Abtak Media Google News

એરપોર્ટ પર કૌશિકભાઇ શુક્લ અને કશ્યપભાઇ શુક્લને મળ્યા: પરિવારના તમામ સભ્યોના ખબર-અંતર પૂછયા

રાજકોટ એરપોર્ટ ખાતે ટુંકુ રોકાણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જનસંઘના પોતાના જૂના સાથીઓના પરિવારજનોને મળ્યા હતા અને તેઓની ખબર-અંતર પૂછી હતી. ગુજરાતમાં હાલ ભાજપનો સુર્ય હાલ જે રીતે તપી રહ્યો છે તેની પાછળ સ્વ.ચીમનભાઇ શુક્લ સહિતના કેટલાંક મોટા નેતાઓનું તપ જવાબદાર છે. ગઇકાલે એરપોર્ટ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી શુક્લ પરિવારના કૌશિકભાઇ અને કશ્યપભાઇને રૂબરૂ મળ્યા હતા. આ દરમિયાન તેઓએ ભૂતકાળમાં ચીમનકાકા સાથે ગાળેલા સમયને યાદ કરી સંસ્મરણો વાગળ્યા હતાં.

એરપોર્ટ ખાતે ટુંકા રોકાણ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી રાજકોટ શહેર ભાજપના અગ્રણી કશ્યપભાઇ શુક્લ તેઓના ધર્મપત્ની હિનાબેન શુક્લ, દીકરી સલોની અને મોટાભાઇ કૌશિકભાઇને મળ્યા હતા. શુક્લ પરિવારના આંગણે બે વર્ષ પહેલા દિકરીના લગ્નનો અવસર હતો. આ વેળાએ વડાપ્રધાનને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું ત્યારે નરેન્દ્રભાઇએ એવું કહ્યું હતું કે તેઓ લગ્નમાં નહી આવી શકે પરંતુ સમય મળતા એક વખત ચોક્કસ શુક્લ પરિવારને મળશે. તેઓ આ વચન નિભાવ્યું છે. ગઇકાલે તેઓ એરપોર્ટ ખાતે વીઆઇપી લોન્જમાં શુક્લ પરિવારના સભ્યોને મળ્યા હતાં. સાથોસાથ તેઓ કશ્યપભાઇની પુત્ર સલોનીને આશિર્વાદ આપ્યા હતા અને અમેરિકામાં કેવું લાગે છે તેની પણ પૂચ્છા કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે ગુજરાતમાં ભાજપની સ્થાપના થઇ હતી ત્યારે પક્ષને મજબૂત બનાવવા માટે સ્વ.ચીમનભાઇ શુક્લ સાથે નરેન્દ્રભાઇ પણ સતત મહેનત કરતા હતા. ગુજરાતમાં ભાજપના છોડને વટવૃક્ષ બનાવવા પાછળ ચીમનકાકાનો પરીશ્રમ ખૂબ જ રહ્યો છે. પીએમે શુક્લ પરિવાર સાથેની ગઇકાલની મુલાકાત દરમિયાન એવું પણ પૂછ્યું હતું કે હાલ પરિવારમાં મોભી કોણ છે? જવાબમાં કશ્યપભાઇએ કહ્યું હતું કે કુટુંબમાં વડીલ તરીકે હાલ અમને આનંદબાની છત્રછાયા મળી રહી છે. તેઓના સ્વાસ્થ્ય અંગે પણ પીએમે પૂચ્છા કરી હતી. રાજકોટના ટુંકા રોકાણ દરમિયાન તેઓ એરપોર્ટ પર પોતાના જૂના સાથીદાર કહી શકાય તેવા શુક્લ, મણીયાર અને ભારદ્વાજ પરિવારને મળ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.