જેના પગલે અમુક સ્કૂલો બુધવારથી જ શરૂ કરી દેવાઈ હોવાનું જાણવા મળે છે. દિવાળી વેકેશન પહેલા મોટાભાગની સ્કૂલોમાં પરીક્ષા પૂર્ણ થઈ ચૂકી હતી અને પરિણામ તૈયાર કરવાની કામગીરી શરૂ કરાઈ હતી. હવે પરિણામ તૈયાર થયા હોઈ સ્કૂલો શરૂ થયા બાદ પરિણામ જાહેર કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. રાજ્યની સ્કૂલોમાં ૬ નવેમ્બરથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે અને ૩૦ એપ્રિલ સુધી ચાલશે. આમ બીજુ શૈક્ષણિક સત્ર ૧૪૦ દિવસનું રહેશે. જેમાં નવેમ્બરમાં શૈક્ષણિક કાર્યના ૨૨ દિવસ, ડિસેમ્બરમાં ૨૪, જાન્યુઆરીમાં ૨૬, ફેબ્રુઆરીમાં ૨૩, માર્ચમાં ૨૨ અને એપ્રિલમાં ૨૩ દિવસનું શૈક્ષણિક કાર્ય કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.