Abtak Media Google News

લોકસભાની ચૂંટણી પૂર્વે જાણે હડતાલની મોસમ ખીલી, રાજયભરના મહેસુલ કર્મચારીઓ પણ ૧૧મીથી અચોકકસ મુદતની હડતાલ ઉપર

રાજયભરની નગરપાલિકાઓના સફાઈ કર્મચારીઓની હડતાલનો આજે બીજો દિવસ છે. આ હડતાલને કારણે નાના શહેરોની સ્વચ્છતા ખોરવાઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે લોકસભા ચૂંટણી નજીક આવતા જાણે હડતાલની મોસમ ખીલી હોય તેમ કર્મચારીઓના અનેક મંડળોએ લડતના માર્ગ અપનાવ્યા છે. રાજયભરના મહેસુલ કર્મચારીઓના મહામંડળે પણ પડતર પ્રશ્ને ૧૧મીથી અચોકકસ મુદતની હડતાલનું એલાન કર્યું છે.

ગુજરાત રાજયની ૧૬૨ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓના બનેલા સંગઠન સફાઈ કામદાર મહામંડળ દ્વારા ગત તા.૫થી વિવિધ પ્રશ્ને અચોકકસ મુદતની હડતાલનું એલાન કર્યું હતું. જેના પગલે ગઈકાલથી રાજયભરની નગરપાલિકાઓના સફાઈ કર્મીઓ પોતાના કામથી અળગા રહીને હડતાલમાં જોડાયા હતા.

સફાઈ કામદારો વેતન વધારો, કાયમી કરવા, કોન્ટ્રાકટ પ્રથા બંધ કરવી, પેન્શન યોજના લાગુ કરવી, વારસદારોને નોકરી આપવા સહિતનાં લાભો આપવાની માંગ સાથે શરૂ કરેલી હડતાલનો આજે બીજો દિવસ છે ત્યારે નાના શહેરોમાં સ્વચ્છતા ખોરવાઈ હોવાનું સામે આવ્યું છે. જો સફાઈ કર્મીઓની આ હડતાલ હજુ લાંબી ચાલશે તો નાના શહેરોમાં ઠેક-ઠેકાણે ગંદકીના ગંજ જામશે.

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કર્મચારીઓની હડતાલની જાણે મોસમ ખીલી હોય તેવા માહોલ સર્જાયો છે. તાજેતરમાં પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓ, શિક્ષકો, એસટીના કર્મચારીઓ,મેડિકલ કોલેજના કર્મચારીઓએ હડતાલ શરૂ કરી હતી. ત્યારે ફરી નગરપાલિકાના સફાઈ કામદારોએ પણ ગઈકાલથી હડતાલ શરૂ કરી છે. આ સાથે રાજયભરના મહેસુલ કર્મચારીઓના મહામંડળે પણ આગામી તા.૧૧થી અચોકકસ મુદતની હડતાલનું એલાન કર્યું છે.

ગુજરાત રાજય મહેસુલી કર્મચારી મહામંડળે પોતાના કર્મચારીઓના વિવિધ પ્રશ્ને અનેક રજૂઆતો કરી છે. પરંતુ આ પ્રશ્ર્નોનો નિકાલ ન આવતા મહામંડળે આગામી તા.૮ના રોજ માસ સીએલનું એલાન કર્યું છે. ત્યારબાદ આગામી તા.૧૧મીથી અચોકકસ મુદતની હડતાલ શ‚ કરવામાં આવનાર છે. નોંધનીય છે કે, આગામી ૧૧મીથી શરૂ થનારી હડતાલમાં રાજયભરના મહેસુલી કર્મચારીઓ જોડાવાના છે. આ હડતાલને કારણે સમગ્ર રાજયમાં મહેસુલી કામગીરી ઠપ્પ થઈ જવા પામશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.