Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં ગઈકાલે મળેલી કોર કમીટીની બેઠકમાં 36 શહેરો પૈકી 18 શહેરોમાંથી કરફયુ હટાવી લેવામાં આવ્યો છે. જ્યારે અન્ય 18 શહેરોને રાત્રી કરફયુમાં 1 કલાકની છુટ સાથે કેટલીક છુટછાટ આપવામાં આવી છે. કોર કમીટીએ એવો પણ નિર્ણય લીધો છે કે જે 18 શહેરોમાં આંશિક છૂટછાટ આપવામાં આવી છે ત્યાં 30મી જૂન સુધીમાં તમામ વેપારીઓ, વ્યવસાયીક એકમોના સંચાલકો અને સ્ટાફે ફરજિયાતપણે વેક્સિન લઈ લેવી પડશે. આટલું જ નહીં ગઈકાલે મ્યુનિ.કમિશનર તરીકેનો ચાર્જ સંભાળનાર અમીત અરોરાએ પણ એવું જણાવ્યું હતું કે, પુરજોશમાં વેક્સિનેશન ઝુંબેશ શરૂ કરવામાં આવશે. શાસકો પણ ધડાધડ વેક્સિનેશન કેમ્પને મંજૂરી આપવા માંડ્યા હતા.

આવા સમયે જ છેલ્લા કેટલાંક દિવસથી રાજ્ય સરકાર દ્વારા રાજકોટને ફાળવવામાં આવતા વેક્સિનના ડોઝમાં તોતીંગ કાપ મુકી દેવામાં આવ્યો છે. જેના પરિણામે ફરી ટોકન સીસ્ટમ અમલમાં આવી જવા પામી છે. મેયર દ્વારા હાલ પુરતા વેક્સિનેશન કેમ્પની મંજૂરી અટકાવી દેવામાં આવી છે. ગઈકાલે માત્ર 3 હજાર ડોઝ જ ફાળવવામાં આવ્યા હોવાના કારણે આજે બપોરબાદ તમામ સેન્ટરો પર વેક્સિનેશનની કામગીરી અટકી પડે તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.

આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ રાજ્ય સરકાર દ્વારા ગત 19મી તારીખથી વોક ઈન વેક્સિન અને ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાને દૈનિક 25000 લોકોને વેક્સિન આપવાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે.

આ લક્ષ્યાંક અગાઉ ઘણા મહિનાથી નિર્ધારીત કરી દેવામાં આવ્યો હોય મહાપાલિકા દ્વારા સરેરાશ 19000 લોકોને વેક્સિન આપવામાં આવતી હતી. છેલ્લા ઘણા દિવસથી 10,000થી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. વેક્સિનેશનની કામગીરી પુરજોશમાં ચાલે તે માટે અલગ અલગ જ્ઞાતિ કે સંસ્થાને કેમ્પ યોજવા મંજૂરી અપાય રહી છે.

દરમિયાન આરોગ્ય શાખાના સુત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ છેલ્લા એક સપ્તાહથી રાજકોટને રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવતા કોરોના વેક્સિનના ડોઝમાં સતત ઘટાડો કરવામાં આવી રહ્યો છે. ક્રમશ: ઘટાડો ચાલુ જ છે. ગઈકાલે માત્ર 3 હજાર ડોઝની ફાળવણી કરવામાં આવી હતી. જો કે, અગાઉના ડોઝ સ્ટોકમાં હોવાના કારણે રાજ 11000 જેટલા લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી રહી છે. કાલે એક સામટો મોટો ઘટાડો કરવામાં આવ્યો હોવાના કારણે આજે વેક્સિનેશનની કામગીરી પર અસર પહોંચી હતી.

હાલ મહાપાલિકા દ્વારા કુલ 62 સેન્ટરો પર વેક્સિનની કામગીરી ચાલી રહી છે. વોક ઈન વેક્સિન અને ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન હેઠળ સેન્ટરે આવનાર દરેક વ્યક્તિને વેક્સિન આપી દેવામાં આવતી હતી પરંતુ હવે ડોઝ પુરતા પ્રમાણમાં ન હોવાના કારણે ફરી ટોકન સીસ્ટમ અમલમાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. કેટલાંક સેન્ટરો પર માત્ર 35 વ્યક્તિઓને જ ટોકન આપવામાં આવ્યા હતા જ્યારે અન્ય લોકોને તગેડી મુકાયા હતા. બપોરબાદ ન આવવા પણ તાકીદ કરવામાં આવી હતી અને આવતીકાલે પણ સેન્ટર ખુલે તે પહેલા આવી જવા જણાવવામાં આવ્યું હતું.

ગઈકાલે જે રીતે વેક્સિનના માત્ર 3 હજાર ડોઝની ફાળવણી કરવામાં આવી છે તે જોતા હાલ એવુ લાગી રહ્યું છે કે, બપોરબાદ તમામ સેન્ટરો પર વેક્સિનેશનની કામગીરી અટકી પડશે. બીજી તરફ જો રાજ્ય સરકાર દ્વારા જરૂરીયાત મુજબ પુરતા પ્રમાણમાં વેક્સિનના ડોઝ આપવામાં નહીં આવે તો આગામી શનિ-રવિમાં જે 5 કેમ્પોની મંજૂરી આપવામાં આવી છે તે પણ રદ કરવાની ફરજ પડશે. બીજી તરફ હાલ મેયર ડો.પ્રદિપ ડવ સમક્ષ કેટલીક સંસ્થાઓ અને જ્ઞાતિના આગેવાનોએ આવતીકાલે અને રવિવારે વેક્સિનેશન કેમ્પ યોજવા માટેની મંજૂરી માંગી છે પરંતુ ડોઝના અભાવે હાલ તકેદારીના ભાગરૂપે કેમ્પ મંજૂરી અટકાવી દેવામાં આવી છે.

અગાઉ લોકોને વેક્સિન લેવા માટે અપીલ કરવામાં આવતી હતી પરંતુ હવે સ્થિતિ અછતના કારણે વણસી જાય તેવું લાગી રહ્યું છે. જે 18 શહેરોમાં વેપારીઓ તથા સ્ટાફને 30મી જૂન સુધીમાં ફરજિયાત વેક્સિન લેવા આદેશ આપવામાં આવ્યો છે તેમાં રાજકોટ શહેરનો પણ સમાવેશ થાય છે. આવામાં આગામી દિવસોમાં વેપારી અને સ્ટાફનો પણ વેક્સિનેશન માટે ધસારો રહે તે સ્વાભાવિક છે. જો રાજ્ય સરકાર વેક્સિનની જરૂરીયાત મુજબનો

જથ્થો ફાળવવા માટે યોગ્ય નિર્ણય નહીં લે તો શહેરમાં વેક્સિનેશન ઝુંબેશ અટકી પડે તેવી દહેશત પણ ઉભી થવા પામી છે.

વેક્સિનેશનની કામગીરી ન અટકે તેવા પ્રયાસો કરાશે: મેયર

Pradip Dac

રાજકોટને ફાળવવામાં આવતા વેક્સિનના જથ્થામાં રાજ્ય સરકાર દ્વારા તોતીંગ કાપ મુકી દેવામાં આવ્યો છે. આજે બપોરબાદ તમામ સેન્ટરો પર વેક્સિનેશનની કામગીરી બંધ થઈ જાય તેવી સ્થિતિ સર્જાય છે ત્યારે મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, શહેરમાં હાલ વેક્સિનેશન ઝુંબેશ પુરજોશમાં ચાલી રહી છે. વેક્સિનના ડોઝના કારણે તે બંધ ન થાય તેવા પુરતા પ્રયાસો કરવામાં આવશે. આજે સાંજે રાજકોટને વધુમાં વધુ માત્રામાં વેક્સિનના ડોઝ મળી રહે તે અંગે રાજ્ય સરકારમાં રજૂઆત પણ કરવામાં આવશે. દરમિયાન 30મી જૂન સુધી શહેરમાં વેક્સિનેશન કેમ્પ માટે મંજૂરી આપી દેવામાં આવી છે જે કોઈ કાળે બંધ નહીં રાખવામાં આવે. બીજી તરફ યોગ્ય વ્યવસ્થા અને આયોજન જળવાઈ રહે તે માટે હાલ પુરતા કેમ્પને મંજૂરી ન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે સમાજ કે સંસ્થાએ વેક્સિનેશન કેમ્પ યોજવાની મંજૂરી માંગી છે તેઓને વેક્સિનના પુરતા ડોઝ મળવાનું શરૂ થતાંની સાથે જ કેમ્પનું મંજૂરી આપવામાં આવશે. ટૂંકમાં શહેરમાં વેક્સિનેશનની કામગીરી ન અટકે તેવા પુરતા પ્રયાસો હાથ ધરાશે.

કોવિશીલ્ડના 6500 અને કો-વેક્સિનના 5000 ડોઝ હાલ ઉપલબ્ધ: પુષ્કર પટેલ

Pushkar Patel

સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, હાલ રાજકોટ મહાનગરપાલિકા પાસે કોવિશીલ્ડના 6500 અને કો-વોક્સિનના 5000 ડોઝ ઉપલબ્ધ છે. તમામ 62 સેન્ટરો પર આજ સાંજ સુધીમાં વેક્સિનેશનની કામગીરી સુંદર રીતે ચાલશે. આ ઉપરાંત જે સંસ્થા કે જ્ઞાતિ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેને પણ વેક્સિનની ફાળવણી કરવામાં આવી રહી છે. સાંજ સુધીમાં રાજ્ય સરકાર દ્વારા જરૂરીયાત મુજબ વેક્સિનના ડોઝની ફાળવણી કરી દેવામાં આવશે. જેથી કોઈ સમસ્યા ઉભી થશે નહીં. હાલ ભલે કેમ્પને મંજૂરીઆપવાની કામગીરી હંગામી ધોરણે અટકાવી દેવામાં આવી હોય પરંતુ ટૂંક સમયમાં આ કામગીરી શરૂ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.