Abtak Media Google News

રાજ્યની શાળાઓ દ્વારા લઈ જવાતા પ્રવાસ દરમિયાન તાજેતરમાં બનેલી ઘટનાઓ બાદ કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા પ્રવાસને લઈને માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડી

Advertisement

અબતક, રાજકોટ ન્યૂઝ : રાજ્યની શાળાઓ દ્વારા લઈ જવાતા પ્રવાસ દરમિયાન તાજેતરમાં બનેલી ઘટનાઓ બાદ કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા પ્રવાસને લઈને માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડી છે. જેમાં પ્રવાસ દરમિયાન જળાશયોમાં બોટિંગ રાઈડ બને ત્યાં સુધી ટાળવા માટે જણાવાયું છે. જો બેસાડવાના થાય તો પણ બોટની ક્ષમતા કરતા વધુ ન બેસે અને બિમાર વિદ્યાર્થી ન બેસે તેની ખાતરી કરવાની રહેશે. રાજ્ય બહારના પ્રવાસ વખતે આલ્કોહોલ કે અન્ય કેફી પદાર્થનું સેવન કરવામાં ન આવે તેવી તકેદારી રાખવા જણાવાયું છે. ઉપરાંત છોકરા અને છોકરીના સંયુક્ત પ્રવાસ વખતે મહિલા કર્મચારી સાથે રાખવાના રહેશે અને કોઈ અઘટિત ઘટના ન બને તે માટે ખાસ કાળજી લેવાની રહેશે. પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓ ફૂડ પોઈઝનિંગનો ભોગ ન બને તે માટે તાજુ ભોજન આપવા માટે જણાવાયું છે.પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યની શાળાઓને સ્થાનિક તથા રાજ્ય બહાર પ્રવાસ કરવા માટે મંજૂરી આપવામાં આવે છે.

શાળાઓ દ્વારા યોજાતા પ્રવાસમાં તાજેતરમાં પ્રવાસ દરમિયાન અનિચ્છનીય બનાવો જેમ કે રોડ અકસ્માત-બોટ દુર્ઘટના જેવા બનાવો બન્યા છે. આ ઘટનાઓ સંદર્ભે માર્ગદર્શક સૂચનાઓ જારી કરવામાં આવી છે. જેમાં સ્થાનિક કક્ષાના પ્રવાસ માટે સંબંધિત ઉઊઘ તથા રાજ્ય બહારના પ્રવાસ માટે કમિશનર ઓફ સ્કૂલની કચેરીની પૂર્વ મંજૂરી સિવાય પ્રવાસનું આયોજન કરવાનું રહેશે નહીં. પૂર્વ મંજૂરી લીધા સિવાય આયોજિત કરેલા પ્રવાસની તમાસ જવાબદારી શાળાની રહેશે.ઉપરાંત સંબંધિત પોલીશ સ્ટેશનને જાણ કરવી અને જાણ કરતો પત્ર દરખાસ્તમાં રજૂ કરવાનો રહેશે. વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્ય પર અસર ન થાય તે રીતે પ્રવાસનું આયોજન કરવાનું રહેશે. સ્થળો માટે પ્રવાસ મંજૂરી આપવામાં આવેલ હોય તેવા જ સ્થળોની મુલાકાત લેવાની રહેશે. મંજૂરી સિવાયના સ્થળોની લીધેલી મુલાકાત દરમિયાન કોઇ પણ અઘટિત બનાવ બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી શાળાની રહેશે. જિલ્લા શિક્ષણાધિકારીએ સ્પષ્ટ અભિપ્રાય સાથે ભલામણ કરવી અને કચેરીને 10 દિવસ અગાઉ દરખાસ્ત મોકલી આપવાની રહેશે.પ્રવાસ દરમિયાન જળાશયોમાં બોટિંગ રાઈડિંગ બને ત્યાં સુધી ટાળવી.

આમ છતાં બોટમાં ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓને બેસાડવા નહીં. ઉપરાંત કોઈ વિદ્યાર્થી એપિલેપ્સી(વાઈ)ની બિમારીથી ગ્રસિત હોય, બોટ રાઇડિંગથી ચક્કર આવતા હોય તો આવા પ્રકારના વિદ્યાર્થીઓની ખાતરી કર્યા બાદ જ બોટ રાઈડીંગ કરાવવું. પ્રવાસ દરમિયાન રાજ્યમાં કે રાજ્ય બહાર આલ્કોહોલિક, કેફી-નશાયુક્ત પ્રવાહી દ્રવ્યોનો ઉપયોગ કરવામાં ન આવે તેમજ સાથે રાખવામાં ન આવે તથા બહારના રાજ્યોમાંથી ખરીદીને સાથે લેવામાં ન આવે તેની સંપૂર્ણ ખાતરી કરી લેવાની કાળજી રાખવાની રહેશે. જ્યાં છોકરા અને છોકરીઓનો સંયુક્ત પ્રવાસ યોજેલો હોય ત્યારે મહિલા કર્મચારી સામેલ રાખવા તેમજ સંયુક્ત ગ્રુપમાં કોઇ અઘટિત ઘટના ન બને તે માટે વિશેષ તકેદારી રાખવાની રહેશે. પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓ ફૂડ પોઇઝનિંગનો ભોગ ન બને તે માટે તાજુ ભોજન પીરસાય તે બાબતની કાળજી લેવાની રહેશે. બસ ડ્રાઇવર તથા સંબંધિત સ્ટાફ નશાયુક્ત પદાર્થનું સેવન કરતા ન હોય તેની ખાતરી કરવી. પ્રવાસ દરમિયાન જો કોઈ અનિચ્છનીય ઘટના કે અકસ્માત બને તો તે બાબતે સંબંધિત કચેરીના વડાએ અત્રેની કચેરીના પરામર્શમાં જરૂરી કાર્યવાહી કરવાની રહેશે. આ સૂચનાઓનું શાળાઓ દ્વારા પાલન કરવામાં આવે તે અંગે દરેક ડી.ઈ.ઓ.એ ચુસ્તપણે અમલ કરાવવાનો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.