Abtak Media Google News

આજે પણ રાજ્યના કેટલાક સ્થળે ઝાપટા પડે તેવી હવામાન વિભાગની આગાહી: બે દિવસ બાદ ઠંડીનું જોર વધે તેવી શક્યતા

અફઘાનિસ્તાન પાસે સર્જાયેલા પશ્ચિમી વિક્ષોભની અસર તળે પૂર્વ કચ્છના અંજાર વિસ્તારમાં બપોર બાદ હવામાન પલટાયું હતું અને વરસામેડી, વરસાણા, પડાણામાં ઝાપટાં પડ્યા હતા. કચ્છભરમાં મહત્તમ પારો વધુ એક ડિગ્રી જેટલો નીચે ઉતરતાં ગરમીમાં રાહત રહી હતી. દરમિયાન આજે બુધવારે કેટલાક સ્થળે ઝાપટા પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જો કે બીજીબાજુ સૌરાષ્ટ્રમાં આજે શિયાળામાં પ્રથમવાર ઝાકળવર્ષા જોવા મળી હતી. અને વહેલી સવારે લોકોએ ફુલગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો.

Advertisement

બપોર બાદ એકાએક વાદળો ચડી આવતાં વરસામેડી, વરસાણા અને પડાણા સહિતના વિસ્તારોમાં ઝાપટું વરસતાં માર્ગો પરથી પાણી વહી નીકળવાની સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ ઉપરાંત જિલ્લાના કેટલાક ભાગમાં વાદળોની હાજરી જોવા મળી હતી. આજે પણ છૂટા છવાયા સ્થળે હળવા ઝાપટા વરસી શકે છે તેવો વર્તારો વેધશાળાએ વ્યક્ત કર્યો છે.

દરમિયાન કચ્છમાં ઉંચુ તાપમાન એક આંક જેટલું નીચે આવ્યું હતું જેને પગલે ભુજમાં મહત્તમ 34, નલિયામાં 32.2, કંડલા બંદરે 34.5 જ્યારે કંડલા એરપોર્ટ મથક પર 34.6 ડિગ્રી નોંધાયું હતું. નલિયામાં 17.1 ડિગ્રી જેટલા ન્યૂનતમ તાપમાન સાથે રાત્રે શિયાળો દસ્તક દેતો જણાયો હતો. ઉલ્લેખનીય છે કે, શુક્ર-શનિવારથી કચ્છમાં લઘુતમ પારો 15 ડિગ્રી આસપાસ રહેશે તેવી સંભાવના ભુજ હવામાન વિભાગ દ્વારા અગાઉ દર્શાવાઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.