Abtak Media Google News

Table of Contents

નાના વેપારીઓ અને રોજમદારો આંશિક લોકડાઉનમાંથી રાહત ઝંખે છે

વેપાર પર લાગેલા તાળાં આર્થિક મોરચે કમર તોડી રહ્યા છે: વેપારી સંગઠનો

છેલ્લા ત્રણ સપ્તાહથી રાજ્યભરમાં આકરા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. જેમાં રિટેઇલ એકમો સહિતના વેપારને બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા હતા. જેના પગલે છેલ્લા 20 દિવસથી નાના વેપારીઓના ધંધા રોજગાર બંધ અવસ્થામાં હોવાથી રોજગારીથી માંડી આજીવિકા સહિતના પ્રશ્નો પડકાર બનીને સામે આવ્યા છે.  ત્યારે રાજ્યની સંવેદનશીલ રૂપાણી સરકાર 19મીથી નાના વેપારીઓ અને રોજમદારોને આંશિક લોકડાઉનમાંથી હળવાશ આપશે કે કેમ તે પ્રશ્ન ઉદ્ભવ્યો છે? અગાઉ અનેકવિધ સ્વતંત્ર વેપારી સંગઠનોએ રાજ્ય સરકારને આંશિક લોકડાઉનમાંથી મુક્તિ આપવા માટે રજૂઆત પણ કરી છે. ત્યારે આ મુદ્દે આજે સાંજે અથવા આવતી કાલે નવી ગાઇડલાઇન જાહેર થનારી છે.

ગુજરાતમાં ફુલ લોકડાઉનની જાહેરાત નથી કરવામાં આવી પરંતુ 36 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ સહિતના આકરા નિયંત્રણો લાદવામાં આવ્યા છે. રાજ્યમાં સત્તાવાર રીતે સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં નથી આવ્યું છતા લગભગ મોટાભાગની દુકાનો કે ધંધા-રોજગાર કોરોનાને કારણે બંધ કરવાની ફરજ પડી છે. આ પરિસ્થિતિમાં વ્યવસાય કરતા લોકોને આર્થિક તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમાં પણ નાના વેપારીઓ અને ફેરિયાઓની સ્થિતિ દયનીય બની ગઈ છે. આ લોકોને રાહત મળે તે માટે સ્વૈચ્છિક વેપારી સંગઠનોએ મુખ્યમંત્રી વિજય રુપાણીને લેખિત રજૂઆત કરીને યોગ્ય પગલા લેવાની માંગ પણ કરી છે.

Img 20210517 Wa00211

વિવિધ સંગઠનો દ્વારા કરવામાં આવેલી આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેના કારણે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નિયંત્રણોને કારણે લોકોના વેપાર ધંધા પ્રભાવિત થઈ રહ્યા છે. આ સ્થિતિમાં નાના પાયે ધંધો કરનારા, ફેરિયા વર્ગને ગુજરાન ચલાવવામાં ફાંફા પડી રહ્યા છે. સમાજનો એક મોટો વર્ગ આર્થિક તંગીનો સામનો કરી રહ્યો છે. જો આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલશે ભૂખમરાનો સામનો કરવો પડી શકે છે.

સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈએ પસંવેદનશીલતાથ સાથે નિર્ણય કરવો પડશે: ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ

Img 20210517 Wa0019

ગ્રેટર ચેમ્બર ઓફ રાજકોટના પ્રમુખ ધનસુખભાઈ વોરાએ કહ્યું હતું કે, ઔદ્યોગિક એકમો ધમધમી રહ્યા છે, લોકોની અવર-જવર સતત ચાલુ છે. ફક્ત અમુક વેપારી એકમો, સ્ટ્રીટ વેન્ડરો, રિટેઇલ શોપધારકો માટે જ જાણે લોકડાઉન અમલી બનાવવામાં આવ્યું હોય તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે. ખાનગી ઓફિસો સહિતની ગતિવિધિઓ પણ હાલ ચાલુ જ છે તો લોકડાઉનનો કોઈ અર્થ રહેતો નથી. આ લોકડાઉનથી ફક્ત નાના વેપારીઓ, સ્ટ્રીટ વેન્ડરો, રોજનું કરીને રોજનું ખાવાવાળા ગલ્લા-લારી ધારકોને જ પરેશાની થઈ રહી છે ત્યારે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સંવેદનશીલતા સાથે હવે આ તમામ વેપારીઓને છૂટછાટ આપવાની જરૂરિયાત છે.

કોરોના સંક્રમણ સંપૂર્ણપણે નાબૂદ થઈ જશે તેવું માનીને ચાલવું મૂર્ખામી સમાન છે, હવે સૌ કોઈએ કોરોના વચ્ચે જ જીવવાનું છે અને ગાઈડલાઈનનું પાલન કરવાનું છે. ત્યારે હવે તમામ વેપારીઓને ધંધો કરવાની છૂટ આપવામાં જેથી તેમની આજીવિકા પર કોઈ જોખમ ઉભું ન થાય તેવો નિર્ણય કરવો જોઈએ. રાજ્ય સરકારને રાજ્યભરના વેપારી સંગઠનો તરફથી રજૂઆતો મળી છે અને મને આશા છે કે, રાજ્ય સરકાર નાના વેપારીઓના હિતમાં નિર્ણય લેશે. હા ચોક્કસ, વેપારીઓએ સ્વયં સેવકો ગોઠવીને બજારમાં ભીડ એકત્રિત ન થાય તેના માટે કટિબદ્ધ રહેવું પડશે જેથી સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે.

રાજ્ય સરકારે હવે નાના વેપારીઓ અને રોજમદારોને સંપૂર્ણ છૂટ આપવી જોઈએ: રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ

Img 20210517 Wa0025

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ઉપપ્રમુખ પાર્થભાઈ ગણાત્રાએ કહ્યું હતું કે, હવે કોરોના સંક્રમણની પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે. અગાઉ જ્યારે સંક્રમણ વધ્યું હતું ત્યારે લોકડાઉનની જરૂરિયાત હતી. તે સમયે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ લોકડાઉનની માંગણી કરવામાં આવી હતી પરંતુ તે માંગણી એક ચોક્કસ સમય માટેની હતી. હવે સંક્રમણ કાબૂમાં છે ત્યારે આર્થિક મંદી ન સર્જાય તે બાબતને ગંભીરતાથી લઈને રાજ્ય સરકારે હવે નાના વેપારીઓ-દુકાનદારોને વેપાર કરવાની છૂટ આપવી જોઈએ. રાજ્ય સરકાર રાત્રી કરફ્યુ યથાવત રાખે તેની સામે અમારો કોઈ વિરોધ નથી પરંતુ હવે નાના વેપારીઓ-દુકાનદારો અને રોજમદારોની આજીવિકા છીનવાઈ જાય નહીં તે માટે છૂટ આપવી ખૂબ જરૂરી છે.

નાના વેપારી એકમોને અડધો દિવસ વેપારની છૂટ મળવી જ જોઈએ: જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશન

Img 20210517 Wa0018

રાજકોટ જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશનના સેક્રેટરી જગદીશભાઈ ઝીંઝુવાડિયાએ કહ્યું હતું કે, હાલ દેશને બે મોરચે લડવાનું છે. એક તો મહામારીમાંથી સ્વસ્થ થઈને બહાર નીકળવાનું છે અને બીજું આર્થિક મંદીનો સામનો ન કરવો પડે તેનું પણ ધ્યાન રાખવાનું છે. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જ સંક્રમણ વધતા લોકડાઉનની માંગણી રાજ્ય સરકાર પાસે કરવામાં આવી હતી પરંતુ તે માંગણી એક ચોક્કસ સમયમર્યાદા સુધી સીમિત હતી. હવે છેલ્લા ત્રણ સપ્તાહથી વધુનો સમય પસાર થઈ ચૂક્યો છે પરંતુ જે માત્રામાં સંક્રમણ ઘટવું જોઈએ તે ઘટ્યું નથી જેનું એકમાત્ર કારણ છે કે, વ્યાપારિક એકમોને બંધ કરવાનો આદેશ અપાયો અને લોકોને હરવા-ફરવાની છૂટ મળી ગઈ. હવે વ્યાપારિક એકમોને અડધો દિવસ વેપાર કરવાની છૂટ આપવી જોઈએ અને

ત્યારબાદ અગાઉ જે રીતે કરફ્યુયુક્ત લોકડાઉન હતું તેવું લોકડાઉન અમલી બનાવવું જોઇએ જેથી આર્થિક મોરચે પણ નબળાઈનો સામનો ન કરવો પડે અને સંક્રમણમાંથી પણ ઝડપી છુટકારો મળી જાય. હું રાજકોટ જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશન વતી રાજ્ય સરકારને આ બાબતે અપીલ કરું છું કે, હવે નાના વેપારીઓને ધંધો કરવાની છૂટ આપવામાં આવે.

ચા-પાનના વ્યવસાય સાથે સંકળાયેલા અઢી લાખ લોકોની આજીવિકા છીનવાઈ નહીં તે માટે છૂટછાટ આપવી જરૂરી: ટી એસોસિએશન

Img 20210517 Wa0017

રાજકોટ ટી એસોસિએશનના પ્રમુખ રાજુભાઈ ઠૂંગાએ કહ્યું હતું કે, ચા-પાનના ધંધાર્થીઓ નાની રકમમાં ધંધો કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. આ કોઈ મોટો વ્યવસાય નથી કે જેમાં લાખો રૂપિયાનો નફો હોય. આ  ધંધો કદાચ થોડા દિવસ બંધ રહે તો પણ મોટો ફટકો પડતો હોય છે, ઘણા લોકોની આજીવિકા છીનવાઇ જતી હોય છે. હાલ જે રીતે છેલ્લા 3 સપ્તાહથી ધંધો બંધ છે તેના કારણે ઘણા ધંધાર્થી આપઘાત કરવા મજબૂર બન્યા છે. ચા-પાનના નાના ધંધાર્થીઓ બેકાર ન બને તેના માટે હવે ધંધો શરૂ કરવાની મંજૂરી આપવામાં આવે તેવી હું રાજ્ય સરકારને વિન્નતિ કરું છું. જે ગાઈડલાઈન રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે તેના 100% પાલન સાથે ધંધાર્થીઓ ધંધો કરશે તેવી હું એસોસિએશન તરફથી ખાતરી આપું છું. તેમણે વધુમાં કહ્યું હતું કે, અગાઉ જ્યારે સંક્રમણ વધ્યું ત્યારે એસોસિએશને 3 દિવસ સુધી સ્વૈચ્છિક લોકડાઉનનું પાલન પણ કર્યું છે ત્યારે હવે આ ધંધા પર નભતા 2.5 લાખ લોકોની આજીવિકા ન છીનવાઈ તે માટે યોગ્ય છૂટછાટ આપવા મારી વિન્નતિ છે.

સંપૂર્ણ લોકડાઉન જેવી હાર્ડવેર એકમોની પરિસ્થિતિ: રાજકોટ હાર્ડવેર એસોસિએશન

Img 20210517 Wa0020

રાજકોટ હાર્ડવેર એસોસિએશનના પ્રમુખ જયેશભાઇ ચાવડાએ કહ્યું હતું કે, આંશિક લોકડાઉનમાં રિટેઇલ વેપારીઓ-દુકાનદારોને વેપાર બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો જેનું સૌ કોઈએ પાલન કર્યું છે પણ છેલ્લા 25 દિવસથી વેપાર બંધ હોવાથી તમામ વેપારીઓની હાલત કફોડી બની છે. રોટેઇલ બજારમાં તો વેપાર સદંતર બંધ છે પરંતુ અન્ય રાજ્યોમાં સંપૂર્ણ લોકડાઉન,  ટ્રાન્સપોર્ટરોની હડતાળ વગેરે જેવી બાબતોને કારણે અન્ય રાજ્યોમાં હોલસેલ ધંધો પણ ઠપ્પ છે. નિકાસ સાથે જોડાયેલા એકમો હાલ નિકાસ પણ કરી શકતા નથી જેથી તમામ પ્રકારના હાર્ડવેરના ધંધાર્થીઓની કમર તૂટી છે. રાજ્ય સરકાર આ બાબતમાં ગંભીરતા દાખવી દુકાનદારો અને વેપારીઓને આંશિક લોકડાઉનમાંથી રાહત આપે તો જ આર્થિક મંદીથી બચી શકાશે. રાજ્ય સરકાર જે કંઇ ગાઈડલાઈનનું પાલન કરવા આદેશ આપશે તેનું પાલન કરવા વેપારીઓ તૈયાર છે જેથી હવે લોકડાઉનમાંથી મુક્તિ મળવી જરૂરી છે.

આર્થિક મંદીમાં સંપડાયેલા નાના વેપારીઓને હવે લોકડાઉનમાંથી મુક્તિ આપવી આવશ્યક: મવડી વેપારી એસોસિએશન

Img 20210517 Wa0023 1

મવડી વેપારી એસોસિએશનના મહાવીરસિંહ ગોહિલે કહ્યું હતું કે, અમે રિટેઇલ વેપારીઓ નાની મૂડીમાં વેપાર કરતા હોઈએ છીએ, એકાદ-બે દિવસ પણ ધંધો વેપાર બંધ રહે તો મોટો ફટકો પડતો હોય છે ત્યારે છેલ્લા 25 દિવસથી બંધ અવસ્થામાં રહેલા વેપારને કારણે નાના વેપારીઓ ખૂબ મોટી આર્થિક તંગીનો સામનો કરવો પડી રહ્યો છે. ભાડા ચડી રહ્યા છે, વેરા ભરવાના હોય છે, કર્મચારીઓને પગાર પણ આપવાનો હોય છે જેથી ખર્ચ ચાલુ છે પણ વેપાર બંધ હોવાથી આવક કોઈ જ પ્રકારની નથી. અમારી આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને અમુક સમય મર્યાદા સાથે વેપાર શરૂ કરવાની મંજૂરી આપવામાં આવે તેવી રાજ્ય સરકાર પાસે મવડી વેપારી એસોસિએશન વતી હું માંગણી કરું છું. વધુમાં તેમણે કહ્યું હતું કે, નાના વેપારીઓ આર્થિક રીતે પડી ભાંગ્યા છે અને તેમની ખરાબ થયેલી પરિસ્થિતિ વધુ બદતર ન થાય તે બાબત પણ ધ્યાને લેવી અતિ આવશ્યક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.