Abtak Media Google News

એક તરફ રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓને અદ્યતન સુવિધા વાળી અને સ્માર્ટ શાળાઓ બનાવવામાં આવી રહી છે. શાળાઓના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ જંગી ખર્ચ કરવામાં આવી રહ્યો છે પરંતુ આવી શાળાઓમાં જેમને જ્ઞાન પીરસવાનું છે એ શિક્ષકોની જ જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે. સૌરાષ્ટ્ર/કચ્છમાં પ્રાથમિક શાળાઓમાં 10 હજારથી વધુ શિક્ષકોની ઘટ જયારે રાજ્યભરમાં 20 હજારથી વધુ શિક્ષકોની ઘટ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 15 હજાર કરતા વધુ પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકોની 1 લાખ જેટલી જગ્યાઓ મંજૂર કરવામાં આવેલી છે, જેની સામે 75 હજાર જેટલી જગ્યાઓ ભરાયેલી છે.

Advertisement

સૌથી વધુ કચ્છ જિલ્લામાં 3133 શિક્ષકોની જગ્યા ખાલી જયારે સૌરાષ્ટ્રના ભાવનગરમાં સૌથી વધુ 1288 શિક્ષકોની ભરતી કરવાની બાકી

જ્યારે 10790 જગ્યાઓ ખાલી છે. ખાલી જગ્યાઓ પૈકી સૌથી વધુ કચ્છ જિલ્લામાં 3 હજાર કરતા વધુ શિક્ષકોની જગ્યા ખાલી છે. જ્યારે રાજ્યમાં નવસારી જિલ્લામાં મંજૂર જગ્યા કરતા 15 જેટલા વધુ શિક્ષકોની જગ્યા ભરાયેલી છે. આમ, નવસારીને બાદ કરતા તમામ જિલ્લાઓમાં શિક્ષકોની જગ્યા ખાલી પડી હોવાનું જાણવા મળે છે. મળતી માહિતી અનુસાર, સૌરાષ્ટ્ર-કચ્છમાં આવેલી પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકોની જગ્યા ખુબ જ મોટા પ્રમાણમાં ખાલી હોવાની વિગતો સામે આવી છે. 31 જુલાઈ, 2023ની સ્થિતિએ મંજૂર થયેલા મહેકમ સામે 11.60 ટકા જેટલા શિક્ષકોની જગ્યાઓ ખાલી છે.

આંકડાકીય રીતે જોઈએ તો હાલમાં પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકોની 10790 જગ્યાઓ ખાલી પડી હોવાનું સામે આવ્યું છે. આમ, મોટી સંખ્યામાં શિક્ષકોની ખાલી જગ્યાના લીધે શિક્ષણ પર તેની ગંભીર અસર પડી રહી હોવાનું જાણવા મળે છે.રાજ્યમાં 30510 જેટલી પ્રાથમિક સ્કૂલો આવેલી છે, જેમાં શિક્ષકોની મંજૂર થયેલી જગ્યાઓ કે જેમાં બાલવાટિકાથી લઈને ધોરણ-8 સુધીનો સમાવેશ થાય છે તેમાં 176237 જગ્યાઓ મંજૂર કરવામાં આવેલી છે.

આ જગ્યાઓની સામે હાલમાં શિક્ષકોની 155801 જેટલી જગ્યાઓ ભરાયેલી છે. જ્યારે 20436 જેટલી જગ્યાઓ ખાલી હોવાનું જાણવા મળે છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં શિક્ષકોની જગ્યાઓ ખાલી હોવાનું સામે આવ્યું છે. જેમાં સૌથી વધુ જગ્યા કચ્છ જિલ્લામાં 3133 શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે. રાજકોટ શહેર અને જિલ્લાની વાત કરીએ તો શહેરમાં 200થી વધુ પ્રાથમિક સ્કૂલો આવેલી છે, જેમાં પ્રાથમિક શિક્ષકોની 721 જગ્યાઓ ખાલી પડી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.