Abtak Media Google News

શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ: કોલેજોમાં બુધવારથી શિક્ષણ કાર્ય શરૂ કરાશે

ઉનાળું વેકેશન પૂરું થતાની સાથે જ આજથી સૌરાષ્ટ્ર સહિત રાજયભરની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે અને રાજકોટ શહેર-જિલ્લાની  તમામ શાળાઓમાં વેકેશન પૂર્ણ થતાં વિદ્યાર્થીઓએ આજે ઉષ્માભેર શાળામાં પ્રવેશ કર્યો હતો. આજથી સ્કુલો વિદ્યાર્થીઓનાં કલવરથી ગુંજી ઉઠશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અગાઉ જાહેર કરાયેલા કેલેન્ડરમાં નવરાત્રી વેકેશન જાહેર કરવામાં આવ્યું હતું પરંતુ નવરાત્રી વેકેશન રદ થતાં નવું શૈક્ષણિક કેલેન્ડર હવે ટુંક સમયમાં રજુ કરવામાં આવશે.

રાજયનાં શિક્ષણ વિભાગે તમામ શાળાઓમાં ૧૦ જુન ૨૦૧૯થી ૨૪ ઓકટોબર ૨૦૧૯ સુધી પ્રથમ શૈક્ષણિક સત્ર ચાલુ રહેશે જે ૧૧૨ દિવસનું રહેશે ત્યારબાદ ૨૫ ઓકટોબર ૨૦૧૯થી ૧૪ નવેમ્બર ૨૦૧૯ સુધી ૨૧ દિવસનું દિવાળી વેકેશન જાહેર કરાશે. બીજું શૈક્ષણિક સત્ર ૨૫ નવેમ્બર ૨૦૧૯થી ૩ મે ૨૦૨૦ સુધીનું રહેશે. બીજા સત્રમાં ૧૪૨ દિવસ શૈક્ષણિક કાર્ય ચલાવવામાં આવશે. કુલ ૨૪૬ દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે. ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાઓ ૫ માર્ચ ૨૦૨૦થી શરૂ થશે અને ૨૧ માર્ચ સુધી ચાલશે.

કોલેજોમાં નવા શૈક્ષણિક સત્રનો ૧૨મી જુનથી એટલે કે બુધવારથી પ્રારંભ થશે. ટયુશન કલાસીસો અને સ્પર્ધાત્મક પરીક્ષાનાં વર્ગો ચલાવતાં કલાસીસો શરૂ કરવા માટે રાજય સરકારે ફાયર વિભાગનાં એનઓસી વગર પ્રતિબંધ મુકયો છે ત્યારે અમુક કલાસીસ સંચાલકોને ફાયર વિભાગનું એનઓસી મળી ગયું હોવાથી ટયુશન કલાસીસો આજથી ધમધમશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.