Abtak Media Google News

વીજ વાયર ઉપર વૃક્ષ પડતા ૪ વીજ પોલ ડેમેજ: વીજ કર્મચારીઓ સમારકામ માટે ઊંધા માથે

રાજકોટ શહેરમાં હનુમાન મઢી ચોક પાસે ગઈકાલે ભારે પવનના કારણે વૃક્ષ ધરાશાયી થયું હતું. આ વૃક્ષ વીજ વાયર માથે પડતા ચાર પોલને ડેમેજ થયું હતું અને એક શ્વાનનું વીજ શોકથી મોત પણ નીપજ્યું હતું. જો કે સદનસીબે આ બનાવમાં મોટી જાનહાની થતા સહેજમાં અટકી હતી.

Advertisement

શહેરના હનુમાન મઢી ચોક પાસે તિરુપતિ શેરી નંબર-૪માં ગઈકાલે રાતે ૧૦ વાગ્યાના અરસામાં એક વૃક્ષ ધરાશાયી થયું હતું. આ વૃક્ષ વીજ વાયર ઉપર પડ્યું હતું. જેથી ૪ વીજ પોલ વળી ગયા હતા અને જીવતા વીજ વાયર નીચે અડકી ગયા હતા. આ વેળાએ એક શ્વાન જીવતા વીજ વાયરને અડકી જતાં તેનું મોત નીપજ્યું હતું. બીજી તરફ સમગ્ર વિસ્તારમાં અંધારપટ્ટ છવાયો હતો.

આ મામલે પીજીવીસીએલને જાણ થતા મહિલા કોલેજ સબ ડિવિઝનના ડે. ઈજનેર પ્રજાપતિની સૂચનાથી સ્ટાફ તુરંત જ ઘટના સ્થળે દોડી ગયો હતો અને સમારકામ હાથ ધર્યું હતું. આખી રાત આ કામગીરી ચાલી હતી.અને અંતે આજે બપોરના અરસામાં આ કામગીરી પૂર્ણ થઈ હતી. ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ ન હતી. અને વીજ કર્મચારીઓએ ઊંધામાથે થઈને ખૂબ જહેમત ઉઠાવી પરિસ્થિતિ થાળે પાડી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.