Abtak Media Google News
  • દેવુસિંહ ચૌધરીનું નામ પણ દાવેદારોના લીસ્ટમાં: સૌરાષ્ટ્રને પ્રમુખપદ મળે તેવી શકયતા તદ્દન નહિવત

લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય અને ગુજરાતના સંગઠન માળખામાં ફેરફાર કરવામાં આવે તે લગભગ નિશ્ર્ચીત મનાય રહ્યું છે.જો ભાજપ સતત ત્રીજી વખત જીતી કેન્દ્રમાં સરકાર બનાવશે તો રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નટ્ટા અને ગુજરાતના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને નવા કેન્દ્રીય મંત્રી મંડળમાં સમાવવામાં આવશે તેવું હાલ મનાય રહ્યું છે. ગુજરાત ભાજપના નવા અઘ્યક્ષ તરીકે હાલ વિધાનસભાના અઘ્યક્ષ શંકરભાઇ ચૌધરીનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણનું નામ પણ દાવેદારોના લીસ્ટમાં છે. સૌરાષ્ટ્રને પ્રમુખપદ મળે તેવી સંભાવના નહિવત છે.પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલની મુદત ગત વર્ષ જ પૂરી થઇ ગઇ છે. તેઓને લોકસભાની ચૂંટણી સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સી.આર.પાટીલ લોકસભાની છેલ્લી ત્રણ ટર્મથી નવસારી બેઠક પરથી વિજેતા બની રહ્યા છે. આ તેઓની ચોથી ટર્મ છે.

કેન્દ્રમાં સતત ત્રીજી વખત ભાજપ પ્રેરિત એનડીએની સરકાર બનશે અને વડાપ્રધાન પદે નરેન્દ્રભાઇ મોદી સત્તારૂઢ થશે તો પાટીલને કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન મળે તે લગભગ ફાઇનલ જેવું માનવામાં આવી રહ્યું છે. આગામી 10 મી જુન સુધીમાં નવી સરકારના ગઠન બાદ ભાજપ દ્વારા સંગઠન માળખામાં ફેરફાર કરવાની પ્રક્રિયા હાથ પર લેવામાં આવશે.

ગુજરાતની વાત કરવામાં આવે તો નવા પ્રદેશ ભાજપ અઘ્યક્ષ તરીકે વિધાનસભાના વર્તમાન અઘ્યક્ષ શંકરભાઇ ચૌધરીનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. તેવાં યુવા છે સાથો સાથ ઉત્તર ગુજરાતમાં મજબૂત રાજકીય પકકડ ધરાવે છે. હાલ પ્રમુખપદ દક્ષિણ ગુજરાતના નેતા પાસે છે આ પૂર્વ સૌરાષ્ટ્રના નેતા પ્રદેશ અઘ્યક્ષ તરીકે હતા. આવામાં હવે ઉત્તર અથવા મઘ્ય ગુજરાતને પ્રમુખ પર આપવામાં આવે તેવું માનવામાં આવી રહ્યું છે. સૌથી વધુ તક ઉત્તર ગુજરાત માટે છે. અને શંકરભાઇ ચૌધરીનું નામ સૌથી પ્રબળ દાવેદારોમાં છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ગુડ બુકમાં પણ છે. જો તેઓને પ્રદેશ પ્રમુખ ન બનાવવામાં આવે તો મંત્રી મંડળના વિસ્તરણમાં તેમને મંત્રી બનાવવામાં આવે તેવી શકયતા પણ નકારી શકાતી નથી.

જો પ્રદેશ પ્રમુખપદ મઘ્ય ગુજરાતના કોઇ નેતાને આપવાનું હાઇ કમાન્ડ દ્વારા નકકી કરવામાં કેન્દ્રીય મંત્રી દેવું સિંહ ચૌધરીનું નામ પણ દાવેદારોના લીસ્ટમાં છે. રાજયની આઠ મહાનગરપાલિકાઓ, 31 જીલ્લા પંચાયત, નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતની ચુંટણીને આડે હવે દોઢ વર્ષનો સમય બાકી રહ્યો છે. ડિસેમ્બર-2025 સુધીમાં સ્થાનીક સ્વરાજયની ચુંટણી યોજાશે આ પૂર્વ નવા પ્રદેશ અઘ્યક્ષને ચુંટણી લક્ષી તૈયારીઓ માટે પુરો સમય મળી રહે તે માટે ભાજપ દ્વારા કેન્દ્રમાં સરકાર બન્યાના એકાદ પખવાડીયામાં જ નવા સંગઠન માળખાની રચના માટેની કામગીરી હાથ પર લેવામાં આવશે. મુખ્યમંત્રી તરીકે પાટીદાર હોય પ્રદેશ અઘ્યક્ષ તરીકે ઓબીસી સમાજને તક આપવામાં આવે તેવું માનવામાં આવી રહ્યું છે.

નવા પ્રદેશ પ્રમુખની વરણી ગુજરાત વિધાનસભાની 2027માં યોજનારી સામાન્ય ચુંટણીને ઘ્યાનમાં રાખી કરવામાં આવશે કારણ કે જુન-જુલાઇમાં નવા પ્રદેશ અઘ્યક્ષની નિમણુંક કરવામાં આવે તો તેઓની ત્રણ વર્ષની મુદત જુલાઇ-2027માં પુરી થાય. નવેમ્બર – ડિસેમ્બર-2027માં ગુજરાત વિધાનસભાની ચુંટણી યોજાવાની હોય નવા પ્રમુખને પુરો સમય ન મળે તે માટે મુદત પુરી થવા છતાં ચાલુ પ્રમુખની મુદત વધારી દેવામાં આવશે.

આવતા મહિને ભાજપને નવા પ્રદેશ અઘ્યક્ષ મળી જશે તે ફાઇનલ છે. હવે મોદી – શાહની જોડી કોના પર પસંદગીનું કળશ ઢોળે છે તેના પર સૌની મીટર મંડાયેલી છે. ભાજપના બંધારણ મુજબ કોઇપણ વ્યકિત સતત બે ટર્મ સુધી પ્રમુખપદે રહી શકે છે. વર્તમાન પ્રદેશ અઘ્યક્ષ સી.આર.પાટીલની પ્રથમ ટર્મ જ છે. જે ગત જુલાઇ માસમાં પૂર્ણ થઇ ગઇ હતી. દરમિયાન લોકસભાની ચુંટણીને ઘ્યાનમાં રાખી તેઓને યથાવત રાખવામાં આવ્યા હતા. સાંસદ તરીકે હવે તેઓની ચોથી ટર્મ શરુ થશે આવામાં જો કેન્દ્રમાં ભાજપની સરકાર બને તો તેઓને કેન્દ્રીય મંત્રી મંડળમાં સ્થાન મળે તેવી પ્રબળ સંભાવના રહેલી છે. જો પાટીલ કેન્દ્રીય મંત્રી બનશે તો ગુજરાતમાં ભાજપ નવા પ્રદેશ અઘ્યક્ષ નિમશે. અન્યથા પ્રમુખ પદે પાટીલને યથાવત રાખવામાં આવે તેવી શકયતા પણ રહેલી છે. હવે સંગઠન માળખાની જવાબદારી ઓબીસી સમાજમાંથી આવતા નેતાને સોંપવામાં આવે તેવું દેખાય રહ્યું  છે. આવામાં વિધાનસભાના વર્તમાન અઘ્યક્ષ શંકરભાઇ ચૌધરી માટે વધુ તક રહેલી છે. બીજી તરફ એવી પણ અટકળો ચાલી રહી છે કે જો રાજય સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવે તો શંકરભાઇને મંત્રી પણ બનાવવામાં આવી શકે છે. જુન માસમાં ભાજપ મોટા પરિવર્તનનો કરશે.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.