Abtak Media Google News

સેવાકીય પ્રવૃત્તિઓમાં સદા અગ્રેસર અને ખોડલધામ ટ્રસ્ટ કાગવડના પ્રણેતા એવા નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે સતત 19માં વર્ષે સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ચાલતા સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી 11 જુલાઈના રોજ નરેશભાઈના જન્મદિવસે રાજકોટમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં રાજકોટ શહેર તેમજ આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરવા ઉમટી પડશે.

સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 19 વર્ષથી અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ થકી લોકઉપયોગી કાર્યો કરી રહ્યું છે. વર્ષ 2000થી વિવિધ સ્થળો પર રક્તદાન કેમ્પનું આયોજન કરીને જીવનમાં રક્તનું કેટલું મૂલ્ય છે એ સાર્થક કરી રહ્યું છે. 19 વર્ષથી સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનેક બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવી ચૂક્યા છે. નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અગાઉ સર્વરોગ નિદાન કેમ્પ, રક્તદાન કેમ્પ, કુદરતી આપત્તિઓમાં સહાય સહિતના સેવાકીય કાર્યો કરવામાં આવ્યા છે. આ ટ્રસ્ટના માધ્યમથી વર્ષોથી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં હજારોની સંખ્યામાં રક્તદાતાઓ રક્તદાન કરી જરૂરિયાતમંદ દર્દીઓને નરેશભાઈ પટેલના માધ્યમથી રક્ત પહોંચાડે છે. રક્તદાન કેમ્પમાં તમામ સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાઈને ઉત્સાહથી રક્તદાન કરે છે. ત્યારે નરેશભાઈ પટેલના 55માં જન્મદિવસ નિમિત્તે સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તા. 11 જુલાઈના રોજ સવારે8 થી 1 વાગ્યા સુધી રાજકોટના શ્રી સરદાર પટેલ ભવન, ચંદ્રેશનગર પાણીના ટાંકીના સામે, ન્યુ માયાણીનગર ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં રાજકોટ શહેર તેમજ આસપાસના ગામડામાંથી મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડશે.

શ્રી ખોડલધામ ટ્રસ્ટના સ્વપ્ન દ્રષ્ટા એવા નરેશભાઈ પટેલ વર્ષોથી વિવિધ સેવાકીય કાર્યો સાથે જોડાયેલા છે. અત્યાર સુધીમાં 180થી વધુ વખત નરેશભાઈ પટેલની રક્તતુલા કરાઈ છે. આ રક્તતુલા બાદ તમામ રક્ત જરૂરિયાતમંદ દર્દીઓને અર્પણ કરવામાં આવે છે. નરેશભાઈના જીવનનો ધ્યેય જરૂરિયાત મંદ દર્દીઓને મદદ કરવાનો હંમેશા રહ્યો છે અને રક્તદાનને મહાદાન ગણી નરેશભાઈ પટેલના જન્મદિવસે સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન આ વર્ષે પણ કરાયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ બહોળી સંખ્યામાં સ્વયંભૂ રક્તદાતાઓ રક્તદાન કરી નરેશભાઈ પટેલના આ સેવાકીય કાર્યમાં સહભાગી થશે.

નરેશભાઈ પટેલના જન્મદિવસે દર વર્ષે યોજાતા મેગા બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડે છે ત્યારે આ વર્ષે સદ્જ્યોતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી સરદાર પટેલ ભવન ખાતે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. રક્તદાતાઓ શાંતિથી રક્તદાન કરી શકે અને કોઈ તકલીફ ઉભી ન થાય તે માટેનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.