Abtak Media Google News

એક અઠવાડિયું માર્ગ સલામત સપ્તાહ ઉજવાશે

શહેર આસપાસના ૧૫થી વધુ બ્લેક સ્પોટ પર અકસ્માત નિવારવા માટેના જરૂરી સાઈન બોર્ડ મુકવા રોડ સેફટી મીટીંગમાં નક્કી થયું છે. કમિશનર કચેરી, રાજકોટ ખાતે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના અધ્યક્ષસ્થાને આયોજિત રોડ સેફટી મિટિંગમાં શહેર આસપાસના વિસ્તારના ૧૫થી વધુ બ્લેક સ્પોટ એટલે કે અકસ્માત સંભવિત ઝોનમાં અકસ્માતો નિવારી શકાય તે માટે જરૂરી સાઇનબોર્ડ જેવા કે ગતિ મર્યાદા, અકસ્માત સંભવિત વિસ્તાર, ઝીબ્રા ક્રોસિંગ, ગતિમર્યાદા સહિતના સાઈનબોર્ડ તેમજ જરૂરી સ્પીડ બ્રેકર, સ્પીડ બ્રેકર પટ્ટા, એલ.ઈ. ડી. લાઇટ સહીતના જરૂરી પગલાં લેવા માટે નેશનલ હાઇવે ઓથોરિટી તેમજ આર.એન્ડ.બી. વિભાગને સૂચિત કરાયા હતા.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, આર.ટી.ઓ. ઓફીસ, ગ્રીનલેન્ડ ચોકડી, સંત કબીર રોડ, માલીયાસણ ગામ રોડ,  મારવાડી કોલેજ, કુવાડવા ગામ રોડ,  કુવાડવા જીઆઇડીસી, કુચીયાદળ, સાત હનુમાન, ત્રંબા ગામ, વિઠ્ઠલ વાવ, પીરવાડી, ખોખડદળ, ગમારા પેટ્રોલ પંપ, ગોંડલ રોડ ચોકડી, મહિકા ગામ, લાખાપર, સરધાર સહિતના રાજકોટ તેમજ આસપાસના વિસ્તારના રોડને મહત્વના બ્લેક સ્પોટ તરીકે આવરી લેવામાં આવ્યા છે.

આ વર્ષે રોડ સેફટી વીક એક માસ સુધી ચાલશે, જેમાં આર.ટી.ઓ, મહાનગરપાલિકા, શિક્ષણ, ટ્રાફીક પોલીસ, આરોગ્ય વિભાગ સહિતના વિવિધ વિભાગો સંયુક્ત રીતે જોડાઈ જનજાગૃતિના કાર્યક્રમો  હાથ ધરવામાં આવશે.

રોડ સેફટી મિટિંગમાં જોઈન્ટ પોલીસ કમિશનર ખુર્શીદ અહેમદ, ઝોન-૧ ડી.સી.પી. પ્રવિણકુમાર, એસીપી ટ્રાફિક પોલીસ ભરત ચાવડા, આર.ટી.ઓ અધિકારી લાઠીયા, મહાનગરપાલિકા, એસ.ટી વિભાગ, હાઈ-વે ઓથોરિટી, જી.ઇ.બી, માહિતી વિભાગ સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.