Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સીટીએ ગર્લ્સ હોસ્ટેલ માટે એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં હોસ્ટેલના અલગ અલગ નિયમોને લઇને આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.  હવે વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલમાં શિસ્ત સહિત જુદા જુદા 28 જેટલા નિયમનું ચોક્કસાઈપૂર્વક પાલન કરવાનું ફરજીયાત રહેશે.

વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલમાં શિસ્ત સહિત જુદા જુદા 28 જેટલા નિયમનું ચોક્કસાઈપૂર્વક પાલન કરવાનું ફરજીયાત રહેશે

યુનિવર્સિટીના ગર્લ્સ હોસ્ટેલના નિયમના પરિપત્રને લઈને સૌરાષ્ટ્રના શિક્ષણ જગતમાં ચર્ચાઓ શરૂ થઇ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કેમ્પસમાં આવેલી અલગ અલગ પાંચ હોસ્ટેલ માટે નિયમોનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે. હોસ્ટેલના પ્રાર્થના હોલ અને ડાઇનિંગ હોલમાં વિદ્યાર્થિનીઓને ટૂંકા વસ્ત્રો પહેરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તે સિવાય ગર્લ્સ હોસ્ટેલની ફી સત્ર દીઠ 1000 રૂપિયા અને વીજળી ખર્ચ સત્ર દીઠ 500 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તે સિવાય હોસ્ટેલમાં પૂર્ણ સમયના નિયમિત અભ્યાસક્રમમાં જોડાયેલી વિદ્યાર્થિનીઓને જ પ્રવેશ આપવામાં આવશે.

પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વિદ્યાર્થિની ગર્લ્સ હોસ્ટેલમાં પોતાના કુટુંબી પરિચિત બહેનોને રેક્ટરની મંજૂરી સિવાય રાખી શકશે નહીં. ગર્લ્સ હોસ્ટેલમાં કોઈપણ વિદ્યાર્થિની ઇલેક્ટ્રિક સાધનોનો ઉપયોગ કરી શકશે નહીં. રાત્રે 8:30 વાગ્યાથી 9:00 વાગ્યા દરમિયાન દરેક વિદ્યાર્થિનીની હાજરી પુરાશે જેમાં હાજર રહેવું ફરજિયાત રહેશે.

રેક્ટરની પરવાનગી વગર કોઈપણ વિદ્યાર્થિની હોસ્ટેલની બહાર રહી શકશે નહીં. તે સિવાય કોઇ પણ વિદ્યાર્થીની પોતાની પાસે હોસ્ટેલમાં ઘરેણા, ઝવેરાત, કિંમતી વસ્તુઓ કે રોકડ રકમ રાખી શકશે નહીં. જો તેમ છતાં વિદ્યાર્થીની પોતાની પાસે કિંમતી સામાન રાખશે અને તે ચોરાઇ જાય તો હોસ્ટેલનો સ્ટાફ કોઇ પણ પ્રકાશે જવાબદાર રહેશે નહીં.

આ પરિપત્ર નહિ પણ સુચારૂ વ્યવસ્થાના ભાગરૂપેના નિયમો છે: કુલપતિ ભીમાણી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડોક્ટર ગિરીશ ભીમાણીએ કહ્યું હતું કે આ પરિપત્ર નહિ નિયમો છે. ગર્લ્સ હોસ્ટેલમાં પ્રવેશ સમયે જ નિયમો સમજાવવાના રહેતા હોય છે. ગર્લ્સ હોસ્ટેલમાં પ્રાર્થના હોલ અને ભોજનાલયમાં ટૂંકા વસ્ત્રો ન પહેરવા તેવો નિયમ હતો જ. હવે પબ્લિક ડોમેઇન પર નિયમો મુકવામાં આવ્યા છે. ટૂંકા કપડાં પહેરવા મામલો ગર્લ્સ અને છોકરાઓ એમ બંન્નેને લાગુ પડે છે. છોકરાઓ માટેના પણ નિયમો હતા જ તેમાં પણ સુધારો કરવા અધિકારીઓને કહેવાયું છે. રેક્ટરો સાથેની બેઠક બાદ જ નિર્ણય લેવાતો હોય છે. આ પરિપત્ર નહી માત્ર નિયમો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.