Abtak Media Google News

નવી પાર્ટી જાહેર કરી બાપુનું બમણા જોશથી  મેદાનમાં ઉતરવાનું એલાન: ભ્રષ્ટાચાર મુક્ત અને લોકોની પોતાની સરકાર બનાવવા એડીચોટીનું જોર લગાવાશે

પવિત્ર શ્રાવણ માસમાં જ હિમાલયની ટોચેથી રાજકારણના શંકર એવા શંકરસિહ વાઘેલાએ બમણા જોશથી મેદાનમાં ઉતરવાનો રણટંકાર કર્યો છે. બાપુએ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે એવા કોઈ કાયદા કે એવો કોઇ સમાજ નથી જોતો કે જે વેરવિખેર હોય.

ગુજરાતના બેદાગ નેતા અને ભૂતકાળમાં સરકાર કેમ ચલાવવી તેનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી ચૂકેલા શંકરસિંહ વાઘેલાએ અબતક મીડિયા સાથે થયેલી ખાસ વાતચિતમાં જણાવ્યું કે સરકાર કેમ ચલાવવી તે હું આવનારા સમયમાં બતાવિશ. હવે બમણા જોર સાથે મેદાનમાં ઉતરી રહ્યો છું. વધુમાં તેઓએ એવા કાયદાની સ્પષ્ટ ટીકા કરી હતી કે જેનું પાલન થતું નથી એવા કાયદાને રાખીને શુ ફાયદો? શુ આવા કાયદા ભ્રષ્ટાચાર ફેલાવવા માટે રાખવામાં આવ્યા છે? માટે તેઓએ કહ્યું કે એવા કાયદા જોતા નથી, એવો સમાજ જોતો જે કાયમ વેરવિખેર હોય.

ઉલ્લેખનીય છે કે પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ નવી પ્રજાશક્તિ ડેમોક્રેટીક પાર્ટી જાહેર કરતા જણાવ્યુ હતું કે વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી ઝુકાવશે. સતા પર આવવાના સંજોગોમાં તેઓએ કહ્યું કે દારૂબંધી વ્યાપક ભ્રષ્ટાચારનું માધ્યમ છે અને નિષ્ણાંતોના અભિપ્રાય મેળવીને વૈજ્ઞાનિક શરાબ નીતિ ઘડવામાં આવશે.

 વિધાનસભા ચૂંટણીમાં શંકરનું તાંડવ થશે?

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપે ઝુકાવીને તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દીધો છે. ત્યારે રાજકારણના ખેરખા ગણાતા એવા શંકરસિંહ પણ પોતાની નવી પાર્ટી સાથે મેદાનમાં ઉતરવાના છે. ત્યારે શંકરસિંહ ભગવાન શંકરની જેમ તાંડવ કરી શકશે કે કેમ તે જોવું રહ્યું.

કા દારૂબંધીનો સજ્જડ અમલ કરાવો, કા તો હટાવી દયો : તેના સહારે ભ્રષ્ટાચાર બંધ કરો

શંકરસિંહ વાઘેલાએ સ્પષ્ટપણે જણાવ્યું કે ગુજરાતમાં કા તો દારૂબંધીનો સજ્જડ અમલ કરાવો, કા પછી તેને હટાવી દયો. માત્ર કાગળ ઉપર રાખીને તેને સહારે થતો ભ્રષ્ટાચાર બંધ કરી દયો. બાપુએ આકરી રીતે કહ્યું કે એવા કોઈ કાયદાની જરૂર નથી જેનો અમલ કરાતો ન હોય.

બાપુ ગુજરાતથી પરિચિત અને ગુજરાત બાપુથી પરિચિત છે

શંકરસિંહ વાઘેલાએ આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારી અંગે જણાવ્યું કે બાપુ ગુજરાતથી સંપૂર્ણ પરિચિત છે અને ગુજરાત પણ બાપુથી સંપૂર્ણ પરિચિત છે. માટે તૈયારીમાં વધુ સમય લાગશે નહિ.

રાજકોટને હાઇકોર્ટ બેન્ચ અપાવીશ

શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે જો તેઓની સરકાર આવશે તો રાજકોટમાં ન્યાયિક પ્રક્રિયા સરળ અને ઝડપી બને તે માટે રાજકોટને હાઇકોર્ટ બેન્ચ અપાવીશ. અગાઉ હાઇકોર્ટની બેન્ચ સામે વિરોધ થયો હતો. પણ હવે વિરોધ થાય તો પણ આ બેન્ચ અપાવીને જ રહીશ.

ભાજપને મજબૂત બનાવવામાં બાપુનો સિંહફાળો

શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે ભાજપને મજબૂત બનાવવામાં તેમનો સિંહ ફાળો છે. તેઓએ ભાજપના સંગઠનમાં અહીં પક્ષને મજબૂત બનાવવામાં કોઈ કસર છોડી નથી. જ્યારે ભાજપના ખરાબ દિવસો ચાલતા હતા. ત્યારે તેઓએ કમળને ખીલવવા તેઓએ ખૂબ મહેનત કરી હતી.

એકાદ અઠવાડિયામાં પક્ષના કાર્યક્રમો શરૂ કરીશ

શંકરસિંહ વાઘેલાએ નવી પ્રજાશક્તિ ડેમોક્રેટીક પાર્ટીની જાહેરાત કરી છે.તેઓએ વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી ઝુકાવવાની પણ જાહેરાત કરી છે. તેઓ એકાદ અઠવાડિયામાં જ પક્ષના કાર્યક્રમો જાહેર કરશે તેમ તેઓએ ઉમેર્યું હતું.

રાજકોટમાં વિધાનસભાનું સત્ર બોલાવાશે

શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે તેઓની સરકાર બનશે એટલે અનેક ફેરફારો થશે. જેમ બીજા રાજ્યમાં પાટનગર સિવાયના વિસ્તારોમાં વિધાનસભા સત્ર બોલાવવામાં આવે છે. તેમ ગુજરાતમાં પણ રાજકોટ ખાતે વિધાનસભા સત્ર બોલાવવામાં આવશે.

મારી સરકારમાં ભ્રષ્ટાચારનો એક દાખલો તો બતાવી આપો

શંકરસિંહ વાઘેલાએ પોતાની સરકાર વખતની જૂની વાતો વાગોળતા જણાવ્યું હતું કે તે વખતે મારી સરકાર એ ખરા અર્થમાં લોકોની સરકાર હતી. લોકોના કામ થતા હતા. સમગ્ર વહીવટ પારદર્શક હતો. મારી સરકારમાં ભ્રષ્ટાચારનો એક દાખલો તો કોઈ બતાવી આપે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.